You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકા વિસ્ફોટ : મને કોઈ જાણકારી નહોતી અપાઈ : વડા પ્રધાન વિક્રમાસિંઘે
શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ બીબીસીને જણાવ્યું છે કે ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા વિસ્ફોટોની ગુપ્ત ચેતવણી અંગે તેમને જાણ કરવામાં નહોતી આવી.
ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટોમાં લગભગ 250 લોકોનાં મૃત્યુ થયાં છે. શ્રીલંકાની સરકાર તેને ઇન્ટેલિજન્સની ખામી માને છે.
હુમલા બાદ શ્રીલંકાના પોલીસ પ્રમુખ અને રક્ષાસચિવે રાજીનામાં આપ્યાં છે.
વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ રાજીનામું આપવાનો ઇન્કાર કરતાં કહ્યું કે તેઓ આ ભૂલ માટે જવાબદાર નથી, કારણ કે તેમને આ અંગે કોઈ જાણ જ કરવામાં આવી નહોતી.
તેમણે કહ્યું, "જો મને કોઈએ પહેલાં થોડો પણ સંકેત આપ્યો હોત અને મેં કોઈ પગલાં ન લીધાં હોત તો હું તરત રાજીનામું આપી દેત. પણ તમને કોઈ માહિતી જ ન હોય તો તમે શું કરી શકો?"
મોદીના રોડ-શોમાં પૈસા આપીને ભીડ એકઠી કરાઈ: અજય રાય
વારાણસીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના ઉમેદવાર અજય રાયે કહ્યું છે કે ગુરુવારે યોજાયેલા મોદીના વિશાળ રોડ-શો માટે પૈસા આપીને ભીડ એકઠી કરવામાં આવી હતી.
અજય રાયે કહ્યું,"ગયા વખતે જ્યારે મોદીજી આવ્યા હતા ત્યારે લોકોને બહુ વિશ્વાસ હતો કે પરિવર્તન આવશે. કોઈ બેરોજગાર નહીં રહે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "લોકો નમોની ટી-શર્ટ્સ પહેરીને આવ્યા હતા અને એ માટે બહુ મોટું મીડિયા મૅનેજમૅન્ટ કરાયું હતું."
અજય રાયના મતે "આ વખતે ઉમેદવારીના એક અઠવાડિયા પહેલાં જ નિમંત્રણપત્રિકાઓ વહેંચવામાં આવી હતી."
"લોકોમાં પચાસ લાખનાં ફૂલ વહેંચવામાં આવ્યાં હતાં, જેથી મોદીજી આવે ત્યારે સ્વાગતમાં તેમના પર વરસાવી શકાય. ભીડમાં લોકોને બહારથી બોલાવીને એકસરખાં ટી-શર્ટ્સ આપવામાં આવ્યાં હતાં."
તમે આ વાંચ્યું કે નહીં?
ભારતની રાજનીતિમાં વિકાસ અને મેરિટને લેવાદેવા નથી: રાજીવ પ્રતાપ રૂડી
ભાજપના નેતા અને બિહારના સારણ મતવિસ્તારના ઉમેદવાર રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે ભારતમાં ચૂંટણીમાં લાયકાતને બદલે જ્ઞાતિનાં સમીકરણો વધુ કામ કરે છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "હું વ્યાવસાયિક રીતે પાઇલટ છું, વકીલ છું, પ્રોફેસર છું, પણ આ બધું લોકો માટે નકારાત્મક બની જશે, કારણે કે તેમને લાગશે કે આ બધું હોવા છતાં હું છપરામાંથી કઈ રીતે જીતું છું."
"ભારતીય રાજકારણની આ જ વાસ્તવિકતા છે. જ્ઞાતિનું રાજકારણ છે. જાતિનાં સમીકરણોને મેરિટ સાથે કોઈ જ લેવાદેવા નથી. આટલી યોગ્યતા રાજનીતિ માટે 'નૅગેટિવ' છે."
આ યોગ્યતાઓ છતાં મોદીના મંત્રીમંડળમાંથી તેમને રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ તેમને રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં આવ્યા, પરંતુ ત્યાં પણ તેમની હાજરી ખાસ જણાઈ નહીં.
મૉઝામ્બિકમાં ફરી એક વાર ભારે વરસાદથી પૂરની આશંકા
મૉઝામ્બિકમાં શુક્રવારથી કૅનેથ વાવાઝોડા અને ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં હજારો ઘરોમાં નુકસાન થવાની ભીતિ છે.
દેશમાં એક મહિના પહેલાં જ ત્રાટકેલા વાવાઝોડામાં કેટલાંય લોકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક લોકો ઘરવિહોણા થયા હતા.
લોકો મુશ્કેલીથી તેમાંથી બહાર આવવાના પ્રયત્ન કરી રહ્યા હતા ત્યાં ફરી 220 કિમી પ્રતિ કલાકની ઝડપે કૅનેથ વાવાઝોડું ત્રાટક્યું છે.
માર્ચ મહિનામાં આવેલાં ઇડાઈ વાવાઝોડાથી આફ્રિકાના ત્રણ દેશોમાં 900 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
વહિવટી તંત્રે લોકોને ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવાની સલાહ આપી છે.
યૂએનના હવામાન નિષ્ણાતોએ કહ્યું કે એક જ ઋતુમાં મૉઝામ્બિકમાં બે તીવ્ર વાવાઝોડાં ફૂંકાવાં એ અભૂતપૂર્વ બાબત છે.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો