યુદ્ધવિમાનો ઈરાન પર હુમલો કરવા તૈયાર હતા, પરંતુ ટ્રમ્પે છેલ્લી ઘડીએ રોકાઈ જાવનો આદેશ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, AFP

અમેરિકન મીડિયાના અહેવાલ મુજબ ઈરાને અમેરિકાનું ડ્રૉન વિમાન તોડી પાડ્યા બાદ સેના હુમલો કરવાની તૈયારીમાં હતી, પરંતુ ટ્રમ્પે અગાઉ આપેલો આદેશ પાછો ખેંચી લીધો અને હુમલાની પરવાનગી ન આપી.

ઉલ્લેખનીય છે કે ઈરાની સુરક્ષાદળોએ અમેરિકાનું ગુપ્તચર ડ્રૉન તોડી પાડ્યું છે અને તેને પગલે તણાવમાં વધારો થયો છે.

ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશન ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)નું કહેવું છે કે ડ્રૉને ઈરાની હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું.

જોકે, અમેરિકન સૈન્યનું કહેવું છે કે હુમલો કરાયો ત્યારે ડ્રૉન આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર હતું.

અમેરિકન સૈન્યને આને 'કોઈ કારણ વગરનો હુમલો' ગણાવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું, 'ઈરાને બહુ મોટી ભૂલ કરી છે.'

આઈઆરજીસીના કમાન્ડર મેજર-જનરલ હુસૈન સલામીએ કહ્યું કે અમેરિકા માટે આ સ્પષ્ટ સંદેશ છે કે ઈરાનની સરહદનો જ્યાં પ્રારંભ થાય છે ત્યાં અમેરિકા માટે જોખમ શરૂ થાય છે.

line

યુદ્ધવિમાનોને રોકાઈ જવાનું કહેવાયું - અમેરિકન મીડિયા

ગુરુવારે તોડી પડાયેલું અમેરિકાનું ડ્રૉન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુરુવારે તોડી પડાયેલું અમેરિકાનું ડ્રૉન

ડ્રૉન તોડી પાડવાની ઘટના પછી એક તરફ અમેરિકાના પ્રમુખે ટ્ટિટર ઈરાનને ગંભીર ભૂલ બદલ ચેતવણી આપી તો બીજી તરફ ન્યૂયોર્ક ટાઇમ્સ વ્હાઇટ હાઉસના સત્તાધિકારીના હવાલાથી જણાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે હુમલાની પરવાનગી આપી હતી પણ તે પાછી ખેંચી લીધી.

એમનું કહેવું છે કે આના માટેનું આયોજન થઈ ગયું હતું, પરંતુ પ્રેસિડેન્ટે એને અટકાવી દીધું છે. જોકે, વ્હાઇટ હાઉસે હજી આની પૃષ્ટિ કરી નથી.

બે દેશો વચ્ચે તણાવની સ્થિતિમાં ન્યૂયોર્ક ટાઇમ્સનો હુમલાની તૈયારીનો આ અહેવાલ મહત્ત્વપૂર્ણ બની જાય છે.

સમાચારપત્ર અનામી ગુપ્ત સૂત્રોના હવાલાથી જણાવે છે કે યુદ્ધવિમાનો હવામાં હતાં અને જહાજોએ પોઝિશન લઈ લીધી હતી, પરંતુ કોઈ મિસાઇલ છોડવામાં ન આવી જ્યારે એમને સ્ટેન્ડ ડાઉનનો આદેશ મળ્યો.

અખબારનું કહેવું છે કે ઑપરેશન એના પ્રાથમિક તબક્કામાં અંદરખાને ચાલી રહ્યું હતું.

line

આંતરરાષ્ટ્રીય ચર્ચા

પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

આ સ્ટ્રાઇકની તૈયારી આગળ ચાલશે કે કેમ તેનો અખબારે કોઈ ઉલ્લેખ નથી કર્યો.

અલબત્ત, અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવની ચર્ચા વિશ્વમાં શરૂ થઈ છે. ખાસ કરીને અમરિકાનું ડ્રૉન તોડી પાડવાની ઘટના બાદ ચર્ચા વધી છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપતા કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ભયાનક અને અણધારી પરિસ્થિતિનું નિર્માણ કરશે.

સંયુક્ત રાષ્ટ્રના જનરલ ઍન્ટાનિયો ગુટ્રેસે પણ તમામ પક્ષોને સંવાદ કરવાની અને અંકુશ જાળવી રાખવી સલાહ આપેલી છે.

અમેરિકાના ડ્રેમોક્રેટિક હાઉસ સ્પીકર નેન્સી પેલોસી કહી ચૂક્યાં છે કે અમેરિકા ઈરાન સાથે યુદ્ધ નથી ઇચ્છતું.

રાષ્ટ્રપતિપદ માટે ડેમૉક્રેટના ઉમેદવાર તરીકે જેમનું નામ ચર્ચામાં છે એવા જો બિદેન ટ્રમ્પની ઈરાનની નીતિઓને સ્વઘોષિત તારાજી ગણાવે છે.

line

અમેરિકાના યુદ્ધવિમાનવાહક જહાજની હાજરી

અમેરિકન યુદ્ધવિમાનની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકન યુદ્ધવિમાનની પ્રતીકાત્મક તસવીર

ઈરાને અમેરિકાનું ડ્રૉન વિમાન તોડી પાડ્યું એ અગાઉ ગત મહિને ઈરાનને એક 'સ્પષ્ટ અને સીધો' જવાબ આપવા માટે મધ્ય પૂર્વમાં પોતાનું એક યુદ્ધવિમાનવાહક જહાજને તહેનાત કર્યું છે.

એનું વિશ્લેષણ કરતા બીબીસી સંવાદદાતા જોનાથન માર્કસે કહ્યું કે હતું કે આ ક્ષેત્રમાં જમીન અને હવામાં હુમલો કરી શકાય તેવાં હથિયારોને ફરીથી મોકલવા થોડી અસામાન્ય વાત છે.

હાલના દિવસોમાં અમેરિકા ઈરાન પર દબાણ બનાવી રહ્યું છે. તે ઈરાન એલીટ રૅવલ્યૂશનરી ગાર્ડને 'વિદેશી આતંકવાદી સંગઠન' કહેવાનું હોય કે પછી આ રીતે પ્રતિબંધ લાદવાનો હોય.

મે મહિનામાં અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ પોતાના યુરોપના પ્રવાસ સમયે પત્રકારોને કહ્યું હતું કે, "અમે ઈરાન તરફ ઉશ્કેરણીજનક પગલાં જોયાં છે અને અમારી પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે તો તેનાં માટે તેમને જવાબદાર ગણીશું."

પોમ્પિયોએ એ સ્પષ્ટ નહોતું કર્યું કે તેઓ ઈરાનના ક્યા પ્રકારનાં ઉશકેરણીજનક પગલાંની વાત કરે છે.

એ સમયે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ પૉમ્પિએ ઈરાકની બિનઆયોજિત મુલાકાત લીધી હતી.

અમેરિકાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે મધ્ય પૂર્વમાં રહેલાં અમેરિકાનાં સૈન્યનાં ઠેકાણાં પર હુમલો થવાની આશંકાઓને ધ્યાનમાં લઈને અમેરિકાએ આ નિર્ણય લીધો છે.

જોન બોલ્ટને કહ્યું, "કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ અમેરિકા તાકાતથી આપશે."

બોલ્ટને પોતાના એક નિવેદનમાં કહ્યું, "અમેરિકા યૂએસએસ અબ્રાહમ લિંકન કરિયર સ્ટ્રાઇક ગ્રૂપ અને એક બૉમ્બર ટાસ્ક ફોર્સને અમેરિકાના 'સેન્ટ્રલ કમાન્ડ' ક્ષેત્રમાં મોકલી રહ્યું છે."

"અમે આ ઈરાની વહીવટી તંત્રને એક સીધો અને સ્પષ્ટ જવાબ આપવા માટે કરી રહ્યા છીએ."

"સંદેશ એ છે કે જો અમેરિકા અથવા તેના સહયોગી પર કોઈ પ્રકારનો હુમલો થશે તો તેનો જબરદસ્ત જવાબ આપીશું."

બોલ્ટને એવું કહ્યું હતું કે અમેરિકા ઈરાનની સાથે યુદ્ધ નથી ઇચ્છતું. જોકે, આવી જ વાત ઈરાન તરફથી પણ અનેકવાર કહેવામાં આવી છે.

આ અગાઉ અમેરિકા ઇરાનના એલીટ રૅવલ્યૂશનરી ગાર્ડને 'વિદેશી આતંકવાદી સંગઠન' કહી ચૂક્યું છે.

line

ઈરાન અને અમેરિકા વચ્ચે ખટરાગનું કારણ શું?

ઈરાનના પ્રમુખ હસન રુહાની

ઇમેજ સ્રોત, Getty Images

એક તરફ જ્યાં અમેરિકા પોતાના સહયોગી દેશોને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા માટે મજબૂર કરીને તેની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરવા માગે છે.

સામે ઈરાનનું કહેવું છે કે તે કોઈ પણ હાલતમાં અમેરિકા સામે ઝૂકવાનું નથી.

અમેરિકા ગત વર્ષે ઈરાન સહિત છ દેશોની વચ્ચે થયેલી પરમાણુ સંધિમાંથી બહાર થઈ ગયું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ સમજૂતી રદ કરવા પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે તે 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય દરમિયાન થયેલી સંધિથી ખુશ ન હતા.

અમેરિકાએ યમન અને સીરિયા યુદ્ધમાં ઈરાનની ભૂમિકાની આલોચના પણ કરી હતી.

ટ્રમ્પ વહીવટી તંત્રને આશા હતી કે તે ઈરાન સરકારને આ નવી સંધિ કરવા માટે મજબૂર કરી દેશે અને આની અંદર ઈરાનને માત્ર પરમાણુ કાર્યક્રમ નહીં, પરંતુ બૅલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પણ હશે.

અમેરિકાનું એ પણ કહેવું છે કે આનાથી મધ્ય પૂર્વમાં ઈરાનનું 'અશિષ્ટ વર્તન' પણ નિયંત્રિત થશે.

જોકે, ઈરાન અમેરિકાના પ્રતિબંધોને ગેરકાનૂની ગણાવે છે.

ઈરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે કહ્યું હતુ કે, તેમની પાસે અમેરિકી પ્રતિબંધોનો જવાબ આપવા માટે અનેક વિકલ્પ છે.

તેમણે કહ્યું કે જો ઈરાનને તેનું તેલ વેચવાથી રોકવામાં આવ્યું તો તેનાં ગંભીર પરિણામ આવશે.

ઈરાનના ઉચ્ચ જનરલે પણ કહ્યું હતું કે જો ઈરાનને વધારે અવરોધોનો સામનો કરવો પડશે તો તે સામૂહિક રીતે મહત્ત્વપૂર્ણ હોરમુજ જળસંધિ માર્ગને બંધ કરી શકે છે.

તેમણે કહ્યું, 'જો અમારાં તેલનાં વહાણો જળસંધિમાંથી નહીં જાય તો બાકીના દેશનાં તેલનાં વહાણો પણ જળસંધિ પાર કરી શકશે નહીં.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો