You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
International Space Station : NASAએ કહ્યું મોદીના મિશન શક્તિથી અંતરીક્ષમાં સ્પેસ સ્ટેશન પર 44 ટકા જોખમ વધ્યું
નાસાએ ભારતની એન્ટિ સેટેલાઇટ સ્ટ્રાઇક મિશન શક્તિને ભયંકર ગણાવી તેને લીધે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 44 ટકા જોખમ વધ્યું હોવાનું કહ્યું છે.
નાસાએ કહ્યું કે આ અતિશય ખરાબ અને અસ્વીકાર્ય બાબત છે અને તેને લીધે આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન પર કાર્યરત અવકાશયાત્રીઓ પરનું જોખમ 44 ટકા વધ્યું છે.
નાસાના એડમિનિસ્ટ્રેટર જીમ બ્રાઇન્ડસ્ટેને કહ્યું છે કે એજન્સીએ ભારતના મિશન શક્તિ પછી અવકાશમાં કચરાનાં 400 ટૂકડાઓ ઓળખી કાઢ્યા છે. હજી એમને ઓળખી શકાયા છે પરંતુ તમામને ટ્રેસ નથી કરી શકાયા. અમે 60 ટૂકડાઓને ટ્રેક કરી રહ્યાં છીએ જે 10 સેન્ટિમીટર કરતાં વધારે મોટા છે અને તેમાંથી 24 જેટલા અંતરીક્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી ધપશે.
અમે પ્રત્યેક કલાકે આ પરીક્ષણને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે નવી બાબતો શીખી રહ્યાં છીએ. છેલ્લા એક અઠવાડિયામાં આ અવકાશી કચરો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને અસર કરે તેની શક્યતાઓમાં 44 ટકાનો વધારો થયો છે.
આતંકવાદ સાથે દેશના કરોડો લોકોને જોડવાનું કામ કૉંગ્રેસે કર્યું- મોદી
'નવભારત ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વર્ધા ખાતેથી એક સભાને સંબોધતા કૉંગ્રેસ પર 'હિંદુ આતંકવાદ'ને લઈને ટિપ્પણી કરી હતી.
મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસે દેશના કરોડો લોકોનો સંબંધ આતંકવાદ સાથે જોડી દીધો હતો. હવે લોકો જાગી ગયા છે એટલા માટે તેઓ ભાગી રહ્યા છે.
આવું કહીને મોદીએ ઇશારો કર્યો હતો કે રાહુલ ગાંધી અમેઠીની સાથે કેરળની વાયનાડ બેઠક પરથી શા માટે પણ ચૂંટણી લડી રહ્યા છે.
મોદીએ એવું પણ કહ્યું કે જ્યાં હિંદુ આબાદી વધુ છે ત્યાંથી રાહુલ ગાંધી ચૂંટણી નથી લડી રહ્યા અને જ્યાં હિંદુ આબાદી ઓછી છે તે તરફ ભાગી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોદીએ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો કે દેશના કરોડો લોકો પર હિંદુ આતંકવાદનો દાગ કૉંગ્રેસે લગાડ્યો છે.
મોદીએ કહ્યું કે 'હજારો વર્ષોના ઇતિહાસમાં હિંદુ આતંકવાદની કોઈ ઘટના બની છે? અંગ્રેજ અધિકારીઓએ પણ આવું નથી કર્યું. આપણી 5 હજાર વર્ષ જૂની સભ્યતા પર દાગ કોણે લગાડ્યો?'
મોદીએ આગળ ઉમેરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રના કૉંગ્રેસના નેતા સુશીલકુમાર શિંદેએ હિંદુ આતંકવાદ શબ્દને જન્મ આપ્યો હતો.
બ્રિટનની સંસદમાં બ્રેક્સિટ પ્રસ્તાવ ફરીથી નામંજૂર
બ્રિટનની સંસદમાં સોમવારે સાંજે બ્રેક્સિટ સાથે જોડાયેલા ચાર પ્રસ્તાવો પર મતદાન થયું હતું. બ્રેક્સિટ મુદ્દે આગળ શું કરવામાં આવશે એ મુદ્દે રજૂ થયેલા પ્રસ્તાવ પર સંસદોએ ફરી એક વખત અસહમતી દાખવી છે.
હાલમાં બ્રિટનની સંસદમાં બ્રેક્સિટ કેવી રીતે કરવું જોઈએ તે મુદ્દે વિકલ્પ શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ કોમન્સમાં યુરોપીયન સંઘથી અલગ થવાના ચાર પ્રસ્તાવો પર મતદાન થયું હતું.
તેમાં કસ્ટમ યુનિયન અને નોર્વે જેવી વ્યવસ્થા, બ્રિટનને સિંગલ માર્કેટમાં ટકાવી રાખવા મુદ્દે પર મતદાન કરવામાં આવ્યું હતું.
કાયદાકીય રીતે જોઈએ તો સંસદમાં થયેલું આ મતદાન અનિવાર્ય નથી એટલા માટે જો કોઈ એક પ્રસ્તાવને અનુમતી મળી પણ જાય તો સરકારે તેને માનવું એ જરૂરી નથી.
હાલમાં વડાં પ્રધાન થેરેસા મેએ 12 એપ્રિલ સુધીનો સમય માગ્યો છે. તેમણે નક્કી કરવાનું છે કે યુરોપીયન સંઘ પાસેથી બ્રેક્સિટ માટે વધુ સમય લેવો કે પછી સમજૂતી વિના જ અલગ થઈ જવું.
રાહુલ ગાંધી આજે કૉંગ્રેસનું ઘોષણાપત્ર જાહેર કરશે
'એનડીટીવી ઇંડિયા'ના અહેવાલ અનુસાર લોકસભા ચૂંટણી 2019ને લઈને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કૉંગ્રેસનું ઘોષણાપત્ર જાહેર કરશે.
અહેવાલમાં લખ્યું છે કે આ ઘોષણાપત્રમાં ન્યૂનતમ આવક યોજના, સ્વાસ્થ્યના અધિકાર સહિત ખેડૂતોની દેવામાફી, નીતિ આયોગને ખતમ કરવાથી લઈને દલિતો તથા ઓબીસી સમુદાયો માટે મુખ્ય વાયદાઓનો સમાવેશ થઈ શકે છે.
આ જાહેરાતમાં કૉંગ્રેસની ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ પી. ચિદમ્બરમ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલના રોજ પ્રથમ ચરણનું મતદાન યોજાવાનું છે. દરેક રાજકીય પક્ષો પોતાના પ્રચારમાં મશગૂલ છે.
ચૂંટણીપંચે રાજસ્થાનના ગવર્નરને આચારસંહિતાભંગમાં દોષિત માન્યા
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ રાજસ્થાનના ગવર્નર કલ્યાણ સિંહ આચારસંહિતાના ભંગ મુદ્દે વિવાદોમાં ઘેરાયા છે. તેમણે 23 માર્ચના રોજ અલિગઢ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મોદી જીતશે અને દેશમાં તે જરૂરી પણ છે.
આ બાબતને જોતા ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી આ મુદ્દે સૂચના આપી છે.
23 માર્ચના રોજ અલીગઢમાં લોકસભા ચૂંટણીને લઈને ટિકિટ વિતરણથી નારાજ સ્થાનીક ભાજપ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે તેમણે પોતાના આવાસસ્થાને મુલાકાત કરી હતી.
સિંહે કહ્યું હતું, "અમે બધા ભાજપના કાર્યકર્તા છીએ અને તે લીધે અમે જરૂર ઇચ્છીએ છીએ કે ભાજપ જીતે. બધા ઇચ્છશે કે કેન્દ્રમાં મોદી વડા પ્રધાન બને. મોદીનું વડા પ્રધાન બનવું દેશ માટે આવશયક છે, સમાજ માટે આવશ્યક છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો