You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇંગ્લૅન્ડમાં વૃક્ષોને જાળીથી કેમ ઢાંકવામાં આવી રહ્યાં છે?
- લેેખક, સમંથા ફિશર
- પદ, બીબીસી ન્યૂઝ
ઇંગ્લૅન્ડમાં વસંત ઋતુનું આગમન થઈ ગયું છે. આ વર્ષનો એ સમય છે કે જ્યારે ફૂલ ખીલે છે, સૂરજ વધારે સમય સુધી દેખાય છે અને ચકલી માળાની અંદર આરામ કરે છે.
પરંતુ ઇંગ્લૅન્ડમાં ઘણી જગ્યાએ વૃક્ષો અને ઝાડીઓને જાળીથી ઢાંકવામાં આવી રહ્યાં છે કે જેથી ચકલી તેના પર માળો ન બનાવી શકે.
પક્ષીઓને બચાવવાનું કામ કરતી સંસ્થા 'ધ રૉયલ સોસાયટી ફૉર ધ પ્રોટેક્શન ઑફ બર્ડ્સ' (આરએસપીબી)નું કહેવું છે કે સમય આવવા પર ઘાસ સાફ કરવામાં સરળતા રહે તે કારણોસર વૃક્ષો અને ઝાડીઓને ઢાંકવામાં આવ્યા છે.
સંસ્થાનું કહેવું છે કે જોકે, તેના માટે તેઓ પક્ષીઓના માળા તોડે છે અને ફરી માળા બનતાં પણ રોકે છે પરંતુ વૃક્ષો પર જાળી લગાવવા મુદ્દે કાયદામાં કોઈ જોગવાઈ નથી.
ઇંગ્લૅન્ડની ગિલફોર્ડ, વૉરવિકશાયર અને ગ્લૉચેસ્ટર તેમજ ડાર્લિંગટન સહિત ઘણી જગ્યાઓથી વૃક્ષો પર જાળીઓ લગાવવાના સમાચાર મળ્યા છે. તેમાંથી મોટાભાગની જગ્યાઓ એવી છે કે જ્યાં ઇમારતો બનવાનું કામ ચાલી રહ્યું છે.
ઘણાં લોકોએ તેની નિંદા કરી છે. તેની નિંદા કરવાવાળા લોકોમાં પર્યાવરણવિદ ક્રિસ પૅકહમ પણ સામેલ છે અને તેમણે આ પગલાને ભયાનક અને સંરક્ષણ વિરુદ્ધનું ગણાવ્યું છે.
સ્થાનિક લોકો પણ આના વિરોધમાં અવાજ ઉઠાવી રહ્યા છે.
ડાર્લિંગટનમાં લોકોએ રસ્તા પર ઝાડીઓ અને વૃક્ષોને લીલી રિબન બાંધીને વિરોધ વ્યક્ત કર્યો જ્યારબાદ 'ટૅસ્કો' નામની કંપનીએ નૉર્વિચમાં એક દુકાન પાસે લગાવવામાં આવેલી જાળીઓ કાઢી નાખી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
RSPBનું કહેવું છે કે છેલ્લાં 50 વર્ષોમાં બ્રિટનમાં 4 કરોડ પક્ષી ઓછાં થયાં છે. સંસ્થાનું કહેવું છે કે આ મુદ્દે સરકારે ઉકેલ લાવવો જોઈએ.
નૉર્ટિંઘમશાયર વાઇલ્ડલાઇફ ટ્રસ્ટનું કહેવું છે કે "જેમજેમ વધારે ઘર બની રહ્યાં છે, તેમતેમ આ રીત વધુ પ્રચલનમાં આવી રહી છે."
આ તરફ બિલ્ડરોના પ્રતિનિધિ સમૂહ 'હોમ બિલ્ડર્સ ઍસોસિએશન'એ કહ્યું છે કે આમ કરવું કોઈ નવી વાત નથી પણ તેના પર નજર રાખવા માટે ન તો કોઈ પ્રક્રિયા છે ન કોઈ સંસ્થા છે.
ઘણાં બિલ્ડર્સે આ મામલે સલાહકારો સાથે વાત પણ કરી છે.
'હોમ બિલ્ડર્સ ફેડરેશન'ના ઍન્ડ્રુ વ્હિટેકરનું કહેવું છે, "સ્થાનિક વહીવટીતંત્ર સાથે વાત કરીને પર્યાવરણ સુરક્ષા સાથે જોડાયેલી વાતોને ધ્યાનમાં રાખીને જાળીઓ લગાવવામાં આવી રહી છે અને પડવા પર નવા વૃક્ષો પણ વાવી દેવામાં આવે છે."
વૃક્ષો પર પક્ષીઓ માળો ન બાંધી શકે તેના માટે તેમને જાળીથી ઢાંકી દેવાના વિરોધમાં કાયદો બનાવવા માટે એક પિટિશન પણ બ્રિટિશ સંસદની વેબસાઇટ પર છે.
તેના પર અત્યાર સુધી 1,15,000 કરતાં વધારે લોકો હસ્તાક્ષર કરી ચૂક્યા છે. સામાન્યપણે 1,00,000 હસ્તાક્ષર થઈ જવા પર પિટિશન પર ધ્યાન આપવામાં આવે છે.
તેના વિરોધમાં લોકોએ ટ્વિટર પર #NestingNoNets હૅશટૅગ સાથે એક અભિયાન પણ શરુ કર્યું છે જેમાં જાળી લાગેલાં વૃક્ષોની તસવીરો શૅર કરવા અપીલ કરવામાં આવી છે.
નૉટિંગહેમશાયર વાઇલ્ડલાઇટ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ ડૉ. રૉબ લૅમ્બર્ટનું કહેવું છે, "લોકોની નારાજગી દર્શાવે છે કે તેઓ પ્રકૃતિ માટે કેટવો ભાવ અનુભવે છે. અમે જોઈ શકીએ છીએ કે બિલ્ડરો પર કામ કરવાનું દબાણ છે પરંતુ પ્રકૃતિને આગળ રાખી તેનો ઉપાય શોધવો પડશે."
તેઓ કહે છે કે સમગ્ર દેશમાં આશરે અઢી કરોડ લોકો પોતાના બગીચામાં પક્ષીઓને ચણ નાખે છે અને તેમનાં માટે વૃક્ષોને ઢાંકી દેવાં એક ખરાબ પગલું છે.
વુડલાઇફ ટ્રસ્ટના જૅક ટૅલરનું કહેવું છે, "જાળી લગાવવાથી વન્યજીવો પ્રત્યે સન્માન ન હોવાનું પ્રતીત થાય છે."
"જોકે, એ ગેરકાયદેસર નથી પરંતુ વર્ષના આ સમયે આમ કરવાથી પક્ષીઓનાં આરામમાં ખલેલ પહોંચે છે અને સાથે જ પ્રજનન શક્તિ પણ પ્રભાવિત થાય છે."
ખાદ્ય અને ગ્રામીણ મામલાના વિભાગના એક પ્રવક્તાએ કહ્યું છે કે સરકાર ઇચ્છે છે વિકાસથી પ્રાકૃતિક પર્યાવરણનો વિકાસ થવો જોઈએ અને તેના માટે બિલ્ડર્સે જૈવ વિવિધતા જાળવી રાખવા યોજના રજૂ કરવી જોઈએ.
સરકાર સમર્થિત સંસ્થા 'નૅચરલ ઇંગ્લૅન્ડ'નું કહેવું છે કે વૃક્ષો પર જાળી લગાવવાનું સમર્થન તેઓ કરતા નથી પરંતુ એ જરુરી છે કે નિયમોનું પાલન કરવા માટે બિલ્ડર્સે સૌથી સારો રસ્તો અપનાવવો જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો