IND Vs AFG : ભારતની જીત સાથે વિરાટ કોહલી અને ધોનીના નામે બન્યા આ રેકર્ડ

મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં હેટ્રિક લેતાં વર્લ્ડ કપમાં અત્યંત રોમાંચક બનેલી લીગ મૅચમાં ભારતે શનિવારે અફઘાનિસ્તાનને 11 રનથી હરાવીને પોતાની વિજયકૂચ જારી રાખી હતી.

ભારત માટે અપેક્ષા કરતાં વિપરીત પરિણામ આવ્યું હતું કેમ કે કોહલીની ટીમે સંઘર્ષ કરવો પડ્યો હતો.

ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 224 રન કર્યા હતા. ભારતના બૅટ્સમૅનોને અફઘાનિસ્તાનના સ્પિનરો સામે સંઘર્ષ કરવો પડ્યો હતો.

જોકે, રસાકસી ભરી આ મૅચ ભારતે જીતી લીધી સાથે કેટલાક અનોખા રેકર્ડ પણ બન્યા.

વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો શમી બીજો ભારતીય

ભારતના મોહમ્મદ શમીએ શનિવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી વર્લ્ડ કપની ક્રિકેટ મૅચમાં હેટ્રિક લઈને તરખાટ મચાવ્યો હતો અને ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો.

તેણે ઇનિંગ્સની છેલ્લી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બૉલે વિકેટ લીધી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં હેટ્રિક લેનારો શમી બીજો ભારતીય બૉલર બન્યો હતો.

અગાઉ 1987ના વર્લ્ડ કપમાં 31મી ઑક્ટોબરે ચેતન શર્માએ નાગપુર ખાતે ન્યૂઝીલૅન્ડ સામે સળંગ ત્રણ બૉલમાં ત્રણ બૅટ્સમૅનને બૉલ્ડ કર્યા હતા.

વન-ડે ક્રિકેટમાં ભારત માટે હેટ્રિક લેનારો શમી ચોથો બૉલર છે. આ સિવાય કપિલદેવ અને કુલદીપ યાદવે પણ વન-ડેમાં હેટ્રિક લીધી હતી.

ભારત સામે પહેલી વાર સ્પિનરને વિકેટ

અફઘાનિસ્તાન સામેની મૅચમાં રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ ગયો હતો.

રોહિત શર્મા 2019ના વર્લ્ડ કપમાં પહેલી વાર નિષ્ફળ રહ્યો હતો. તેની પાસેથી મોટા સ્કોરની અપેક્ષા રખાતી હતી પરંતુ પાંચમી ઓવરમાં જ સ્પિનર મુજીબ ઉર રહેમાને તેને બૉલ્ડ કર્યો હતો.

રસપ્રદ બાબત તો એ રહી કે આ વર્લ્ડ કપમાં ભારત ચોથી મૅચ રમી રહ્યું છે અને પહેલી વાર કોઈ સ્પિનરને ભારતીય બૅટ્સમૅનની વિકેટ ખેરવવામાં સફળતા મળી હતી.

અગાઉ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે રમી હતી પરંતુ ત્રણેય ટીમના એકેય સ્પિનરને ભારતીય બૅટ્સમૅનને આઉટ કરવામાં સફળતા મળી ન હતી.

આ વર્લ્ડ કપમાં અલગ-અલગ ટીમના આઠ સ્પિનરે ભારત સામે બૉલિંગ કરી હતી જેમાં ઇમરાન તાહિર, એડમ ઝમ્પા, ઇમાદ વસિમ, શાદાબ ખાન, તબરેઝ શામ્સી અને શોએબ મલિક તો નીવડેલા સ્પિનર હતા.

આ ઉપરાંત મોહમ્મદ હફીઝ અને ગ્લેન મેક્સવેલ જેવા કામચલાઉ સ્પિનર પણ ભારત સામે બૉલિંગ કરી ચૂક્યા હતા.

તેમાંય શાદાબ ખાને તો ભારત સામે નવ ઓવરમાં 61 રન આપ્યા હતા તો ઇમરાન તાહિરે સાઉથ આફ્રિકા વતી રમીને ભારત સામે દસ ઓવરમાં 58 રન આપ્યા હતા પરંતુ આ તમામ બૉલર વિકેટવિહોણા રહ્યા હતા.

જ્યારે મુજીબે શનિવારે અફઘાનિસ્તાન માટે બૉલિંગનો પ્રારંભ કર્યો હતો અને પોતાની ત્રીજી ઓવરમાં જ રોહિત શર્માની બહુમૂલ્ય વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ કપમાં ભારતનો 50મો વિજય

અફઘાનિસ્તાન સામેનો વિજય વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો 50મો વિજય હતો.

વર્લ્ડ કપમાં વિજયની અડધી સદી પૂરી કરવા માટે ભારતને શનિવારે અફઘાનિસ્તાન સામેની મૅચ જીતવી જરૂરી હતી.

ભારતે આ મૅચ જીતી તે સાથે તે વર્લ્ડ કપમાં 50 કે તેથી વધુ મૅચ જીતનારો ત્રીજો દેશ બન્યો હતો. નવાઈની વાત છે કે ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન કે વેસ્ટ ઇન્ડીઝ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી પરંતુ ઑસ્ટ્રેલિયા બાદ બીજા ક્રમે ન્યૂઝીલૅન્ડની ટીમ આવે છે.

વર્લ્ડ કપમાં ભારતે સૌથી વધુ વિજય ઝિમ્બાબ્વે સામે નોંધાવ્યા છે. તેણે ઝિમ્બાબ્વેને આઠ વખત હરાવ્યું છે તો પાકિસ્તાનને સાતમાંથી સાત વખત હરાવ્યું છે. વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે પાંચ મૅચ જીતી છે.

ધોની માત્ર બીજી વાર સ્ટમ્પ થયો

વન-ડેમાં સંખ્યાબંધ બૅટ્સમૅનને સ્ટમ્પ આઉટ કરનારો મહેન્દ્રસિંહ ધોની તેની વન-ડે કારકિર્દીમાં માત્ર બે વાર સ્ટમ્પ થયો છે.

યોગાનુયોગે બંને વાર તે વર્લ્ડ કપમાં જ સ્ટમ્પ થયો છે. અગાઉ 2011ના વર્લ્ડ કપમાં તે વેસ્ટ ઇન્ડિઝ સામે સ્ટમ્પ થયો હતો જ્યારે શનિવારે તે અફઘાનિસ્તાન સામે આ રીતે આઉટ થયો હતો.

બીજો યોગાનુયોગ એ રહ્યો કે ધોની જે બે મૅચમાં સ્ટમ્પ થયો છે તે બંનેમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી.

ધોની બાવન બૉલ રમ્યા બાદ માત્ર 28 રન કરી શક્યો હતો તો જાધવે અડધી સદી નોંધાવી હતી પરંતુ તેનો સ્ટ્રાઇક રેટ માંડ 76.47નો રહ્યો હતો.

જ્યારે ધોની તો 58.35ના રેટથી રમ્યો હતો. વિરાટ કોહલીને બાદ કરતાં ભારતનો કોઈ બૅટ્સમૅન તેની પ્રતિષ્ઠા મુજબ રમી શક્યો ન હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો