રોહિત શર્માના આ રેકૉર્ડ સાથે ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે શ્રેણી જીતી

ભારતની જીત

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે અમેરિકાના ફ્લોરિડામાં રમાયેલી બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝને ડકવર્થ લુઈસના નિયમના આધારે 22 રને હરાવી દીધું છે.

આ સાથે ભારતે ત્રણ મૅચની આ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

ભારતે ટૉસ જીતને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી અને વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 168 રનનું લક્ષ્ય આપ્યું હતું.

ટાર્ગેટનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડીઝે 15.3 ઓવરમાં 4 વિકેટના ભોગે 98 રન બનાવી લીધા હતા. જોકે, આ સમયે વરસાદ પડતાં મૅચ રોકવી પડી હતી.

મૅચ રોકાઈ ત્યારે કિરોન પોલાર્ડ 8 રન અને સિમરોન હેટમાયર 6 રન બનાવીને રમી રહ્યા હતા.

એ સમયે વેસ્ટ ઇન્ડીઝને જીતવા માટે 27 બૉલમાં 70 રનની જરૂરિયાત હતી.

જોકે, ભારતની શાનદાર બૉલિંગ સામે આ લક્ષ્ય સરળ ન હતું. જોકે, થોડીવાર રાહ જોઈને મૅચ બીજી વાર શરૂ થશે નહીં તેવી સંભાવનાને જોતાં ભારતને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યું હતું.

line

રોહિત શર્માનો વધુ એક રેકૉર્ડ

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના કપ્તાન વિરાટ કોહલીએ ટૉસ જીતને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઓપનર બૅટ્સમૅન રોહિત શર્માએ શિખર ધવન સાથે ભારતની પારીની શરૂઆત કરી હતી.

રોહિતે વર્લ્ડ કપ બાદ ફરી સારું પ્રદર્શન કરતાં 51 બૉલમાં છ ફૉર અને ત્રણ સિક્સની મદદથી 67 રનની ઇનિંગ રમી હતી.

ભારતની જીતમાં મહત્ત્વના યોગદાન સાથે રોહિત શર્માએ ટી-20માં સૌથી વધારે સિક્સ મારવાનો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો છે.

આ પહેલાં વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન ક્રિસ ગેઇલના નામે આ રેકૉર્ડ હતો. ગેઇલના નામે 105 સિક્સ હતી.

જોકે, આ મૅચમાં ત્રણ સિક્સ ફટકારીને રોહિત શર્મા હવે 107 સિક્સ સાથે પ્રથમ સ્થાને આવી ગયા છે.

line

ત્રણ વન-ડે અને બે ટેસ્ટ

રોહીત શર્મા અને શિખર ધવન

ઇમેજ સ્રોત, Getty Images

ટી-20 શ્રેણી સિવાય ભારત વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ વન-ડે ક્રિકેટ મૅચ અને બે ટેસ્ટ ક્રિકેટ મૅચ રમશે.

વન-ડે માટેની ટીમ

વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ, રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સાઇની.

line

ટેસ્ટ માટેની ભારતીય ટીમ

વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપકપ્તાન), મયંક અગ્રવાલ, કે. એલ. રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમાન વિહારી, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), સાહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો