ધોનીનું મૅચમાં રહેવું કૅપ્ટન કોહલી માટે મહત્ત્વનું કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી હિંદી
- પદ, ન્યૂ દિલ્હી
તેજ આંખો, ફૂર્તિલા સ્ટમ્પ, બૉલર્સને સલાહ, પરિસ્થિતિઓની સમજ અને વિકેટ પાછળ પૂરતો અનુભવ આ બાબતોની જરૂર ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની તાજેતરની સિરીઝમાં ભારતની ટીમે અનુભવી હતી.
આ બાબતો માટે જે વ્યક્તિને બધાએ યાદ કર્યા તે હતા મહેન્દ્રસિંહ ધોની.
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બે વન-ડે મૅચ જીત્યા બાદ છેલ્લી મૅચ હારીને કૅપ્ટ કોહલી સિરીઝ હારી ગયા.
વર્લ્ડ કપ પહેલાં જ છેલ્લી વન-ડે સિરીઝમાં 2-0થી આગળ રહેવા છતાં થયેલી હારથી ઘણા પ્રશ્નો ઊઠ્યા છે.
છેલ્લી બે મૅચમાં ધોની ટીમમાં નહોતા તેને પણ આ હાર પાછળનું એક કારણ ગણવામાં આવે છે.
નિષ્ણાતોના મતે વિરાટ કોહલીના નિર્ણયમાં મેદાન પર ધોનીની ગેરહાજરી અનુભવાતી હતી.
આ દરમિયાન ધોનીના બદલે વિકેટકીપિંગ કરી રહેલા ઋષભ પંતે મહત્ત્વપૂર્ણ કૅચ પણ છોડ્યા.
મહેન્દ્રસિંહ ધોની વિશે પૂર્વ કૅપ્ટન અને કૉચ અનિલ કુંબલેએ પણ કહ્યું કે જ્યારે તેઓ મેદાન પર હોય ત્યારે વિરાટને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળી રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે જ્યારે 30 મેથી વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ઑસ્ટ્રેલિયા સામે પોતાની હોમપીચ પર મળેલી હારથી ભારતીય ટીમની તૈયારી અને કોહલીના નિર્ણયો પર સવાલ ઊઠી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાના મુખ્ય કૉચ અનિલ કુંબલેએ કહ્યું, "ધોનીની હાજરીમાં વિરાટ સારી કપ્તાની કરે છે. વિકેટ પાછળ ધોનીના હોવાથી તેઓ વધુ સહજ રહી શકે છે. બંને વચ્ચે સતત વાતચીત થતી રહે છે. તેથી વિરાટ સારા નિર્ણય લઈ શકે છે."
2014માં ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો અને 2017માં તેમણે વિરાટને કપ્તાની સોંપી દીધી.

તમે આ વાંચ્યું કે નહીં?


કુંબલેએ કહ્યું વિરાટને ધોનીની કમી અનુભવાઈ

ઇમેજ સ્રોત, BCCO
કુંબલેએ કહ્યું કે ધોની પાસે કપ્તાનીનો બહોળો અનુભવ છે અને વિકેટ પાછળથી તેઓ રમતને વધુ સારી રીતે સમજી શકે છે.
તેમણે કહ્યું કે ધોની લાઇન લૅંથ બાબતે બૉલર્સ સાથે સતત વાત કરતા રહે છે. તેઓ ફિલ્ડ સેટ કરવામાં વિરાટની મદદ કરે છે. તેમની ગેરહાજરીમાં ઘણી ભૂલો થઈ છે.
કુંબલેએ ક્રિક્ટ નેક્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અંતિમ ઑવરમાં વિરાટ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરે છે અને ધોની વિકેટ પાછળથી છેલ્લી 10-15 ઑવરમાં બૉલર્સને સલાહ આપતા દેખાય છે.
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ધોનીએ બે મૅચ ન રમી તેમાં બૉલર્સ સાથે વાત કરવામાં કે ફિલ્ડીંગ સેટ કરવામાં ધોનીની ગેરહાજરી દેખાઈ.


કુલદીપની બૉલિંગ પર ધોનીની અસર

ઇમેજ સ્રોત, PTI
પોતાની વિકેટ કિપીંગ ઉપરાંત ધોની વિકેટ પાછળથી બૉલરને સલાહ આપ્યા કરે છે.
ચાઇનામૅન કુલદીપ યાદવ એક એવા જ બૉલર છે, જેમને બે મૅચમાં ધોનીની ગેરહાજરીની અસર થઈ .
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચ મૅચની સિરીઝમાં 10 વિકેટ ખેરવનારા ચાઇનામૅન કુલદીપ યાદવ છેલ્લી બે મૅચમાં માત્ર બે જ વિકેટ લઈ શક્યા.
ધોની જ્યારે વિકેટ કીપિંગ કરતા હોય ત્યારે વિકેટ પાછળથી કુલદીપને સલાહ આપ્યા કરે છે.
કુલદીપને સલાહ આપતો ધોનીનો અવાજ ઘણી વખત સ્ટ્મ્પના કૅમેરામાં પણ કેદ થયેલો છે.
કુલદીપ પોતે પણ સ્વીકારે છે કે વિકેટ પાછળ ધોનીની હાજરી તેમનું કામ સરળ કરી દે છે.
તેઓ કહે છે, "ધોની વિકેટ પાછળથી અમને બૉલર્સને મદદ કરે છે. જ્યારે પણ તેમને લાગે કે અમને કંઈક કેહવાની જરૂર છે તો અમારી પાસે આવશે."
કુલદીપ કહે છે, "ઘણી વખત બૉલર્સ મૅચની પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી શકતા નથી."
"પણ માહીભાઈ સ્થિતિને બરાબર સમજે છે અને એટલે જ અમે તેમની સાથે રમીને પોતાને ભાગ્યશાળી માનીએ છીએ."

ઈશાંતે પણ કહ્યું, માહીએ કરી મદદ

ઇમેજ સ્રોત, Getty Images
ફાસ્ટ બૉલર ઈશાંત શર્માએ પણ કહ્યું કે કૅપ્ટન અને એક સિનિયર ખેલાડી તરીકે મહેન્દ્રસિંહ ધોનીએ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણી મદદ કરી છે.
ઇશાંતે કહ્યું, "માહીભાઈએ ઘણી વખત મુશ્કેલ વખતમાં મારી મદદ કરી છે."
"હવે ટીમમાં એક સિનિયર તરીકે વિરાટ મારી પાસે આવે છે અને કહે છે, "મને ખબર છે કે તમે થાકેલા છો પણ એક સિનિયર તરીકે તમારે ટીમ માટે આવું કરવું પડશે."
ભારત માટે અત્યાર સુધીમાં 90 ટેસ્ટ મૅચમાં 267 વિકેટ લઈ ચૂકેલા ઈશાંતે કહ્યું, "પહેલાં હું માત્ર સારી બૉલિંગ કરવા માગતો હતો. હવે હું સારુ પ્રદર્શન કરીને વિકેટ પણ લેવા માગુ છું."

ધોની છે કોહલીના વિરાટ

ઇમેજ સ્રોત, Getty Images
ધોની દુનિયામાં તેમની વિકેટ કીપિંગ પહેલાં તેમની બૅટિંગ અને કપ્તાની માટે જાણીતા છે, પરંતુ અહીં વાત તેમની એક વિકેટકીપર તરીકેની સૂઝબૂઝની થઈ રહી છે, એ જ દર્શાવે છે કે મેદાન પર તેમની હાજરી તેટલી મહત્ત્વની છે.
તેમની વિસ્ફોટક બૅટિંગે ભારતને ઘણી મૅચ જીતાડી છે.
ત્યારે ધોનીનું ટીમમાં કેટલું મહત્ત્વ છે તે અંગે ઑસ્ટ્રેલિયાના પૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે કહ્યું કે, "ધોનીના મહત્ત્વને ક્યારેય ઓછું ન આંકવું જોઈએ, તેમનો ક્રમ મીડલ ઑર્ડરમાં ઘણો મહત્ત્વનો છે."
ધોનીની ક્રિકેટિગ સ્કિલના કારણે જ ભારત ઑસ્ટ્રેલિયા સામે શરૂઆતની મૅચ જીતી શક્યુ.
99 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ તેમણે વિકેટનો એક છેડો સંભાળી લીધો અને 59 રને નૉટાઉટ ઇનિંગ રમી.
341 વન ડે રમી ચૂકેલા ધોની ક્રિકેટની દુનિયાના વર્તમાન ખેલાડીઓથી ઘણા અનુભવી છે.
તેમાંથી 200 વન ડેમાંથી ભારતના કૅપ્ટન તરીકે 110 મૅચ જીતવાનો અનુભવ છે.
વન-ડેમાં 10,500 રન કરી ચૂકેલા જે ધોનીની 2018માં 20 મૅચમાં સરેરાશ માત્ર 25 રન કરવા પર ટીકા થતી હતી એ જ ધોનીએ 2019 સુધીમાં 9 મૅચમાં 81.75ની સરેરાશથી 327 રન કર્યા છે.
આ 9 મૅચમાં ભારત માત્ર એક જ મૅચ હાર્યું છે અને ધોનીએ નૉટ-આઉટ 51, 55, 87, 48, 59 જેવી ઇનિંગ્ઝ રમી છે. એટલે કે મૅચ ફિનિશર તરીકે ધોની વિરાટ માટે ખૂબ મહત્ત્વના રહ્યા છે.
તેથી આખરે એવું કહી શકાય કે 68 મૅચમાં વન ડે કપ્તાની કરૂ ચૂકેલા વિરાટ કોહલી માટે ભારતના સૌથી અનુભવી પૂર્વ કપ્તાન ધોની આગામી વિશ્વકપમાં એક મહત્ત્વની કડી છે તો એ અતિશ્યોક્તિ નહીં હોય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












