You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટાઇમ મૅગેઝિનના મોદી પરના લેખ પર લોકોએ શું કહ્યું?
'ટાઇમ' મૅગેઝિને પોતાના 20 મેના અંકના મુખપૃષ્ઠ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કૅરિકેચર છાપ્યું છે.
'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર મૅગેઝિને મુખપૃષ્ઠ સાથે 'ઇન્ડિયાઝ્ ડિવાઇડર ઇન ચીફ' એવું શિર્ષક પણ આપ્યું છે.
આ શિર્ષકનો સંબંધ સામયિકમાં આતિશ તાસીરે લખેલા એ લેખ સાથે છ., જેનું શીર્ષક છે, 'શું વિશ્વની સૌથી મોટી લોકશાહી નરેન્દ્ર મોદી સરકારનાં બીજા પાંચ વર્ષ વેઠી શકશે?'
લેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દરમિયાન પ્રવર્તેલા સામાજિક 'તણાવ'ની સરખામણી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના બિનસાંપ્રદાયિક્તાના વિચાર સાથે કરાઈ છે.
આ ઉપરાંત લેખમાં ગુજરાતનાં હુલ્લડોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સામયિક દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરાઈ હોય એવી આ પ્રથમ ઘટના નથી.
વર્ષ 2012માં સામયિકમાં છપાયેલા એક લેખમાં નરેન્દ્ર મોદીને વિવાદાસ્પદ, મહત્ત્વાકાંક્ષી અને વિચક્ષણ રાજકારણી ગણાવાયા હતા.
અયોધ્યા કેસમાં મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ અયોધ્યામાં રામમંદિર-બાબરી મસ્જિદ ભૂમિવિવાદ મામલે શુક્રવારે સુનાવણી કરી છે અને તેમાં મધ્યસ્થી માટે 15 ઑગસ્ટ સુધીનો સમય આપ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્યસ્થતા પ્રક્રિયાની શરૂઆત બાદ સુપ્રીમ કોર્ટમાં આ પ્રથમ સુનાવણી થઈ છે.
આ સુનાવણીમાં મધ્યસ્થી સમિતિએ વધુ સમયની માગણી કરી હતી. જેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બૅન્ચે માન્ય રાખી છે.
આ અગાઉ જસ્ટિસ કલિફુલ્લા કમિટીએ મધ્યસ્થીને લઈને પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો હતો અને વધુ સમયની માગણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે 8 માર્ચે પોતાના નિર્ણયમાં આ મામલે મધ્યસ્થીની મંજૂરી આપી હતી અને મધ્યસ્થીઓની નિમણૂક કરી હતી.
આ મધ્યસ્થીઓમાં જસ્ટીસ કલિફુલ્લા, વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી-શ્રી રવિશંકર સામેલ છે.
વેપારયુદ્ધ ખતમ થાય એ પહેલાં જ ચીન-અમેરિકા વચ્ચે અણબનાવ
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું વેપારયુદ્ધ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. વેપારયુદ્ધનો અંત આણવા માટે બન્ને દેશોના પ્રતિનિધિઓ શુક્રવારે એક મંચ પર આવી રહ્યા છે.
જોકે, આ મુલાકાત પહેલાં જ અમેરિકાએ ચીન પર 200 બિલિયન ડૉલરનાં ઉત્પાદનો પર કર વધારવાનો નિર્ણય લીધો છે. આ કરવધારો આગામી કેટલાક કલાકોમાં જ લાગુ થઈ જશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે વાત કરતા કહ્યું કે ચીને સમજૂતીની શરતો તોડી એટલે અમેરિકાને સંબંધિત નિર્ણય લેવો પડ્યો.
ફ્લૉરિડામાં એક રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું, "તમને ખ્યાલ હશે કે આપણે તેમના પર નવા કર લગાવી દીધા છે. તેમણે સમજૂતીની શરતોને તોડી હતી. આ જ કારણે તેમના વડા પ્રધાન લીયુ હિ અહીં આવી રહ્યા છે. તેઓ આપણી સાથે સમજૂતી કરવા માગે છે પણ જો તેઓ સમજૂતી તોડશે તો આપણે આવું નહીં થવા દઈએ. "
તો બીજી તરફ ચીનના વાણિજ્યવિભાગે ટ્રમ્પના આરોપોને ફગાવી દીધા છે. ચીને અમેરિકાના આ પગલાનો જવાબ આપવાની પણ વાત કરી છે.
અમેરિકાએ ઉત્તર કોરિયાનું જહાજ જપ્ત કર્યું
અમેરિકાએ ઉત્તર કોરિયાનું એક માલવાહક જહાજ જપ્ત કરી લીધું છે. અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે જહાજે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે.
અમેરિકાના ન્યાયખાતાએ જણાવ્યું છે કે આ જહાજમાં કોલસો લઈ જવાઈ રહ્યો હતો. ઉત્તર કોરિયા કોલસાનો બહુ મોટો નિકાસકાર દેશ છે. જોકે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉત્તર કોરિયા પર આ મામલે પ્રતિબંધ લગાવાયેલા છે.
આ જ જહાજને આ અગાઉ એપ્રિલ 2018માં ઇન્ડોનેશિયામાં જપ્ત કરવામાં આવ્યું હતું.
જોકે, પ્રતિંબધોના ઉલ્લંઘનના આરોપમાં ઉત્તર કોરિયાનું કોઈ જહાજ અમેરિકાએ જપ્ત કર્યું હોય એવી આ પ્રથમ ઘટના છે.
આ ઘટના બાદ બન્ને રાષ્ટ્રો વચ્ચેના તણાવમાં વધારો થશે એવું મનાઈ રહ્યું છે.
રફાલ યુદ્ધવિમાન કેસ : સરકારે કહ્યું કોઈ પુરાવા છુપાવ્યા નથી
કેન્દ્ર સરકારે રફાલ સોદા મામલે મહત્ત્વના પુરાવા છુપાવવા અને સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાના આરોપો ફગાવી દીધા છે.
કોર્ટમાં બનાવટી પુરાવા રજૂ કરવાના મામલે કરાયેલી અરજીને કેન્દ્ર સરકારે 'સંપૂર્ણ રીતે ખોટી' અને 'દ્વિધાપૂર્ણ તેમજ સ્વ-અંતર્વિરોધી' ગણાવી છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા, અરુણ શૌરી અને વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરાયેલી 'પર્જરી ઍપ્લિકૅશન' (બનાવટી કે નકલી પુરાવા રજુ કરવાનો આરોપ લગાવતી અરજી) મામલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરી કેન્દ્ર સરકારે જવાબ આપ્યો.
આ ઉપરાંત રફાલ મામલે નિર્ણય લેવાની પ્રક્રિયા સંદર્ભે ખોટું નિવેદન આપવાના અને મહત્ત્વના પુરાવા છુપાવવાના આરોપોને પણ સરકારે ફગાવી દીધા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો