You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુલવામા મામલે પાકિસ્તાનનો જવાબ: 'ભારતે સૂચવેલાં 22 સ્થાનોએ કોઈ આતંકવાદી કૅમ્પ નથી'
પુલવામા હુમલામાં જૈશ-એ-મહોમ્મદની સંડોવણી અંગે પાકિસ્તાને આ જવાબ આપ્યો છે, "ભારતે સૂચવેલાં 22 કોઈ 'આતંકવાદી કૅમ્પ' નથી."
'ધ ઇંડિયન એક્સ્પ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદની સંડોવણી અંગે ભારતે સુપરત કરેલા ડોઝિયરના જવાબમાં પાકિસ્તાને પ્રથમ વખત સત્તાવાર રીતે તપાસનાં તારણો આપ્યાં છે.
પાકિસ્તાને એવું પણ કહ્યું છે કે તેમની ઇન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા જે 54 લોકોની અટકાયત કરાઈ હતી, તે 54 લોકો અને પુલવામા હુમલા વચ્ચે કોઈ કડી મળતી નથી.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, "ભારત પાકિસ્તાનના જવાબથી નિરાશ છે, અફસોસની વાત છે કે પાકિસ્તાન હજી પણ ઇનકાર કરી રહ્યું છે અને પુલવામા હુમલાને આતંકવાદી હુમલો માનવા પણ તૈયાર નથી."
"પરંતુ આ વાતથી અમને કોઈ જ આશ્ચર્ય થયું નથી, પાકિસ્તાનનું આ જ વલણ રહ્યું છે."
તમે આ વાંચ્યું કે નહીં?
આજે બ્રેક્સિટ પર બ્રિટિશ સાંસદો મહત્ત્વનો મત આપશે
શુક્રવારે બ્રેક્સિટ મુદ્દે બ્રિટનાન સાંસદો ફરી એક વખત મત આપશે. જોકે, આ મતદાન માત્ર યુરોપિયન સંઘ સાથે થયેલી સમજૂતી મુદ્દે જ હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટનના સાંસદો શુક્રવારે આયરલૅન્ડ સીમા પરની સમજૂતી એટલે કે આઇરીશ બૅકસ્ટોપ, યુરોપિયન સંઘ અને બ્રિટનના અલગ થવાથી પૈસાની લેવડ-દેવડ મુદ્દે મત આપશે. આ બીલને 'તલાક બિલ' કહેવામાં આવી રહ્યું છે, જેમાં નાગરિકોના અધિકારો માટે મત આપશે.
29 માર્ચના રોજ બ્રિટન સરકારે કલમ 50 લાગુ કરી હતી, જેના અનુસાર બે વર્ષ પછી બ્રેક્સિટ લાગુ થવું જોઈએ.
બ્રિટનમાં હાઉસ ઑફ કૉમન્સનાં નેતા એન્ડ્રિયા લીડસમે કહ્યું કે, કલમ 50ની તારીખ આગળ વધારીને 22 મે કરવા માટે 29 માર્ચની રાત્રે 11 વાગ્યા પહેલાં એ સમજૂતીને રદ્દ કરવી જરૂરી છે. આ મુદ્દે મતદાન થશે.
જોકે, ઘણા સાંસદો તેની વિરુદ્ધમાં છે અને લેબર પાર્ટી તેમજ ડેમૉક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીએ કહ્યું છે કે તેઓ આ સમજૂતીના વિરોધમાં મત આપશે.
આર્ટિકલ 35-એ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે વિઘ્નરૂપ :અરૂણ જેટલી
કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે આર્ટિકલ 35-એ જમ્મુ-કાશ્મીરના આર્થિક વિકાસ માટે વિઘ્નરૂપ છે.
તેમણે આ અનુચ્છેદને 'બંધારણીય રીતે ક્ષતિપૂર્ણ' ગણાવ્યો અને કહ્યું કે તે જમ્મુ-કાશ્મીરના લોકોને હાનિ પહોંચાડે છે.
જેટલીએ તેના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે દેશનો કાયદો આ રાજ્યમાં કેમ લાગુ થતો નથી?
ગુરુવારે પોતાના બ્લૉગમાં જેટલીએ લખ્યું, "અનુચ્છેદ 35-એ 1954માં અમલમાં આવ્યો હતો. જે રાજ્યના સ્થાનિકો અને બાકીના ભારતના લોકો વચ્ચે ભેદભાવ કરે છે."
"જમ્મુ-કશ્મીરના લોકો લોકસભાની ચૂંટણીમાં મત આપી શકે છે પણ વિધાનસભા અને નગરપાલિકાની ચૂંટણીમાં મત આપવા જતા નથી."
તેમનાં બાળકોને સરકારી નોકરી મળતી નથી. તેઓ પોતાની સંપત્તિ ખરીદી શકતા નથી અને તેમનાં બાળકો સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકતાં નથી.
1954માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના આદેશથી આ અનુચ્છેદ બંધારણમાં જોડવામાં આવ્યો હતો. કશ્મીરના મહારાજા હરિસિંહ અને ભારત સરકાર વચ્ચે થયેલી સમજૂતીના પરિણામે આવું થયું હતું.
'મોદીનીબાયૉપિકને ભાજપ સાથે કોઈ લેવાદેવા નહીં'-પ્રોડ્યૂસરનો જવાબ
'ધ ઇંડિયન એક્સ્પ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા અપાયેલી નોટિસના જવાબમાં નરેન્દ્ર મોદીની બાયૉપિકના પ્રોડ્યૂસર વતી હિતેશ જૈને કહ્યું છે કે આ ફિલ્મને ભાજપ સાથે કોઈ જ લેવાદેવા નથી.
તેમણે એવું પણ કહ્યું છે કે આ ફિલ્મ અમારા ક્લાયન્ટ્સે બનાવી છે, કોઈ રાજકીય ઉમેદવારોએ નહીં અને પ્રોડ્યૂસરે પોતાના ખર્ચે આ ફિલ્મ બનાવી છે.
મોદી ફિલ્મના પ્રોડ્યૂસર આનંદ કે પંડિત, સંદીપ સિંઘ, મનિષ આચાર્ય અને સુરેશ ઑબેરોય વતી તેમના વકીલ હિતેશ જૈને કહ્યું, "કેટલાક જાહેર કાર્યક્રમો અને સોશિયલ મીડિયા પોસ્ટને આધારે આમારા ક્લાયન્ટને કોઈ રાજકીય પક્ષ સાથે જોડવાની બાબત પાયાવિહોણી છે. તેનો કોઈ કાયદાકીય આધાર પણ નથી."
હિતેશ જૈન બ્લૂક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશના ડિરેક્ટર છે. ગયા વર્ષે પ્રકાશિત થયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પુસ્તક 'ધ એક્ઝામ વૉરિયર્સ'માં આ ફાઉન્ડેશન ટૅક્નૉલૉજી અને નૉલેજ પાર્ટનર હતું.
કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયની માહિતી મુજબ હિતેશ જૈન આ કંપનીના 50 ટકા શૅર ધરાવે છે.
2 માર્ચના રોજ બ્લૂક્રાફ્ટ દ્વારા અન્ય એક પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, 'મન કી બાત-રેડિયો પરની એક સામાજિક ક્રાંતિ'. જેમાં નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમના 50 રેડિયો એપિસોડનું સંપાદન કરવામાં આવ્યું છે.
શરદ પવારની NCP ગુજરાતની તમામ બેઠકોથી ચૂંટણી લડશે
એક તરફ શરદ પવારની નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાંથી કૉંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી રહી છે.
ત્યારે બીજી તરફ ગુજરાતમાંથી તેમણે સ્વતંત્ર લડવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે એનસીપી એ જાહેરાત કરી છે કે તેઓ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે મતદાન યોજાનાર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો