યુરોપને ચીનથી સાવધાન થવાની જરૂર શા માટે પડી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રિયાલિટી ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
યુરોપિયન યુનિયને વિદેશી રોકાણ પર નજર રાખવા માટે એક નવું તંત્ર શરૂ કર્યું છે. યુરોપના બજારમાં ચીનની સતત વધતી દખલગીરીને તેનું પ્રમુખ કારણ માનવામાં આવી રહ્યું છે.
આ નવા તંત્ર અંતર્ગત યુરોપિયન સંઘનો એક પ્રમુખ ભાગ યુરોપિયન કમિશન અધિકાર ધરાવે છે કે તે યુરોપિયન સંઘ સાથે થતા વિદેશી રોકાણ પર પોતાનો મત વ્યક્ત કરી શકે.
ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ વિદેશી રોકાણ યુરોપિયન સંઘના કોઈ સભ્ય દેશ કે વ્યવસ્થા માટે મુશ્કેલી ઊભું કરતું જોવા મળે.
માર્ચ મહિનામાં આ યુરોપિયન કમિશને ચીનને પોતાનું વ્યૂહાત્મક પ્રતિદ્વંદી ગણાવ્યું હતું.
આ તરફ યુરોપિયન સંઘમાં ચીનના રાજદૂતે અપીલ કરી કે તેઓ ચીન સાથે કોઈ પ્રકારનું ભેદભાવવાળું વલણ ન અપનાવે અને તેના માટે પોતાના રસ્તા ખોલે.

તમે આ વાંચ્યું કે નહીં?

યુરોપિયન યુનિયનમાં કેટલું વિદેશી રોકાણ?

ઇમેજ સ્રોત, Getty Images
ઉપરથી જોઈએ તો યુરોપિય સંઘમાં ચીનનો વેપાર વધારે નથી પરંતુ છેલ્લા એક દાયકામાં તેમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુરોપિયન કમિશનના માર્ચમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે યુરોપિય યુનિયનના ટ્રૅડ બ્લૉકની કુલ સંપત્તિનો એક તૃતિયાંશ ભાગ વિદેશી અને બિન યુરોપિયન યુનિયન દેશોના હાથોમાં છે.
આ વિદેશી કંપનીઓમાં 9.5%નો હક ચીન, હોંગકોંગ અને મકાઉ પાસે છે. આ આંકડો વર્ષ 2007માં 2.5% હતો.
તેની સરખામણીએ વર્ષ 2016ના અંત સુધી અમેરિકા અને કેનેડાની કંપનીઓની ભાગીદારી 29% રહી. જે ખરેખર વર્ષ 2007માં 42% આસપાસ હતી.
આ રીતે જોઈ શકાય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં યુરોપિયન યુનિયનમાં ચીની કંપનીઓનું પ્રભુત્વ ઝડપથી વધી રહ્યું છે.
યુરોપિયન યુનિયનમાં ચીનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઝડપથી વધી રહ્યું છે. તે વર્ષ 2016માં સૌથી ઊંચા સ્તર પર 37.2 બિલિયન યુરો પર પહોંચી ગયું હતું.
જોકે, ત્યારબાદ તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો. યુરોપિયન યુનિયનમાં નથી એવા યુરોપિયન દેશોમાં પણ વર્ષ 2018માં ચીની રોકાણમાં ઘટાડો નોંધાયો છે.


ચીન ક્યાં અને શું રોકાણ કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચીનનું પ્રત્યક્ષ રોકાણ સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં રહ્યું છે. રોડિયમ ગ્રૂપ અને મરકેટર ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ પ્રમાણે ચીનનું પ્રમુખ કેન્દ્ર બ્રિટન, ફ્રાન્સ અને જર્મની રહ્યા છે.
ગત વર્ષે બ્લૂમબર્ગના એક વિશ્લેષણ અનુસાર યુરોપનાં ચાર ઍરપોર્ટ, છ બંદર અને 13 પ્રૉફેશનલ ફૂટબોલ ટીમના શૅર ચીન પાસે છે.
એક અનુમાન અનુસાર વર્ષ 2008થી અત્યાર સુધી 30 યુરોપિયન દેશોમાં ચીનની રોકાણ સંબંધિત ગતિવિધિઓ અમેરિકાની સરખામણીએ 45% વધારે રહી.

આધારભૂત માળખું?

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચમાં ઇટલી યુરોપનો એક મોટો દેશ હતો, જે ચીનના નવી સિલ્ક રોડ પરિયોજનામાં સામેલ થયો હતો.
આ પરિયોજના અંતર્ગત એશિયા અને યુરોપિયન બજારમાં ચીન સાથે એક મોટો વેપાર સમ્મિલિત છે.
ઔપચારિક રૂપે આ પરિયોજનામાં યુરોપના 20 કરતાં વધારે દેશો સામેલ છે. તેમાં રશિયાનો પણ સમાવેશ થયો છે.
ઉદાહરણ તરીકે ગ્રીસમાં ચીને પિરાએસ બંદરને વિસ્તારવાનો ખર્ચ ઉઠાવ્યો છે. આ તરફ ચીન, સર્બિયા, મોંટેગ્રો, બોસ્નિયા-હર્જેગોવિના અને નોર્થ મેસિડોનિયામાં સડક અને રેલ નિર્માણનું કામ સંભાળ્યું છે.
ચીનના આ રોકાણના પગલે દક્ષિણ યુરોપમાં હાજર કેટલાક ગરીબ દેશ પણ ચીન પ્રત્યે આકર્ષિત થયા છે.
જોકે, વિશેષજ્ઞ જણાવે છે કે ચીની ઋણ ઘણા પ્રકારની શરતો સાથે મળે છે. તેમાં ચીનની કંપનીઓ પણ સામેલ હોય છે અને આ દેશો પર ચીનનું દેવું વધવાનો ખતરો પણ રહે છે.


શું ચીની રોકાણ વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
એક દાયકાથી વધારે વિસ્તાર બાદ વૈશ્વિક સ્તરે ચીનનું બહારી પ્રત્યક્ષ રોકાણ છેલ્લાં એક કે બે વર્ષોથી ધીમું પડ્યું છે.
રોદિયમ ગ્રૂપના અગાથા ક્રેટ્ઝ કહે છે, "આ મુખ્ય રૂપે ચીનમાંથી મૂડી બહાર જવા પર લગાવાયેલા નિયંત્રણનું જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બદલાતા રાજકીય માહોલનું પણ પરિણામ છે."
અમેરિકી વહીટવટીતંત્ર ચીનની આર્થિક ગતિવિધિઓની દિશામાં કડક પગલું ઉઠાવી રહ્યું છે.
સરકારો વધારે સતર્ક હોય છે ખાસ કરીને ત્યારે જ્યારે અર્થવ્યવસ્થાના સંવેદનશીલ ક્ષેત્ર જેમ કે દૂરસંચાર અને સંરક્ષણમાં રોકાણની વાત આવે છે.
પરંતુ તેમાં કોઈ બેમત નથી કે ચીન હવે યુરોપમાં એક મહત્ત્વપૂર્ણ ખેલાડી બની ચૂક્યું છે, પછી તે પ્રત્યક્ષ રોકાણના માધ્યમથી હોય કે નવા સિલ્ક રોડ પ્રોજેક્ટના માધ્યમથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














