બ્રેક્સિટ : બ્રિટનની સંસદને સસ્પેન્ડ કરવાની જાહેરાતનો વિરોધ, લંડનમાં હંગામો

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને ક્વીન ઍલિઝાબૅથને સંસદ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી જેને ક્વીને મંજૂરીની આપી દીધી છે. વડા પ્રધાનની આ ભલામણ સામે લોકો વિરોધ કરી રહ્યા છે.

આ જાહેરાતની સામે દેશભરમાં પ્રદર્શનો થયા. લંડનમાં અનેક લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા છે.

આ ભલામણને પગલે બ્રેક્સિટ ડીલ ન થાય તેના વિરોધીઓ અને અન્ય લોકો રસ્તા પર આવ્યા છે.

અનેક લોકોએ વડા પ્રધાન બોરિસ જોન્સનની સરખામણી હિટલર સાથે કરી અને આને લોકશાહીની હત્યા ગણાવી છે.

આ ભલામણની સામે 10 લાખથી વધુ સહીઓ સાથે પિટિશન થઈ છે અને તેને કાયદાકીય રીતે પણ પડકારવામાં આવી છે.

શું કહ્યું બોરિસ જોન્સને?

ગઈ કાલે બોરિસ જૉન્સને કહ્યું કે સપ્ટેમ્બરમાં જ્યારે સાસંદો કામ પર પરત ફરે અને બ્રેક્સિટ ડેડલાઇન આવે, ત્યાર સુધી સંસદને સસ્પેન્ડ કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે સંસદ સસ્પેન્ડ થયા બાદ 14 ઑક્ટોબરના રોજ ક્વીન ભાષણ આપશે.

પરંતુ આ તરફ સંસદ સસ્પેન્ડ થવાથી સાંસદોને 'નો-ડીલ બ્રેક્સિટ'ને પસાર કરાવવાનો સમય મળશે.

ટોરીના સાંસદ ડોમિનિક ગ્રીવે આ નિર્ણયને ગંભીર ગણાવ્યો છે.

તેમણે ચેતવણી આપી છે કે આ નિર્ણયથી બૉરિસ જોન્સને વિશ્વાસમતનો સામનો કરવો પડી શકે છે.

તેમણે એવું પણ ઉમેર્યું કે આ પગલાથી બૉરિસ જોન્સનની સરકાર ભાંગી પડશે.

જોકે, આ તરફ વડા પ્રધાન બૉરિસ જોન્સને ઉમેર્યું છે, "દેશને આગળ લઈ જવાની અમારી યોજનાઓ પર કામ કરવા માટે અમે બ્રેક્સિટ સુધી રાહ જોઈ શકીએ તેમ નથી."

તેમનું માનવું છે કે તેમના પગલાથી યૂકેએ ઈયૂ (યુરોપિયન સંઘ) છોડવા મામલે ચર્ચા કરવા સાંસદો પાસે ઘણો સમય રહેશે.

"અમારે નવા કાયદાની જરૂર છે. અમે નવા બિલ લાવીશું અને એટલે જ આ મામલે ક્વીન ભાષણ આપશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો