બિલકીસબાનો : આ જ ન્યાય મને મારા ગુજરાતમાં મળી ગયો હોત તો વધારે ખુશી થાત'

    • લેેખક, બિલકીસબાનો
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આજે અદાલત મારા સંઘર્ષને, મને થયેલા અન્યાયને સમજી છે અને મને ન્યાય આપ્યો છે એનો મને ચોક્કસ આનંદ છે અને એ માટે હું માનનીય સુપ્રીમ કોર્ટની અને મારી પડખે ઊભા રહેનારા દરેકની આભારી છું, પરંતુ આ જ ન્યાય મને મારા ગુજરાતમાં મળી ગયો હોત તો મને વધારે ખુશી થઈ હોત.

હું ગુજરાતી છું, ગુજરાતમાં જન્મી છું, ગુજરાતની દીકરી છું. ગુજરાતી સિવાય હિંદી પણ માંડ બોલી શકું છું. મારા પોતાના રાજ્યમાં જ્યારે મને ભય લાગતો હતો ત્યારે સરકાર તરફથી કોઈ સહાય કે મદદ ન મળી એનો મને રંજ છે.

હું કશું ભણી જ નથી. હું કદી શાળાએ જ નથી ગઈ. એ વખતે સમાજમાં દીકરીઓને ભણાવવાનો કોઈ રિવાજ નહોતો.

બાળપણમાં હું ખૂબ ઓછું બોલતી. બાળપણમાં મને સરસ રીતે માથું ઓળવાનો, કાજળ આંજવાનો ખૂબ શોખ હતો, પણ એ બધું તો જાણે 17 વર્ષથી વિસરાઈ જ ગયું છે.

પહેલાં અમે ઘરે એકદમ સરસ રીતે રહેતાં હતાં. મા-બહેનો, ભાઈઓ, પપ્પા એ બધાંની સાથે ખુશ હતાં. ખૂબ ખુશ હતાં, પણ આજે અમે એકલાં થઈ ગયાં છીએ.

અમારાં લગ્ન થયાં ત્યારે અમે બન્ને એકબીજા વગર નહોતા રહેતા. જ્યારે હું પિયર જાઉં અને એક-બે દિવસ થાય તો એ (યાકુબ) પણ આવી જતા.

અમે મહેનત કરી જીવનમાં આગળ વધવાની કોશિશ કરતાં હતાં. જ્યારે મારા પતિ, મારો અને મારા પરિવારનો જીવનમાં આગળ વધવાનો સમય આવ્યો એ જ સમયે 2002માં મારી સાથે અને મારા પરિવાર સાથે એ ગોઝારી ઘટના બની.

અમારા પરિવારના 14 સભ્યોની ઘાતકી હત્યા કરવામાં આવી. હું ગર્ભવતી હોવા છતાં અને મારી લાખ વિનંતીઓ છતાં મારી સાથે ભયંકર અમાનવીય દુષ્કર્મ આચરવામાં આવ્યું. મારી ફૂલ જેવી નાનકડી દીકરી સાલેહાની મારી સામે જ હત્યા કરી દેવામાં આવી.

આ સ્થિતિએ મને જે પીડા આપી છે એને હું વર્ણવી શકું એમ નથી. અમારી દીકરી સાલેહા અમારું પ્રથમ સંતાન હતી.

મને અને મારા પતિ યાકુબને રીતરિવાજ મુજબ એને દફનાવવાનો પણ મોકો ન મળ્યો.

આજે જ્યાં બેસીને એના આત્માની શાંતિ માટે દુઆ કરી શકું એવી કબર પણ મારી પાસે નથી.

આ એક ઘટનાને લીધે અમારો હસતો રમતો પરિવાર સાવ પીંખાઈ ગયો.

અમને જીવનમાં આગળ વધવાની હોંશ હતી અને અમારી જિંદગી પહેલાં થંભી ગઈ અને પછી પાછળ અને પાછળ ધકેલાતી ગઈ.

મેં રેલગાડીને ફક્ત પાટા પર દોડતી જોઈ હતી, જીવનમાં કોઈ મોટું સ્ટેશન પણ નહોતું જોયું.

જ્યારે ગોધરા સ્ટેશન પર એ અમાનવીય ઘટના બની ત્યારે હું અને મારા પતિ સાથે હતાં. આ ઘટનાને લીધે અમારી સાથે કંઈ થઈ શકે છે એનો મને કદી વિચાર પણ નહોતો આવ્યો.

હું અને મારા પતિ પરિવારનાં 14 લોકોની ક્રૂર હત્યાથી એટલા વ્યથિત થઈ ગયાં કે એ દર્દ અને ચિત્કાર જ અમારા બેઉની સૌથી મોટી તાકાત બની.

પહેલાં અમે ફિલ્મો જોતાં પણ 17 વર્ષથી મેં કોઈ ફિલ્મ નથી જોઈ. એમના મિત્રોએ ખૂબ કહ્યું કે તો એમની સાથે મારા પતિ યાકુબ એક વાર ફિલ્મ જોવા ગયા હતા.

17 વર્ષની મારી ન્યાયની લડાઈમાં સૌથી મોટી રાહત એ કે મારા અને મારા પતિ વચ્ચે મતભેદ ન થયો.

17 વર્ષમાં અનેક એવા પ્રસંગો આવ્યા કે જેમાં મારા પતિ યાકુબને લોકોએ સલાહ આપી કે એમણે હવે આ કેસની પળોજણ બંધ કરી કામધંધા તરફ ધ્યાન આપવું જોઈએ.

અનેક લોકો અમારા હિતેચ્છુઓ પણ હતા, કેમ કે તેઓ અમારી આર્થિક હાલત અને એક સ્થળેથી બીજા સ્થળે જીવવી પડતી જિંદગીને સમજતા હતા.

ક્યારેક એમની વાત સાચી પણ લાગતી અને સાચી પણ હતી. પણ જીવનમાં ઠરીઠામ થવા કરતાં ન્યાયની આ લડાઈ વધારે મહત્ત્વની છે એમ મને અને મારા પતિને કાયમ લાગ્યું અને અમે લડતને રસ્તે આગળ ચાલતાં જ રહ્યાં.

જ્યારે જ્યારે પાછળ હઠવાનો વિચાર આવ્યો ત્યારે આત્માના ઈમાનનો અવાજ અમને ટકાવી રાખતો.

17 વર્ષના આ સમયમાં અનેક અગવડો પડી છે, પણ સમાજ, મહિલા સંગઠનો, સીબીઆઈ, માનવ અધિકાર પંચ, નાગરિક સમાજ અને નાનામોટા અનેક લોકો- બધાએ સહયોગ આપ્યો એને લીધે અમને ટકી રહેવાનું બળ મળ્યું.

17 વર્ષની આ રઝળપાટ અને અનેક અન્યાય છતાં મને અને મારા પતિ યાકુબની દેશના કાયદા-કાનૂન પર ભરોસો હતો. મને એ શ્રદ્ધા હતી કે આજે નહીં તો કાલે ન્યાય ચોક્કસ મળશે જ અને મારી શ્રદ્ધા સાચી ઠરી છે.

આજે મને ન્યાય તો મળ્યો છે, પરંતુ મારા પરિવારનાં 14 લોકોની હત્યાની પીડા દિલમાંથી કદી વિસરાતી નથી. દિવસે કામમાં વીસરી ગઈ હોય ઘડીક, તો અડધીરાતે બધું યાદ આવી જાય છે.

કેસ ચાલતો હતો ત્યારે કોઈક પાછળ નજર રાખતું હશે, કોઈ પીછો કરતું હશે એવો સતત ભય સતત રહેતો હતો. કેસ પૂરો થયો છે અને ન્યાય મળી ગયો છે તો પણ એ એક અજાણ્યો ભય હજીયે ઊંડે ઊંડે અંતરમાં રહે છે.

આજે ન્યાય મળી ગયા પછી પણ અંતરના ઊંડાણમાં આ ભય, આખા પરિવારને ગુમાવી દીધાની વેદના, દીકરી સાલેહાની યાદ અને આ બધામાંથી નીપજતો એક ખાલીપો એ મારા અને મારા પતિ યાકુબના જીવનનો હિસ્સો બની રહેવાનો છે.

હવે હું બાળકો સાથે સુકૂનથી જીવવા માગું છું. મારી દીકરી વકીલ બને અને અદાલતમાં અન્યાયનો ભોગ બનેલા લોકોનો અવાજ બને એવું મારું સપનું છું.

હું દુઆ કરું છું કે દેશમાં નફરત અને હિંસા નહીં પણ પ્રેમ અને અમન કાયમ રહે.

(બિલકીસબાનો અને તેમના પતિ યાકુબ રસૂલે બીબીસી સંવાદદાતા મેહુલ મકવાણા સાથે કરેલી વાતચીત મુજબ)

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો