નરેન્દ્ર મોદીની શપથવિધિમાં BIMSTECના દેશોને આમંત્રણ, શું છે આ સંગઠન?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં BIMSTECના રાષ્ટ્રાધ્યક્ષો સહિત આઠ દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

એવું માનવામાં આવે છે કે ભારતની 'પાડોશી દેશ પહેલાં'ની નીતિ અંતર્ગત આ આમંત્રણ આપવામાં આવ્યું છે.

અત્યાર સુધી એ મામલે કોઈ માહિતી મળી નથી કે આ શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાને આમંત્રણ આપવામાં આવશે કે નહીં.

ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, BIMSTECના સભ્યોના નેતાઓ 30મેના રોજ યોજાનારા સમારોહમાં હાજરી આપશે.

2014માં પ્રથમ વખત ચૂંટાયા બાદ મોદીની શપથવિધિમાં SAARC (સાઉથ એશિયન ઍસોસિયેશન ફૉર રિજનલ કૉર્પોરેશન)ના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં એ સમયના પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ હાજર રહ્યા હતા. જોકે, પુલવામાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં ખટાશ આવી છે.

BIMSTEC શું છે અને તેમાં કયા દેશો સામેલ છે?

BIMSTECનું પૂરું નામ બે ઑફ બેંગાલ ફોર મલ્ટિ-સૅક્ટરલ ટેકનિકલ ઍન્ડ ઇકૉનૉમિક કૉર્પોરેશન છે. જેમાં કુલ સાત દેશનો સમાવેશ થાય છે.

આ દેશો બંગાળીની ખાડી દરિયાકાંઠાની પાસે આવેલા દેશો તથા આ વિસ્તારને લાગુ પડતા દેશોનો આ સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, નેપાળ અને શ્રીલંકા દક્ષિણ એશિયાના છે.

ઉપરાંત બે દેશો દક્ષિણ ઇસ્ટ એશિયાના છે, જેમાં મ્યાનમાર અને થાઇલૅન્ડનો સમાવેશ થાય છે.

આ ઉપક્ષેત્રીય સંગઠનની શરૂઆત 1997માં કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સંગઠનના ચાર સભ્યો હતા.

એ સમયે તે 'BIST-EC' એટલે કે બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા ઍન્ડ થાઇલૅન્ડ કૉર્પોરેશન તરીકે ઓળખવામાં આવતું હતું.

જોકે, 22 ડિસેમ્બર, 1997માં બેંગકોકમાં મળેલી બેઠકમાં તેમાં મ્યાનમારનો સમાવેશ કરવામાં આવ્યો અને તેનું નામ બદલીને 'BIMST-EC' કરવામાં આવ્યું. નામમાં મ્યાનમારનો 'M' ઉમેરવામાં આવ્યો.

જે બાદ 2004માં થાઇલૅન્ડમાં મળેલા સંમેલનમાં નેપાળ અને ભૂતાનનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે બાદ આ સંગઠનનું નામ બદલીને BIMSTEC કરવામાં આવ્યું છે.

આ સંગઠનનું મહત્ત્વ શું છે?

આ સંગઠન સભ્ય દક્ષિણ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચે એક પ્રકારના પુલનું કામ કરી રહ્યું છે.

સંગઠનનું એક કાર્ય સભ્ય રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનું છે. આ સંગઠન સાર્ક અને એશિયન દેશો વચ્ચે પણ સંબંધો કાયમ રાખવા માટેનું એક પ્લેટફૉર્મ બની ગયું છે.

BIMSTECને એક સાથે જોવામાં આવે તો તેમાં 150 કરોડ લોકો રહે છે, જે વિશ્વની કુલ વસતિના 22 ટકા થાય છે. આ સભ્ય રાષ્ટ્રોનો સંયુક્ત જીડીપી 2.7 ટ્રિલિયન ડૉલર છે.

છેલ્લાં પાંચ વર્ષોમાં વિશ્વમાં મંદી જોવા મળી છતાં આ સભ્યો રાષ્ટ્રોનો સરેરાશ આર્થિક વિકાસ 6.5 ટકાનો રહ્યો છે.

આ સંગઠનનો હેતુ સભ્ય રાષ્ટ્રોના હિતમાં સંયુક્ત મુદ્દાઓ અને સૅક્ટરો પર કામ કરવાનો છે.

સંગઠન વેપાર, રોકાણ, વાહનવ્યવહાર, ટૅક્નૉલૉજી, ઍનર્જી સૅક્ટર, સંચાર, પ્રવાસન વગેરે જેવાં ક્ષેત્રોમાં કામ કરે છે.

આ સિવાય ખેતી, પર્યાવરણ, જાહેર સ્વાસ્થ્ય, ગરીબીમાં ઘટાડો વગેરે ક્ષેત્રોમાં પણ સભ્ય રાષ્ટ્રો વચ્ચે સહયોગ મેળવીને આ સંગઠન કાર્ય કરે છે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો