AFG Vs BAN : બાંગ્લાદેશને હરાવનારી અફઘાનિસ્તાન ટીમમાં આ છે ખાસ વાત

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરમાં પ્રવેશ કરનારી અફઘાનિસ્તાને બાંગ્લાદેશને એની જ ધરતી પર ધરખમ પરાજય આપીને ઇતિહાસ સર્જ્યો છે.

ક્રિકેટજગતમાં અફઘાનિસ્તાન સાવ નાનું બાળક ગણાય અને હજી તાજેતરમાં જ તેણે ટેસ્ટ પ્રવેશ કર્યો છે, પરંતુ ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોતાં એટલું તો કહેવું જ પડે કે આ જરા અલગ માટીની ટીમ છે અથવા તો પછી એમ કહી શકાય કે બંદે મેં કુછ દમ જરૂર હૈ.'

અફઘાન પ્રજા ઘણી લડાયક હોય છે અને તેઓ કોઈ પણ હરીફને આસાનીથી જીતવા દેતી નથી તે તો આપણે વાર્તામાં પણ સાંભળતા હતા.

અહીં માત્ર ક્રિકેટની વાત કરીએ તો તેઓ ક્રિકેટના મેદાન પર પણ કોઈ હરીફને આસાનીથી સફળ થવા દેતા નથી એ પુરવાર કરી દીધું છે.

અફઘાનિસ્તાન પાસે અત્યારે સર્વશ્રેષ્ઠ ખેલાડીની ફોજ છે. ખાસ કરીને રાશિદ ખાન અને મોહમ્મદ નબી. આ ઉપરાંત રહેમત શાહ પણ ખરા.

અત્યારે આ ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે અને પહેલી ટેસ્ટમાં જ તેણે બાંગ્લાદેશની હાલત ખરાબ કરી દીધી છે.

બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ મૅચમાં 19 વર્ષનો અનુભવ ધરાવે છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 19 મહિનાનો અનુભવ પણ ધરાવતી નથી.

આ ટીમ માત્ર ત્રણ ટેસ્ટ રમી છે, જેમાંથી બે ટેસ્ટમાં તો તેણે વિજય હાંસલ કર્યો છે.

ઇતિહાસ સર્જવા તરફ અગ્રેસર

ટેસ્ટક્રિકેટના ઇતિહાસ પર નજર કરીએ તો ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડે તેની પ્રથમ બે ટેસ્ટમાં જ વિજય હાંસલ કરી લીધો હતો.

છેક 1877માં બંને વચ્ચે પહેલી ટેસ્ટ રમાઈ તેમાં કાંગારુ ટીમનો વિજય થયો અને બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનો વિજય થયો.

1952માં પાકિસ્તાન તેની બીજી જ ટેસ્ટમાં વિજય હાંસલ કરી શક્યું હતું, પરંતુ તેના કેટલાક ખેલાડીઓ અગાઉ ભારત માટે ટેસ્ટ રમી ચૂક્યા હતા.

આ સિવાયના દેશોને પ્રથમ ટેસ્ટ વિજય માટે ઘણી રાહ જોવી પડી હતી, જેમાં ભારત અને સાઉથ આફ્રિકા પણ આવી જાય છે.

આ રીતે જોઈએ તો અફઘાનિસ્તાનની ટીમ પ્રારંભિક તબક્કામાં જ ઘણી મજબૂત કહેવાય. કેમ કે 3 ટેસ્ટ રમ્યું છે અને એમાંથી બે મૅચ જીતી ચૂક્યું છે.

બે દાયકાનો અનુભવ ધરાવનારી અને ટીમને એની જ ધરતી પર 224 રનના મોટા માર્જિનથી હરાવી દેવા આસાન વાત નથી.

આ પાછળ અન્ય કારણો પણ છે. વર્તમાન ક્રિકેટમાં ટેસ્ટ સિવાય વન ડે અને ટી-20નું પ્રમાણ વધ્યું છે અને તેની મદદ અફઘાન ખેલાડીઓને મળી છે.

રાશિદ ખાનને વિશ્વની કોઈ પણ ટીમ પોતાની ઇલેવનમાં સમાવી શકે તેમ છે. મોહમ્મદ નબી સાથે મળીને તેણે વર્લ્ડ કપમાં જે કમાલ કરી હતી તે જોતાં નવાઈ એ લાગે કે આ ટીમ કેમ એકેય મૅચ જીતી નહીં?

હા, કદાચ ટીમવર્કની ખામી હોય પણ તેમાં ધીરેધીરે સુધારો થઈ રહ્યો છે. વર્લ્ડ કપ બાદ તેઓ પહેલી વાર જ રમી રહ્યા છે અને બાંગ્લાદેશને હંફાવી દીધું છે.

અફઘાન ક્રિકેટનું ભવિષ્ય

બાંગ્લાદેશના ખેલાડીઓ ચોક્કસપણે અફઘાનિસ્તાન કરતાં વધુ અનુભવી છે, ટીમ વધારે સંતુલન ધરાવે છે અને પોતાના ઘરઆંગણે રમી રહી છે તેમ છતાં તેઓ પહેલી ઇનિંગમાં રાશિદ અને નબી સામે માર ખાઈ ગયા અને અફઘાનિસ્તાન 137 રનની માતબર સરસાઈ હાંસલ કરવામાં સફળ રહ્યું.

રાશિદ, નબી અને રહેમત ઉપરાંત હવે ટીમમાં ઇબ્રાહીમ ઝાદરાન, ઝાહિર ખાન અને કૈસ અહમદ જેવા યુવાન ખેલાડીઓનું આગમન થયું છે જેઓ અફઘાન ક્રિકેટનું ભવિષ્ય છે.

અસગર અફઘાન પાસેથી કપ્તાની લઈ લેવાયા બાદ તે વધુ સહજતાથી રમી રહ્યા છે તો રાશિદ ખાન પર સુકાનીપદનો જરાય ભાર દેખાતો નથી, કેમ કે તે જરા અલગ પ્રકારના જ ખેલાડી છે, જેને વિકેટ ખેરવવાનું પસંદ છે. પછી તેમના માથે સુકાનીપદની જવાબદારી હોય કે ન હોય, તેમને ખાસ ફરક પડતો નથી.

વર્તમાન ક્રિકેટમાં રાશિદ ખાન સર્વશ્રેષ્ઠ લૅગસ્પિનર છે. સૌથી ખતરનાક સ્પિનર છે.

આઈપીએલ હોય કે ટી-20 ઇન્ટરનેશનલ કે વન ડે હોય. મૅચનું પાસું ફેરવી નાખવાની ક્ષમતા રાશિદ પાસે છે, તેવી કદાચ કુલદીપ યાદવ કે યુજવેન્દ્રસિંહ ચહલ પાસે પણ નથી.

માત્ર સ્પિનર જ શા માટે વિશ્વના અત્યારના તમામ બૉલરની વાત કરીએ તો માત્ર જસપ્રિત બુમરાહ જ અફઘાનિસ્તાનના આ બૉલર કરતાં થોડા ચડિયાતા પુરવાર થાય છે.

બાંગ્લાદેશ સામે રહેમત શાહે સદી ફટકારી. આ સદી ઐતિહાસિક પુરવાર થઈ, કેમ કે તેના દેશના ટેસ્ટ ઇતિહાસમાં સદી ફટકારનારા તેઓ પ્રથમ બૅટ્સમૅન બન્યા છે.

આ તરફ રાશિદ ખાને બૉલિંગમાં કમાલ કરીને પાંચ વિકેટ ખેરવી જેને કારણે બાંગ્લાદેશ સરસાઈથી વંચિત રહ્યું.

બાંગ્લાદેશ સામેની સફળતા નિશ્ચિતપણે અફઘાનિસ્તાન માટે ઐતિહાસિક મનાય, કેમ કે આઈસીસીના પૂર્ણ સદસ્ય દેશ સામે તેનો આ પ્રથમ વિજય હતો.

જોકે, અગાઉ તે માત્ર ભારત અને આયર્લૅન્ડ સામે જ રમ્યું હતું, જેમાં ભારત સામે તો એક સમયે તેણે લડત આપી હતી, પરંતુ તેનો કમ-અનુભવ પરાજય તરફ દોરી ગયો.

પણ આયર્લૅન્ડ સામેનો તેનો વિજય એટલા માટે ખાસ મહત્ત્વ ધરાવતો નહોતો, કેમ કે હરીફ ટીમ પણ એવી અનુભવી નહોતી અને માત્ર બીજી જ ટેસ્ટ રમી રહી હતી.

લડાકુ પ્રકૃતિ

હવે બાંગ્લાદેશ સામેની મૅચની વાત કરીએ તો જે ટીમમાં સાકીબ અલ હસન, મુશ્ફીકૂર રહીમ, મહેમદુલ્લાહ, સૌમ્ય સરકાર, મહેદી હસન, તાઇજુલ ઇસ્લામ અને મોમીનુલ હક્ક જેવા ખેલાડી હોય તેને કેવી રીતે નબળી માની શકાય અને આ ટીમ સામે ચોથા દિવસે તો અફઘાનિસ્તાનનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો. પાંચમા દિવસે માત્ર ઔપચારિકતા બાકી રહી ગઈ હતી.

અફઘાનિસ્તાનનું સૌથી મોટું જમા પાસું તેનો લડાયક અભિગમ છે. મૅચમાં એકાદ બે ઓવર બાકી રહી હોય ત્યાં સુધી પણ આ ટીમ આશા છોડતી નથી.

રાશિદ ખાન અને મોહમ્મદ નબી છેક સુધી લડી લેવા માગે છે. આ ક્ષમતા અત્યારે શ્રીલંકન ટીમમાં છે, પરંતુ આજથી 40 વર્ષ અગાઉ ન હતી જ્યારે તેણે ટેસ્ટક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

આવી જ ક્ષમતા કેળવવા માટે સાઉથ આફ્રિકા કે પાકિસ્તાને પણ રાહ જોવી પડી હતી અને ભારતે પણ છેક બેદી-ચંદ્રા-પ્રસન્નાના યુગ સુધી રાહ જોવી પડી હતી.

ટૂંકમાં પોતાના પ્રારંભિક કાળમાં ભાગ્યે જ કોઈ ટીમ એવી હતી જે સત્તાવાહી પ્રદર્શન કરી શકતી હતી અથવા તો કમસેકમ હરીફ ટીમને સાવચેત રહેવું પડે તેવો દેખાવ કરી શકતી હતી.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા મોખરાના દસ બૉલરમાં કિવી બૉલર ટીમ સાઉથીને બાદ કરતાં તમામ એશિયન બૉલર છે.

નવાઈ લાગશે કે આ નવ એશિયન બૉલરમાં ભારતનો એકેય બૉલર નથી. જ્યારે અફઘાનિસ્તાનના બે બૉલર છે. રાશિદ ખાન 75 અને મોહમ્મદ નબી 69 વિકેટ ધરાવે છે.

ટી-20માં અફઘાનિસ્તાન તેની 69 ટકા મૅચ જીતી ચૂક્યું છે અને ટેસ્ટ રમતા દેશોમાં તે મોખરે છે.

ભારત અને પાકિસ્તાન તેના કરતાં ઘણા પાછળ છે. 50 ટકાથી વધુ મૅચ જીતનારા દેશોમાં ભારત, પાકિસ્તાન અને ઑસ્ટ્રેલિયાને બાદ કરતાં એવી કોઈ ટેસ્ટ ટીમ આ હરોળમાં આવતી નથી, જ્યારે અફઘાનિસ્તાન મોખરે છે.

આ પણ એક સિદ્ધિ છે. વન ડે ક્રિકેટમાં પણ આ ટીમના ખેલાડીઓ તમામને લડત આપી રહ્યા છે.

મોહમ્મદ શહેઝાદ, નબી, રહેમત શાહ, અસગર અફઘાન, શમીઉલ્લાહ શેનવારી કે નજીબુલ્લાહ ઝાદરાનનો સ્ટ્રાઇક-રૅટ કોઈ શિખર ધવન કે બૅન સ્ટૉક્સ કે રોહિત શર્મા કે વિરાટ કોહલીથી કમ નથી પણ લગભગ લગોલગ છે.

ટૂંકમાં અફઘાનિસ્તાનની ભૌગોલિક સ્થિતિને કારણે ત્યાંની પ્રજામાં જે લડાકુ ક્ષમતા છે તેનાં દર્શન તેમના ક્રિકેટરમાં થઈ રહ્યાં છે.

તેઓ વન ડે અને ટી-20માં અપસેટ સર્જી ચૂક્યા છે અને ટેસ્ટક્રિકેટમાં શરૂઆત કરી ચૂક્યા છે.

આગામી દિવસો કે મહિનાઓમાં આ ટીમ વધુ ધમાકેદાર પ્રદર્શન કરશે તેવી ખાતરી મળી રહી છે.

કોઈ પણ નવોદિત ટીમ આટલી પ્રતિભાશાળી જોવા મળી નથી, પરંતુ આ ટીમની ક્ષમતા જોતાં તેઓ ટેસ્ટના માંધાતાઓ માટે ચિંતા પેદા કરી રહ્યા છે.

આમ જ હોય તો ક્રિકેટમાં હરીફાઈનું તત્ત્વ ઉમેરાશે અને ટેસ્ટક્રિકેટને બચાવવાની આઈસીસીની ઝુંબેશને વેગ મળશે.

આ ઉપરાંત આઈસીસીએ અફઘાનિસ્તાનને ટેસ્ટક્રિકેટ ટીમનો દરજ્જો આપ્યો તે પણ લેખે લાગશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો