એ સેના જે યુદ્ધમેદાન બહારથી જ યુદ્ધ જીતી લેવા AI ટૅકનૉલૉજી વિકસાવી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આદિલ બ્રાર
- પદ, બીબીસી મૉનિટરીંગ
ચીને પોતાની સેનાની ટૅકનૉલૉજીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) સાથેની ઍપ્લિકેશન્સથી સજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એશિયાના અગ્રણી દેશ બનવા જઈ રહેલા ચીનને રાષ્ટ્રીય સુરક્ષા માટે આ બાબત અગત્યની લાગે છે.
"શસ્ત્રોની AI સાથે સજ્જ ઍપ્લિકેશન્સથી ભવિષ્યનાં યુદ્ધોમાં શસ્ત્રોને દૂરથી નિયંત્રિત કરી શકાય, હુમલામાં ચોકસાઈ જાળવી શકાય અને યુદ્ધક્ષેત્રને મર્યાદિત કરી શકવું શક્ય છે.", એવું ચીનની એકૅડમી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ કૉમ્યુનિકેશન્સ ઑન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એક શ્વેતપત્રમાં જણાવાયું છે. આ વાત પરથી ચીન ટૅકનૉલૉજીને કેટલું મહત્ત્વ આપે છે તે પણ સ્પષ્ટ થાય છે.
2017માં ચીનની સ્ટેટ કાઉન્સિલે પણ એક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં નાગરિક અને લશ્કરી ટૅકનૉલૉજીનું સંમિશ્રણ કરીને બંને હેતુ માટે ઍપ્લિકેશન્સ તૈયાર કરવાના લક્ષ્યને રજૂ કરવામાં આવ્યું હતું. તેના માટે અત્યાધુનિક AI ઍપ્લિકેશન્સ તૈયાર કરવાની વાત કેન્દ્રસ્થાને હતી.
નાગરિક અને લશ્કરી બંને હેતુ માટે સમાન રીતે ટૅકનૉલૉજી વિકસિત કરવાના લક્ષ્યને કારણે ચીનની અગ્રણી ખાનગી ટૅકનૉલૉજી કંપનીઓ પણ લશ્કરી ઔદ્યોગિક ઉત્પાદનના પરિઘમાં આવી જાય છે. સમાન પ્રયાસોમાં વધુ ધ્યાન AI સાથે જોડાયેલી ટૅકનૉલૉજી પર આપવાનું છે.
2018માં પરિવર્તનની દિશામાં બે કંપનીઓ અગ્રણી રહી હતી. ચીનની બૈડુ (2,368) અને ટેન્સેન્ટ (1,168) કંપનીઓએ સૌથી વધુ અમેરિકન પેટંટ નોંધાવ્યા હતા.
ચીનની અંદર જ AI સાથે સંકળાયેલાં સંશોધન અને વિકાસ કરીને આ પેટંટ મેળવાયા હતા. ચીન આનાથી પણ એક ડગલું આગળ વધ્યું છે.
મોટી કંપનીઓની સાથે સ્ટાર્ટઅપ કંપનીઓમાં વધુ રોકાણ કરીને તેમને સરકારી સહાયથી ચાલતા સંશોધન-માળખામાં જોડવાનો વ્યૂહ અપનાવાયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની સેના અને ખાનગી કંપનીઓ વચ્ચે કઈ રીતે AIના ક્ષેત્રમાં સહકારથી સંશોધનો થઈ રહ્યાં છે તેનો અંદાજ અખબારી અહેવાલો પરથી પણ આવી જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાખલા તરીકે એક અહેવાલમાં સ્પષ્ટ થાય છે તે રીતે ચીનના ઍસોસિયેશન ફૉર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વડા લી ડેઈ, હકીકતમાં પીપલ્સ લિબરેશન આર્મીના મેજર-જનરલ છે.
ચીનના નેશનલ ઇન્ટેલિજન્સ લૉ હેઠળ એ જરૂરી બનાવાયું છે કે કંપનીઓ રાષ્ટ્રીય સુરક્ષાના મામલે "રાષ્ટ્રીય ગુપ્તચર તંત્રના કાર્યમાં મદદ, સહકાર અને સમર્થન આપે".
આ પ્રકારના પ્રયાસોને કારણે જે પરિણામો ચીનને પ્રાપ્ત થયાં છે તેને નકારી શકાય તેમ નથી.
AI ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નોંધાવાયેલા પેટંટની સંખ્યાના મામલામાં માર્ચ 2019માં ચીને અમેરિકાને પણ પાછળ રાખી દીધું હતું.
પોતાની સિદ્ધિઓનાં પ્રદર્શન માટે છેલ્લાં ચાર વર્ષથી ચીન વાર્ષિક સિવિલ-મિલિટરી ઇન્ટિગ્રેશન ઍક્સ્પોનું પણ આયોજન કરે છે.
આ પ્રદર્શનમાં AI આધારિત ટૅક્નૉલૉજી અને ઉપકરણો કંપનીઓ રજૂ કરે છે. જેમાં ડ્રૉન, નિયંત્રણ માટેની સિસ્ટમ, તાલીમ માટેનાં સિમ્યુલેટર્સ અને માનવરહિત આક્રમક શસ્ત્રોનો સમાવેશ થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ડ્રૉન

ઇમેજ સ્રોત, Getty Images
ડ્રૉન માટેની ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં AI સૌથી વધુ પરિવર્તન લાવી શકે તેમ છે. AIના કારણે અન્ય બાબતોમાં સુધારા સાથે માનવરહિત ઉડ્ડયન વાહનો (UAVs) યુદ્ધમેદાનમાં નિશાનને સ્વયં પારખી શકે છે અને તેના પર હુમલો પણ કરી શકે છે.
ચીનની બે મોટી કંપનીઓ ઝિયાન UAV અને ચેન્ગડુ ઍરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી ગ્રૂપ AI આધારિત ડ્રૉન વિકસાવવા માટે મોટું રોકાણ કરી રહી છે. આમાંની બીજી કંપની ચેન્ગડુ ચીનના લડાયક વિમાનો J-10, J-11 અને J-20 બનાવે છે.
ઝિયાન UAV કંપનીએ અત્યાધુનિક બ્લોફિશ A2 નામનું ડ્રૉન વિકસાવ્યું છે, જેની તસવીર આ લેખની શરૂઆતમાં આપવામાં આવી છે.
કંપનીની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે બ્લોફિશ A2 આપમેળે જ ઘણાં બધાં આક્રમણ અંગેનાં મિશનો પાર પાડી શકે છે. મીડ-પૉઇન્ટ અને ફિક્સ્ડ-પૉઇન્ટ પારખવા, રૅન્જ પારખવી અને નિશાન પર હુમલો કરવા સહિતનાં કાર્યો તે આપમેળે જ કરી શકે છે.
નિષ્ણાતો કહે છે કે માનવરહિત સિસ્ટમ વિકસાવવાના કારણે ચીનની "anti-access/area denial" એટલે કે "A2/AD" ક્ષમતા વધી જશે. આ લશ્કરી પરિભાષા છે, જેનો અર્થ થાય છે દુશ્મન દળોને પોતાના વિસ્તારમાં ઘૂસતા કે કબજો જમાવતા અટકાવવા.
બીજી એક ચીની કંપની એહાંગે પણ 184 AAV (autonomous aerial vehicle) નામનું ડ્રૉન વિકસાવ્યું છે. આ ડ્રૉન નક્કી કરેલા વિસ્તાર પર માનવસહાય વિના ઉડ્ડયન કરી શકે છે. તેમાં એક પેસેન્જર કે સામાન પણ લઈ જઈ શકાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
નાગરિક અને લશ્કરી બંને હેતુઓને પાર પાડે તેવી ટૅકનૉલૉજીનો આ નમૂનો છે કેમ કે આ ડ્રૉનનો ઉપયોગ 'ડ્રૉન ટૅક્સી' તરીકે પણ થઈ શકે છે.
લશ્કરી હેતુઓ માટે વિકસિત થઈ રહેલા ડ્રૉનમાં યુદ્ધમેદાન પર નજર રાખવા માટેની ક્ષમતા ઉમેરવામાં આવી રહી છે. તેમાં સેન્સર રાખવામાં આવે છે, જેથી યુદ્ધમેદાન વિશેની માહિતી કમાન્ડ સેન્ટર પર પહોંચી જાય.
વિશાળ વિસ્તાર પર આ રીતે નજર રાખવાની ક્ષમતા ડ્રૉનમાં આવે તો તે જ ડ્રૉનને માનવરહિત વાહન તરીકે પણ ઉપયોગમાં લાવી શકાય છે. તેના વડે મનુષ્યની સહાય વિના જ અન્ય પ્રકારના સર્વેલન્સ કરી શકાય.
અમુક વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી હોય તે પછી તે અંગેના કોઈ નિર્ણય લેવામાં વિલંબ થતો હોય તેનું નિરાકરણ આ ટૅકનૉલૉજી થઈ શકે છે. તેના કારણે સેનાની નજર રાખવાની ક્ષમતા વધુ સચોટ બની જાય છે.
આ ઉપરાંત ચીન 5G નેટવર્કની દિશામાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેનો અર્થ એ કે ઉપરથી નજર રાખી રહેલું ડ્રૉન બહુ ઝડપથી તે ડેટા કેન્દ્ર પર મોકલી શકે છે.


માગ અને આપૂર્તિ

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયામાં ડ્રૉન જેવાં માનવરહિત ઉડ્ડયન વાહનો પૂરાં પાડવાની બાબતમાં ચીન ઘણું આગળ નીકળી ગયું છે. સંયુક્ત આરબ અમિરાત, પાકિસ્તાન, લીબિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોને ચીનના આધુનિક ડ્રૉન ખરીદવામાં રસ પડી રહ્યો છે.
ઝિયાન UAV કંપનીએ બ્લોફિશ A2 ડ્રૉન સંયુક્ત આરબ અમિરાતને વેચ્યા છે. પાકિસ્તાન તથા સાઉદી અરેબિયાને પણ તે વેચવા માટેની વાટાઘાટો ચાલી રહી છે.
હૉંગકૉંગથી પ્રગટ થતા સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ અખબારના જણાવ્યા પ્રમાણે ચીન સાઉદી અરેબિયામાં ડ્રૉનના ઉત્પાદનની ફૅક્ટરી નાખે તેવી શક્યતા પણ છે.
અન્ય અખબારી અહેવાલો અનુસાર ચીનમાં બનેલા ડ્રૉનનો ઉપયોગ હાલમાં લીબિયા અને યમનમાં થયેલી અથડામણોમાં થયો હોવાનું કહેવાય છે.
ડ્રૉન અને નાની મિસાઇલ્સના નિકાસ પર નિયંત્રણ મૂકી શકે તેવા કોઈ આંતરરાષ્ટ્રીય કરાર પર ચીને સહી કરી નથી. દાખલા તરીકે 35 દેશો વચ્ચે મિસાઇલ ટૅકનૉલૉજી કંટ્રોલ રિઝાઇમ કરાર થયો છે, તેમાં પણ ચીન સામેલ નથી.
જાપાનીઝ ઍસોસિયેશન ઑફ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના સામયિકના એક લેખમાં જણાવાયું હતું કે ચીનનું UAV વિકસાવવા માટેનું બજેટ 2018માં 1.2 અબજ ડૉલર હતું, તે 2019માં વધારીને 1.4 અબજ ડૉલર કરાયું હતું.
આ આંકડાને ધ્યાનમાં રાખીને UAVના વિકાસ માટેનું બજેટ 2025માં વધીને 2.6 અબજ ડૉલર સુધી પહોંચી જશે એમ અહેવાલમાં જણાવાયું છે.
જાણકારો કહે છે કે ચીને 2016માં જ તેની સેના પીપલ્સ લિબરેશન આર્મીનું પુનર્ગઠન કર્યું છે. તેના ભાગરૂપે UAVના વિકાસ અને સંશોધનનું કાર્ય સામ્યવાદી પક્ષના એક નવા સબગ્રૂપને સોંપી દેવામાં આવ્યું છે. સામ્યવાદી પક્ષની નવી સમિતિ સૅન્ટ્રલ મિલિટરી કમિશન સબ્સિડિયરી ઑર્ગન્સ ડ્રૉન વિકસાવવા માટે કાર્ય કરશે.
સૅન્ટ્રલ મિલિટરી કમિશનના વડા તરીકે પ્રમુખ શી ઝિનપિંગ છે, જેનો અર્થ એ થયો કે સીધી તેમની દેખરેખ હેઠળ જ UAVના વિકાસ અને સંશોધનનું કાર્ય થઈ રહ્યું છે.


દેખરેખ

ઇમેજ સ્રોત, Getty Images
ચહેરાને આધારે ઓળખ કરવા માટેની સર્વેલન્સ ટૅકનૉલૉજી પૂરી પાડનારા દેશ તરીકે પણ ચીન સૌથી આગળ નીકળી ગયું છે. વધુ ને વધુ દેશોમાં આ ટૅકનૉલૉજીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ચીનની સર્વેલન્સની ક્ષમતા આ પ્રકારની ટૅકનૉલૉજીના કારણે વધારે સચોટ બની છે. તેનો સૌથી વધુ ઉપયોગ એકદમ પશ્ચિમમાં આવેલા શિનઝિયાંગ વિસ્તારમાં તથા અન્ય ક્ષેત્રોમાં પણ થઈ રહ્યો છે.
ચહેરાને આધારે ઓળખ કરવા માટેનો સૌથી મોટો ડેટાબેઝ જાહેર સુરક્ષા મંત્રાલય તૈયાર કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. શિનઝિયાંગ પ્રાંતમાં આ માટેના પ્રયાસો સૌથી વધુ થઈ રહ્યા છે.
AI ક્ષેત્રની અગ્રણી સ્ટાર્ટ-અપ કંપની સેન્સ ટાઇમે સર્વેલન્સ માટેની આ ટૅકનૉલૉજી પૂરી પાડી છે. તેના આધારે શિનઝિયાંગ પ્રાંતમાં પોલીસ સૌ પર નજર રાખે છે. દુનિયાભરના માનવ અધિકાર કાર્યકરોએ આ બાબતની ટીકા કરી છે.
આ કંપનીએ શિનઝિયાંગ પોલીસ સાથે સહયોગમાં ટેન્ગલી ટૅકનૉલૉજી જોઇન્ટ વેન્ચર તૈયાર કર્યું હતું.
તેમાં પોતાનો હિસ્સો હાલમાં જ કંપનીએ વેચ્યો છે. શિનઝિયાંગ પ્રાંતની છાવણીઓમાં લાખો વિગુર મુસ્લિમોને બંદી બનાવીને રખાયા છે તે બાબતની ભારે ટીકા પછી કંપનીએ આ પગલું ભર્યું છે.


યુદ્ધની યોજના બનાવતાં સોફ્ટવૅર

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની સત્તાવાર સમાચાર સંસ્થા શિન્હૂઆના જણાવ્યા અનુસાર 2007થી ચીન એવા પ્રકારનું સોફ્ટવૅર તૈયાર કરવાં કોશિશ કરી રહ્યું છે, જેનાથી યુદ્ધમેદાનમાં આક્રમણ કરવાની બાબતમાં નિર્ણયો લેવામાં ઝડપ આવે.
આ દિશામાં ચીને કેટલી પ્રગતિ કરી છે તે જાણવું મુશ્કેલ છે પણ આ બાબતમાં અમેરિકા અને નાટોની ક્ષમતાની સામે ઊભા રહેવાની જરૂર છે તે બાબતમાં ચીન સચેત હોવાનું સ્પષ્ટ છે.
કહેવાય છે કે અફઘાનિસ્તામાં અમેરિકાનાં દળોને જે અનુભવો થયા હતા તેને ધ્યાનમાં રાખીને ચીન આ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે કોશિશ કરી રહ્યું છે.
સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટના અહેવાલો અનુસાર ચીનની સરકારે બેલ્જિયમની કંપની લ્યુસિઆડ સાથે કરાર કરીને તેની પાસેથી લ્યુસિઆડ લાઇટસ્પિડ સોફ્ટવૅર મેળવ્યું છે. આ સોફ્ટવૅરનો ઉપયોગ નાટો પણ કરે છે અને એવું પણ માનવામાં આવે છે કે તેના કારણે ભૌગોલિક સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદ મળે છે.

ઇમેજ સ્રોત, Getty Images
2015માં શિન્હૂઆએ લીઉ ઝોંગ પરિચય આપ્યો હતો. તેઓ નેશનલ યુનિવર્સિટી ઑફ ડિફેન્સ ટૅકનૉલૉજીના ચીફ એન્જિનિયર છે અને તેમને ઇન્ફર્મેશન સિસ્ટમ એન્જિનિયરિંગ માટેની લૅબોરેટરી ઊભી કરવાની જવાબદારી સોંપાઈ છે.
શિન્હૂઆના લેખ અનુસાર: "પ્રોફેસર ઝોંગે નવી ટૅકનૉલૉજી અપનાવી હતી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઑપરેશનલ રિસર્ચ સાથે જોડવામાં આવી હતી. તેના કારણે નિર્ણય પ્રક્રિયાની મુશ્કેલીઓ દૂર થાય અને સેનાનાં દળોના આયોજનમાં ઝડપ થાય તેવું શક્ય બન્યું હતું."
લશ્કરી અથડામણોમાં નિર્ણયો લેવામાં ઝડપ થાય તે માટે AI કઈ રીતે ઉપયોગી થઈ શકે તે બાબતમાં ઝોંગ ચીનના સૌથી મોટા નિષ્ણાત હોવાનું માનવામાં આવે છે.


મિસાઇલ

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની AI ક્ષમતા વિકસાવવા માટેના લશ્કરી ઉદ્યોગમાં અન્ય મહત્ત્વનું ક્ષેત્ર સચોટ નિશાન લેનારી મિસાઇલ્સ તૈયાર કરવાનું છે. આ મિસાઇલ્સ મનુષ્ય સહાય વિના નિશાનને શોધીને તેના પર હુમલો કરી શકે તેવી રીતે વિકસાવાઈ રહી છે.
જાપાનીઝ ઍસોસિયેશન ઑફ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના સામયિકના એક લેખમાં જણાવાયું હતું કે ચીને મધ્યમ રૅન્જની મિસાઇલ ડૉંગફૅન્ગ 21D સાથે AI ક્ષમતાને જોડી છે.
ચીનના સરકારી અખબાર પીપલ્સ ડેઇલી ઉમેરે છે કે DF-21D મિસાઇલ "વિમાનવાહક જહાજને પણ ડુબાડી શકે છે અને તેને ઇન્ટરસેપ્ટ કરવી મુશ્કેલ છે."
"DF-21D મિસાઇલનું અગાઉનું સ્વરૂપ DF-26 મિસાઇલનું હતું. પીપલ્સ ડેઇલીના અહેવાલો અનુસાર DF-26 મિસાઇલ "જમીન પરનાં વિશાળ કદના સ્થિર ટાર્ગેટ્સ પર હુમલો કરી શકે છે. જળ પર આગળ વધી રહેલાં ટાર્ગેટ્સ પર પણ 4000 કિલોમિટર દૂરથી વાર કરી શકે છે."
જોકે, તે મિસાઇલ સાથે AI ક્ષમતા જોડાયેલી હતી કે કેમ તેની સ્પષ્ટતા અખબારે કરી નહોતી.
લશ્કરી નિષ્ણાતો કહે છે કે AI ક્ષમતા ધરાવતા ડ્રૉનને એ રીતે વિકસાવાશે કે તે બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમ્સ સાથે પણ કામ કરી શકે અને મિસાઇલની વાર કરવાની ક્ષમતાને વધારે સચોટ બનાવી શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












