BBC Top News : CBIના નવા ડિરેક્ટર બન્યા ઋષિ કુમાર શુક્લા

ઇમેજ સ્રોત, MPPolice
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી પસંદગી સમિતિએ શનિવારે આઈપીએસ અધિકારી ઋષિ કુમાર શુક્લાને સીબીઆઈના નવા ડિરેક્ટર બનાવ્યા છે.
શુક્લા સીબીઆઈના ઇન ચાર્જ ડિરેક્ટર નાગેશ્વર રાવ પાસેથી પદભાર લેશે. પસંદગી સમિતિ પાસે શુક્લા ઉપરાંત અન્ય 30 નામો હતાં. શુક્લાનો કારયકાળ બે વર્ષનો રહેશે.
આલોક વર્મા બાદ રાવ આ પદ સંભાળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડિરેક્ટરની નિયુકતિમાં થઈ રહેલા વિલંબ અંગે અસંતોષ પ્રગટ કર્યો હતો.
આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના ખટરાગના કારણે સીબીઆઈનું નામ છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદોમાં ઘેરાયેલું રહ્યું હતું.
1983ની બૅચના આઈપીએસ અધિકારી ઋષિ કુમાર શુક્લા મધ્યપ્રદેશના ડીજીપી પણ રહી ચૂક્યા છે.
વડા પ્રધાન મોદી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેવાળી પસંદગી સમિતિ દ્વારા શુક્લાની નિયુક્તિ કરાઈ છે.

ઇમેજ સ્રોત, Getty Images
લાંબા સમયથી ઇન્ટરમીડિયેટ રૅન્જ ન્યુક્લિયર ફોર્સ એટલે કે આઈએનએફ મુદ્દે કડક વલણ આપવાની ચીમકી આપનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંધિને છ મહિના માટે મોકૂફ કરવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પની આ જાહેરાતને સંધિ માટે આચકારૂપ માનવામાં આવે છે. ટ્રમ્પનો આરોપ છે કે રશિયા દ્વારા અનેક વખત આ સંધિનો ભંગ કરવામાં આવ્યો છે, જેના કારણે અમેરિકા તથા યુરોપની સુરક્ષા ઉપર જોખમ ઊભું થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ સરકારનું કહેવું છે કે જો આગામી સમયમાં પણ ઉલ્લંઘન ચાલુ રાખવામાં આવશે તો અમેરિકા આ સંધિમાંથી ખસી જશે.
રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાંની ટીકા કરી છે અને કહ્યું છે કે અમેરિકાનું આ પગલું આંતરરાષ્ટ્રીય કાયદાઓ પ્રત્યે અમેરિકાની પ્રતિબદ્ધતાના ભંગ સમાન છે. રશિયાના કહેવ પ્રમાણે, અમેરિકાના આરોપ પાયાવિહોણા છે.
કૉલ્ડવૉરના સમયથી પરમાણુ હથિયાર માટે અમેરિકા અને રશિયાની દોટને અટકાવવા આ સંધિ અમલમાં આવી હતી.

EVM મુદ્દે ચૂંટણી પંચને રજૂઆત કરશે વિપક્ષ

ઇમેજ સ્રોત, INCIndia@Twitter
શુક્રવારે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવી દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે 'સેવ ધ નેશન સેવ ધ ડેમૉક્રસી' નામના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં લોકતાંત્રિક જનતા દળના શરદ યાદવ તેલુગુ દેશમ્ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુ તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના શરદ પવાર સહિત વિપક્ષના અનેક નેતાઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
કાર્યક્રમ બાદ આયોજિત પત્રકાર પરિષદમાં ગાંધીએ કહ્યું કે દેશની જનતાના મનમાં ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન) બનાવવા અંગે કેટલીક શંકાઓ છે. અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધે.
ગાંધીએ ઉમેર્યું, "અમારી પાસે કેટલાક પ્રસ્તાવ છે, જેને લઈને સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યે અમે ચૂંટણી પંચના અધિકારીઓને મળીશું."
અન્ય એક સવાલન જવાબમાં ગાંધીએ કહ્યું, "ખેડૂત, રોજગાર તથા સંસ્થાકીય માળખા ઉપર સરકાર દ્વારા પ્રહાર - આ ત્રણ મુદ્દે ચૂંટણી લડાશે. ઉપરાંત રફાલ ડીલમાં ભ્રષ્ટાચારને પણ ચૂંટણી દરમિયાન ઉઠાવવામાં આવશે."

તમે આ વાંચ્યું કે નહીં?

વેનેઝુએલા પાસેથી ગોલ્ડ ખરીદવા સામે તુર્કીને ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના અહેવાલ અનુસાર વેનેઝુએલા પાસેથી ગોલ્ડ ખરીદવાને પગલે તુર્કી સરકારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.
વેનેઝુએલા સાથે વેપાર કરનારા દેશોમાં તુર્કીએ સૌથી વધુ ચિંતાઓ ઊભી કરી છે, કેમ કે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તુર્કી વેનેઝુએલા પાસેથી ખરીદેલું આ ગોલ્ડ ઈરાન નિકાસ કરે છે, જે અમેરિકાના પ્રતિબંધોના ભંગ સમાન છે.
તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસેપ એર્દોઆને રાજકીય સંકટનો સામનો કરી રહેલા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોને સમર્થન આપ્યું છે.
તુર્કી સાથે વેનેઝુએલાનો ગોલ્ડનો વેપાર વધી રહ્યો છે. ગત વર્ષે તુર્કીમાં 900 મિલિયન ડૉલર્સનું ગોલ્ડ નિકાસ થયું હતું. આ ગોલ્ડને રિફાઇન કરીને વેનેઝુએલા પરત મોકલવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે.
પરંતુ ગોલ્ડની પરત નિકાસનો કોઈ રેકર્ડ નથી મળ્યો. આથી શંકા ઉપજી છે કે આ ગોલ્ડ તુર્કી મારફતે ઈરાન પહોંચ્યું હતું અને તે અમેરિકાએ લાદેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન છે.

અમેરિકાએ પેલેસ્ટાઇનનીસહાય અટકાવી

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાએ પશ્ચિમી ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઇનને આપવામાં આવતી સહાય બંધ કરી દીધી છે.
નવા આતંક-વિરોધી કાનૂન હેઠળ આ નિર્ણય લેવાયો છે. અમેરિકાએ તેની પુષ્ટિ પણ કરી છે. સહાય બંધ થતા હવે પેલેસ્ટાઇનની સિક્યુરિટી ફૉર્સીસને મળતી લગભગ 60 મિલિયન ડૉલર્સનું ભંડોળ હવે ફાળવવામાં નહીં આવે. દર વર્ષે તેમને આ ભંડોળ સહાય તરીકે મળી રહ્યું હતું.
વળી અગાઉ પણ અમેરિકા દ્વારા આ પ્રકારની કેટલીક સહાય બંધ કરી દેવામાં આવી હતી. જેનું ઇઝરાયલે સમર્થન કર્યું હતું.
નિષ્ણાતોએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે.
સહાય બંધ કરવાનો અમલ નવા આતંક-વિરોધી કાનૂન (ઍન્ટિ-ટૅરરિઝમ ક્લૅરિફિકેશન ઍક્ટ - એટીસીએ) ગત વર્ષે સંસદમાં પસાર થયો હતો.
જેના પર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મહોર મારી હતી. આ કાનૂન હવે અમલી બની ચૂક્યો છે.
એટીસીએ કાનૂન અમેરિકાના નાગરિકોને અમેરિકાનું નાણાં ભંડોણ અન્ય દેશમાં યુદ્ધ માટે વાપરવાના નિર્ણયને કોર્ટમાં પડકારવાનો અધિકાર આપે છે.

પૂર્વ રાજાનો DNA ટેસ્ટ માટે ઇન્કાર

ઇમેજ સ્રોત, AFP
બૅલ્જિયમના પૂર્વ રાજા આલ્બર્ટ દ્વિતિયએ ડીએનએ ટેસ્ટ કરાવવાનો ઇન્કાર કરી દીધો છે. તેમની ઉપર આરોપ છે કે 1960ના દાયકામાં તેઓ એક પુત્રીના પિતા બન્યા હતા.
બ્રસેલ્સની કોર્ટે ઠેરવ્યું છે કે ત્રણ મહિનાની અંદર આલ્બર્ટ દ્વિતિય (ઉં. વ.84) તેમના થૂંકનો નમુનો આપે અન્યથા અદાલત તેમને ડેલ્ફિન બૉયલ (ઉં.વ. 50)ના પિતા માની લેવા પ્રેરાશે.
ડેલ્ફિન કલાકાર તથા શિલ્પકાર છે. તેમના માતા બારોનૅસ સિબિલ દ સિલિસ લૉંગચૅમ્પસના કહેવા પ્રમાણે, તેમના અને આલ્બર્ટ વચ્ચે બે દાયકા સુધી પ્રણય સંબંધ ચાલ્યા હતા. આ વવબાબત લગભગ એક દાયકા પહેલા બહાર આવી હતી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












