Top News : વિરાટ કોહલીએ પોન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો, એક દશકમાં 20,000થી વધુ રન

ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહેલી વન ડે સિરીઝમાં એક સિદ્ધિ નોંધાવી છે અને રિકી પોન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો છે એમ હિન્દુસ્તાન ટાઇમ્સનો અહેવાલ જણાવે છે.

વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક દશકમાં 20,000 રન કરનારા ક્રિકેટ ઇતિહાસના પ્રથમ બૅટ્સમૅન બન્યા છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં વિરાટ કોહલીએ તેમની કારકિર્દીની 43મી સદી ફટકારી હતી.

વિરાટ કોહલી એક દાયકામાં 20,000 રન બનાવનાર પ્રથમ બૅટ્સમૅન બન્યા છે. ત્રણેય ફૉર્મેટના મળીને તેઓએ 20,502 રન કર્યા છે.

આ 20,502 પૈકી 20,018 રન તેમણે એક દશકમાં કર્યા છે.

આ પહેલાં ઑસ્ટ્રેલિયાના પૂર્વ કૅપ્ટન રિકી પોન્ટિંગના નામે એક દશકમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકૉર્ડ હતો. એમણે એક દશકમાં 18,962 રન કર્યા હતા.

કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રની ઇમરજન્સી બેઠક

ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો પાછો લેવાના ભારતના પગલા પર સંયુક્ત રાષ્ટ્ર સંઘની સુરક્ષા પરિષદની શુક્રવારે બેઠક યોજાવાની છે.

ન્યૂઝ એજન્સી એએફપીએ જાણકારી આપી છે. તેમના અનુસાર સુરક્ષા પરિષદના વર્તમાન અધ્યક્ષ પૉલેન્ડે સવારે 10 વાગ્યે આ માટે ચર્ચા માટે બોલાવ્યા છે.

તો બીજી તરફ વિવાદિત ક્ષેત્ર કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર પણ થયો હતો.

પાકિસ્તાનનું કહેવું છે કે નિયંત્રણ રેખા પર ભારત તરફથી થયેલા ગોળીબારમાં ત્રણ પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાં છે.

ઈરાની તેલ ટેન્કરમાંથી ભારતીય સહિત 24 લોકોની મુક્તિ

4 જુલાઇના જિબ્રાલ્ટરના તટ પાસે ઈરાની તેલ ટેન્કર ગ્રેસ-1ને જપ્ત કરવામાં આવ્યું હતું.

જિબ્રાલ્ટરના તટ પર જપ્ત કરાયેલા ઓઇલ ટેન્કર પર સવાર ભારતીય કેપ્ટન સહિત 24 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે.

ગ્રેસ-1 સુપર ટેન્કરને 4 જુલાઈના જપ્ત કરવામાં આવ્યું હતું.

ગ્રેસ-1 ટૅન્કરના ભારતીય કૅપ્ટને કહ્યું કે મારી મુક્તિ માટે હું સૌનો આભારી છું. જે ટીમે મને કાયદાકીય રીતે મદદ કરી છે તેમનો પણ આભાર માનું છું.

તેઓને સીરિયામાં ઓઇલ સપ્લાય કરવાના આરોપસર પકડવામાં આવ્યા હતા.

ચાલકદળના સભ્ય, મુખ્ય અધિકારી અને બે અન્ય સાથીઓની ગત મહિને સ્પેનિશ તટ પરના બ્રિટિશ પ્રવાસી ક્ષેત્ર જિબ્રાસ્ટરમાંથી ધરપકડ કરાઈ હતી.

જ્યારે ભારતીય ક્રૂ મેમ્બરની ધરપકડ થઈ ત્યારે ઓઇલ ટેન્કર જિબ્રાસ્ટરના યુરોપા પાસેથી પસાર થઈ રહ્યું હતું.

કલમ 370 પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

કલમ 370ની જોગવાઈને દૂર કરવાના અને મીડિયાકર્મીઓના કામ પર પ્રતિબંધ લાદવાના કેન્દ્રના નિર્ણયને કાયદાકીય પડકાર આપતી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

આ અરજી વકીલ એમએલ શર્મા અને કાશ્મીર ટાઇમ્સના કાર્યકારી સંપાદક અનુરાધા ભસીને કરી છે. જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એસએ નઝીરની બેન્ચ સુનાવણી કરશે.

વકીલે કલમ 370 મામલે પડકાર ફેંક્યો છે. તો પત્રકારે રાજ્યમાં મોબાઇલ, ઇન્ટરનેટ, લેન્ડલાઇન સહિત તમામ સંચાર સુવિધા આપવાની માગ કરી છે. જેથી મીડિયા પોતાનું કામ કરી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો