TOP NEWS : ડોનાલ્ડ ટ્ર્મ્પે ઈરાન સહિત પ્રમુખ અયાતુલ્લાહ ખમેનેઈ પર નવા પ્રતિબંધો લાદ્યા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ઈરાન વચ્ચેના વેપારયુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર નવા પ્રતિબંધો લાદી દીધા છે, જેમાં ઈરાનના પ્રમુખ નેતા અલી ખમેનેઈનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પે કહ્યું હતું કે આ નવા પ્રતિબંધ અમેરિકાનું ડ્રોન તોડી પાડવા તથા અન્ય કારણોસર લાદવામાં આવ્યા છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું કે અયાતુલ્લાહ ખમેનેઈ પર પ્રતિબંધ લાદવો જરૂરી હતો.
તેમણે કહ્યું, "સત્તા દરમિયાન થનારા દરેક કાર્ય માટે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ ખમેનેઈ જવાબદાર છે. તેમની હેઠળ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સની સેના પણ સામેલ છે."
"પ્રતિબંધો બાદ તેમની કાર્યલાય અને તેની સાથે સંબંધ ધરાવતી દરેક વ્યક્તિને આર્થિક મદદથી વંચિત રાખવામાં આવશે."
બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે ટ્વીટ કરીને અમેરિકાના પ્રતિબંધોને ધૃણાસ્પદ નીતિ ગણાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન યુદ્ધ કરવા તત્પર છે.

ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરશો તો પાંચ હજાર રૂપિયાનો દંડ

ઇમેજ સ્રોત, Getty Images
'ધ પ્રિન્ટ'ના અહેવાલ અનુસાર કેન્દ્રીય કૅબિનેટે મોટર વ્હિકલ (ઍમેન્ડમૅન્ટ) બિલને લીલી ઝંડી આપી દીધી છે. હવે આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવશે.
બિલની નવી જોગવાઈ મુજબ જો કોઈ દારૂ પીને વાહન ચલાવશે તો તેમને 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. અગાઉ આ દંડની રકમ બે હજાર રૂપિયા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજું કે જો કોઈ વ્યક્તિ વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરતી ઝડપાશે, તો તેને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે.
બીજું કે લાયસન્સ વિના વાહન ચલાવવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ નવા સુધારામાં સામેલ કરવામાં આવી છે.
આ બિલમાં સુધારાનો હેતુ રોડ સેફ્ટી અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય તે છે.
જો આ બિલને મંજૂરી મળી જાય તો 26 વર્ષ બાદ થયેલો મોટો સુધારો ગણાશે.
ઉલ્લેખનીય છે કે મોટર વ્હિકલ ઍક્ટમાં છેલ્લો સુધારો 2001માં કરવામાં આવ્યો હતો.

એક વર્ષમાં 'વિલ્ફુલ ડિફૉલ્ટર્સ'ની સંખ્યામાં 14 ટકાનો વધારો

ઇમેજ સ્રોત, Getty Images
'ધ પ્રિન્ટ'ના અહેવાલ મુજબ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં કહ્યું કે 'વિલ્ફુલ ડિફૉલ્ટર્સ'ની સંખ્યા 7,535થી વધીને 8,582 થઈ ગઈ છે. સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં 14 ટકાનો વધારો થયો છે.
ભારતીય બૅન્કો માટે આ ચેતી જવાની સ્થિતિ છે, ત્યારે નાણાવિભાગના આંકડા પણ સૂચવે છે કે વર્ષ 2018-19માં 'વિલ્ફુલ ડિફૉલ્ટર્સ'ની સંખ્યામાં 1050નો વધારો થયો છે.
જે લોકો બૅન્કની લૉન ભરવા માટે સક્ષમ હોવા છતાં નથી ચૂકવતા તેમને 'વિલ્ફુલ ડિફૉલ્ટર્સ' કહેવામાં આવે છે.
નાણાવિભાગના જણાવ્યા અનુસાર માર્ચ 2019 સુધીમાં 8,121 ફરિયાદ નોંધાઈ છે. આ સાથે જ 6,251 કેસમાં સંપત્તિ ગીરો છે.
2,915 કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ છેલ્લાં પાંચ વર્ષમાં સરકાર દ્વારા 'વિલ્ફુલ ડિફૉલ્ટર્સ' પાસેથી 7,654 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ સામે અફઘાનિસ્તાન પરાસ્ત

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે મૅચ રમાયેલી વર્લ્ડ કપની મૅચમાં અફઘાનિસ્તાન 62 રનથી હારી ગયું.
આ જીત સાથે બાંગ્લાદેશની ટીમ હવે પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે.
બાંગ્લાદેશી ઑલરાઉન્ડર શાકીબ અલ હસને પહેલા દાવની બેટિંગમાં 51 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજા દાવમાં બૉલિંગમાં પણ માત્ર 29 રન આપીને 5 વિકેટ ઝડપી.
વર્લ્ડ કપ મૅચમાં અર્ધસદી ફટકરાવા તથા પાંચ વિકેટ લેવાનો આ પહેલાંનો રેકર્ડ ભારતના યુવરાજસિંહના નામે હતો.
યુવરાજ સિંહે 2011માં આયર્લૅન્ડ સામે અણનમ 50 રન કર્યા હતા તેમજ 5 વિકેટ લીધી હતી.
263 રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 47 ઓવરમાં 200 રનમાં સમેટાઈ ગઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












