બેન સ્ટોક્સને વર્લ્ડ કપ ફાઇનલમાં નહોતા જોઈતા એ ચાર રન પણ અમ્પાયરની મજબૂરી હતી

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડના ક્રિકેટર જેમ્સ એન્ડરસને કહ્યું છે કે બેન સ્ટોક્સે ઓવર થ્રોના રન બાદ અમ્પાયર પાસે જઈને કહ્યું હતું કે તે ચાર રન પરત લઈ લો.
ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મૅચની ચર્ચા બાઉન્ડરીને કારણે થયેલી જીતને લઈને હજી ચાલી રહી છે.
બંને ટીમો વચ્ચે મૅચ ટાઇ પડ્યા બાદ સુપર ઓવરમાં પણ ટાઇ થઈ હતી.
જે બાદ કોણે વધારે બાઉન્ડરી ફટકારી છે તેના આધારે ઇંગ્લૅન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
આ મૅચમાં ઓવર થ્રોને લઈને સામે આવેલો વિવાદ હજી ચાલી રહ્યો છે.
કેટલાક પૂર્વ અમ્પાયરોએ પણ કહ્યું હતું કે ત્યાં છને બદલે પાંચ રન આપવા જોઈતા હતા.
ઘણા લોકોનું માનવું હતું કે એ થ્રોમાં જો પાંચ રન આપ્યા હોત તો ન્યૂઝીલૅન્ડ વિશ્વવિજેતા બની જતું.
હવે આ મામલે ઇંગ્લૅન્ડના ક્રિકેટર જેમ્સ એન્ડરસને બીબીસીના એક કાર્યક્રમમાં નવું નિવેદન કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

એન્ડરસને કાર્યક્રમમાં શું કહ્યું?
બીબીસીના Tailenders podcastમાં ટેસ્ટ ક્રિકેટમાં બેન સ્ટોક્સના સાથી જેમ્સ એન્ડરસને કહ્યું કે સ્ટોક્સે આ રન પરત લઈ લેવા કહ્યું હતું.
તેમણે કહ્યું, "ક્રિકેટના શિષ્ટાચાર પ્રમાણે જો બૉલને સ્ટમ્પ પર થ્રો કરવામાં આવે, તે તમને લાગે અને મેદાનમાં દૂર જાય તો સામાન્ય રીતે બૅટ્સમૅન રન લેતા નથી."
"જો આ બૉલ બાઉન્ડરીને સ્પર્શી જાય તો નિયમ પ્રમાણે તે ચાર રન છે અને તે મામલે આપણે કશું કરી શકીએ નહીં."
એન્ડરસને કહ્યું, "મિશેલ વોગન સાથે વાત થઈ તે મુજબ બેન સ્ટોક્સ અમ્પાયર પાસે ગયા હતા અને તેમણે કહ્યું હતું કે તમે એ ચાર રન પરત લઈ લેશો, અમારે તે નથી જોઈતા."
"પરંતુ નિયમ એ નિયમ છે અને એ રીતે જ થયું."
મિશેલ વોગન ઇંગ્લિશ ક્રિકેટ કૉમેન્ટેટર છે. એન્ડરસનના કહેવા પ્રમાણે વોગને બેન સ્ટોક્સને અમ્પાયર પાસે જઈને આ વાત કરતા જોયા હતા.

ઓવર થ્રોનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડને જીતવા માટે છેલ્લી એટલે કે 50મી ઓવરમાં 15 રનની જરૂર હતી. આ સમયે ન્યૂઝીલૅન્ડે છેલ્લી ઓવરની જવાબદારી ટ્રેન્ટ બૉલ્ટને આપી.
50મી ઓવરના ચોથા બૉલને સ્ટોક્સે ડીપ મિડ વિકેટ પર ફટકાર્યો. જ્યાં ગુપ્ટિલ ફિલ્ડિંગ કરી રહ્યા હતા.
આ તરફ સ્ટોક્સે બે રન લેવાનો પ્રયત્ન કર્યો અને સામેથી ગુપ્ટિલે ડાયરેક્ટ હિટ કરીને સ્ટોક્સને રનઆઉટ કરાવવા માટે થ્રો કર્યો.
બન્યું એવું કે એ થ્રો રન લેવા માટે દોડી રહેલા સ્ટોક્સના બૅટમાં લાગ્યો અને બૉલ બાઉન્ડરી સુધી પહોંચી ગયો.
જે બાદ પોતાના સાથી અમ્પાયરની સલાહ લઈને કુમાર ધર્મસેનાએ બૅટ્સમૅનને છ રન આપી દીધા.
હવે ઇંગ્લૅન્ડે બાકી રહેલા બે બૉલમાં માત્ર 3 રન બનાવવાના હતા, જેમાં તે બે રન બનાવી શક્યું અને મૅચમાં ટાઇ પડી.
આ ચોથા બૉલ પર મળેલા છ રન વિશે જ કહેવામાં આવી રહ્યું છે કે જેમાં અમ્પાયરે પાંચ રન આપવા જોઈતા હતા, નહીં કે છ રન.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












