ક્રિકેટ વર્લ્ડ કપ : પાકિસ્તાનને ભારે પડ્યા વેસ્ટ ઇન્ડીઝના બૉલર, સાત વિકેટે પરાજય

ઇમેજ સ્રોત, Getty Images
ઝડપી બૉલર ઓશાને થોમસ અને સીમર આન્દ્રે રસેલે બૉલિંગમાં તરખાટ મચાવતા વેસ્ટ ઇન્ડીઝે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પોતાની પ્રથમ મૅચમાં જ પાકિસ્તાનને કચડી નાખ્યું.
આમ, વેસ્ટ ઇન્ડીઝે સંકેત આપી દીધા છે કે આગામી મૅચોમાં તેમને હળવાશથી લેવાની ભૂલ કરનારી ટીમ નુકસાનમાં રહેશે. પાકિસ્તાનનો ધબડકો થતા નિયત લંચ સમય સુધીમાં તો મૅચ સમાપ્ત થઈ ગઈ હતી, જેમાં વેસ્ટ ઇન્ડીઝનો સાત વિકેટે શાનદાર વિજય થયો હતો.
પાકિસ્તાનની બેટિંગનો ધબડકો થયો અને તેનો કોઈ બૅટ્સમૅન કેરેબિયન બૉલિંગ આક્રમણ સામે ટકી ન શક્યો.
મૅન ઑફ ધ મૅચ ઓશાને થોમસે ચાર વિકેટ ઝડપી હતી. તેના ઘાતક બાઉન્સર સામે પાકિસ્તાન કોઈ પ્રતિકાર કરી શક્યું નહોતું.
નોટિંગહામના ટ્રેન્ટબ્રિજ ખાતે રમાયેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝના સુકાની જેસન હોલ્ડરે ટોસ જીતીને હરીફ ટીમને બેટિંગ આપવાનો યોગ્ય નિર્ણય લીધો હતો.
પાકિસ્તાનનો પ્રારંભથી જ રકાસ થયો હતો અને તેઓ ફરીથી બેઠા થઈ શક્યા નહોતા. હકીકતમાં પાકિસ્તાન જરાય લડત આપ્યા વિના શરણે થઈ જશે તેવી કોઈએ અપેક્ષા રાખી ન હતી.
21.4 ઓવર સુધીમાં તો તેના તમામ બૅટ્સમૅન આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાને 105 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝે 13.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આમ, સમગ્ર મૅચ 35.2 ઓવર ચાલી હતી.
શેલ્ડન કોટ્રેલે કેરેબિયન ટીમને શરૂઆતમાં જ સફળતા અપાવી હતી. તેણે ઓપનર ઇમામ-ઉલ-હકને આઉટ કર્યો. બાદમાં આન્દ્રે રસેલે આવીને ઉપરાઉપરી બે વિકેટ ખેરવી હતી. રસેલે માત્ર ચાર રન આપીને ફખર ઝમાન અને હેરિસ સોહૈલને પેવેલિયન ભેગા કરી દીધા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તબક્કે ઓશાને થોમસે બાજી સંભાળી લીધી હતી. તેના ઘાતક બાઉન્સર અને ઉછળતા બૉલ સામે રમવું પાકિસ્તાની બેટ્સમૅન માટે કપરું બની ગયું હતું. લગભગ તમામ બેટ્સમૅન કેરેબિયન બૉલર સામે થાપ ખાઈ ગયા હતા અને પોતાની વિકેટ ફેંકી દીધી હતી.
ફખર ઝમાન અને બાબર આઝમે 22-22 રન કર્યા હતા. એ સિવાયના મોટા ભાગના બેટ્સમૅન ડબલ ફિગર સુધી પહોંચવા માટે મથતા રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાની બૅટ્સમૅન ટકી ન શક્યા

ઇમેજ સ્રોત, Reuters
થોમસે એક બાઉન્સર નાખી બાબર આઝમનો વિકેટ પાછળ કૅચ પકડાવી દીધો હતો, તો ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ હફીઝ બાઉન્ડ્રી પર ઝડપાયો હતો. તેણે 16 રન કર્યા હતા.
પાકિસ્તાની ઇનિંગ્સના અંતિમ તબક્કામાં વહાબ રિયાઝે ઉપરાઉપરી બાઉન્ડ્રી ફટકારીને ટીમનો સ્કોર 100 સુધી પહોંચાડ્યો હતો.
એક તબક્કે તો એમ લાગતું હતું કે પાકિસ્તાન વર્લ્ડ કપના તેના સૌથી કંગાળ સ્કોર 74 કરતાં પણ ઓછા સ્કોરે ઑલઆઉટ થઈ જશે.
વહાબ રિયાઝે એક બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 11 બૉલમાં 18 રન ફટકાર્યા હતા. તેમણે છેલ્લી વિકેટ માટે 22 રન ઉમેર્યા હતા.
જોકે, 106 રનનો ટાર્ગેટ વેસ્ટ ઇન્ડીઝ માટે અત્યંત આસાન હતો. તેમાંય તેમની પાસે ક્રિસ ગેલ જેવા બેટ્સમૅન હતા જેમણે પ્રારંભમાં જ દસની સરેરાશથી બેટિંગ કરી હતી.

ક્રિસ ગેલે ટીમનું કામ સરળ કરી નાખ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ગેલે માત્ર 34 બૉલમાં ત્રણ સિક્સર અને ચાર બાઉન્ડ્રી સાથે 50 રન ફટકારીને ટીમનું કામ આસાન કરી નાખ્યું હતું.
પાંચમી ઓવરમાં 36 રનના કુલ સ્કોરે શાઇ હોપ આઉટ થયો ત્યારે કુલ સ્કોરમાં તેનું યોગદાન માત્ર 11 રનનું હતું.
ડેરેન બ્રાવો ખાતું ખોલાવી શક્યા ન હોવા છતાં વેસ્ટ ઇન્ડીઝ પર કોઈ દબાણ આવ્યું ન હતું. કેમ કે, નિકોલસ પૂરને 19 બૉલમાં 34 રન ફટકાર્યા હતા.
પાકિસ્તાન માટે સારી બાબત એ રહી હતી કે ઘણા સમય બાદ પુનરાગમન કરનારા ઝડપી બૉલર મોહમ્મદ આમિરે વેસ્ટ ઇન્ડીઝની ત્રણેય વિકેટ ખેરવી હતી.
વર્લ્ડ કપમાં પાકિસ્તાન હવે તેની આગામી મૅચમાં ત્રીજી જૂને ઇંગ્લૅન્ડ સામે રમશે, જ્યારે છઠ્ઠી જૂને વેસ્ટ ઇન્ડીઝનો મુકાબલો ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.












