ચર્ચામાં આવેલાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનાં પત્ની બ્રિજેટ મેક્રોન કોણ છે?

બ્રિજેટ અને મૈક્રૉંની પ્રેમ કહાણી

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેમનાં પત્ની ઉપર બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝેયર બોલસોનારોની ટિપ્પણીની ટીકા કરી છે.

બોલસોનારોના સમર્થકે ફેસબુક કૉમેન્ટમાં મેક્રોનનાં પત્ની બ્રિજેટની મજાક ઉડાવી હતી.

તેણે બ્રિજેટ તથા બોલસોનારોનાં પત્ની મિચેલની તસવીર એકસાથે મૂકીને લખ્યું :

'હવે તમને સમજાઈ ગયું હશે કે મેક્રોન શા માટે બોલસોનારો ઉપર અત્યાચાર કરી રહ્યા છે.'

તેની પ્રતિક્રિયામાં બોસોનારોએ પોર્ટુગિઝ ભાષામાં લખ્યું, 'તેને (મેક્રોન)ને અપમાનિત ન કરો...હા હા'

line

આગે લગાડી આગ

બોલસોનારો તેમનાં પત્ની સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બોલસોનારો તેમનાં પત્ની સાથે

જવાબમાં મેક્રોને કહ્યું, "તેમણે મારાં પત્ની વિશે અસન્માનજનક વાતો કહી છે. હું બ્રાઝિલના લોકોનું ખૂબ સન્માન કરું છું."

"આશા રાખું છું કે તેમને ટૂંક સમયમાં સારા રાષ્ટ્રપતિ મળે."

બ્રાઝિલના એમેઝોનનાં જંગલોમાં આગ લાગી છે, જેને બુઝાવવા માટે G-7 રાષ્ટ્રોએ બે કરોડ ડૉલરની સહાયની જાહેરાત કરી હતી.

બ્રાઝિલે મદદના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.. બોલસેનારોના ચીફ ઑફ સ્ટાફે કહ્યું :

"અમે તમારા પ્રયાસોની કદર કરીએ છીએ, પરંતુ એ નાણાં યુરોપમાં વનીકરણ માટે ખર્ચો."

એમેઝોન માટે નાણાં એકઠાં કરવા માટે પ્રયાસરત મેક્રોન અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું :

નૉટ્ર ડામ કૅથેડ્રલમાં આગ લાગશે તેવું લાગતું હતું, તો પણ તેને અટકાવી ન શક્યા, તેઓ અમને શું શીખવશે?"

line

સૌથી યુવા રાષ્ટ્રપતિ

મિનાર

ઇમેજ સ્રોત, AFP

39 વર્ષની ઉંમરે સર્વોચ્ચ પદભાર સંભાળનારા મેક્રોન ફ્રાન્સના સૌથી યુવાન રાષ્ટ્રપતિ છે.

1958 બાદ એવું પહેલી વખત બન્યું કે સોશિયાલિસ્ટ તથા સેન્ટર રાઇટ રિપબ્લિકન સિવાયની પાર્ટી (એન. માર્શે)ના ઉમેદવાર વિજયી થયા હોય.

બ્રિજેટ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યાં છે, ત્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની પ્રેમકહાણી પણ જાણવા જેવી છે.

41 વર્ષના મેક્રોનનાં પત્ની બ્રિજેટ 66 વર્ષનાં છે, જાણો કેવી રીતે ફ્રાંસના રાષ્ટ્રપતિ પ્રેમમાં પડ્યા હતા.

line

'એક છોટી સી લવ-સ્ટોરી'

બ્રિજેટ અને મૈક્રૉંની પ્રેમ કહાણી

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની પ્રેમકહાણી કંઈક આવી છે. 41 વર્ષનાં મેક્રોનનાં પત્ની બ્રિજેટની ઉંમર 66 વર્ષ છે. એટલે કે લગભગ 25 વર્ષનું અંતર છે.

બંનેની પ્રેમકહાણીની શરૂઆત ત્યારે થઈ જ્યારે મેક્રોન 15 વર્ષના હતા.

ફ્રાંસના ઉત્તરમાં આવેલા એમયાં શહેરના જેશુએટ સ્કૂલમાં ભણી રહેલા મેક્રોનની ગણતરી નાની ઉંમરથી જ જીનિયસ તરીકે થતી હતી.

જે ઉંમરમાં બાળકોને ટીવીનું વળગણ હોય તે ઉંમરમાં મેક્રોન પુસ્તકોમાં ખોવાયેલા રહેતા હતા.

line

બ્રિજેટનાં દીકરીને કારણે પ્રેમમાં પડ્યા

બ્રિજેટ અને મૈક્રૉંની પ્રેમ કહાણી

ઇમેજ સ્રોત, Getty Images

મેક્રોન સાથે સ્કૂલમાં બ્રિજેટનાં દીકરી લૉરેન્સ પણ ભણતાં હતાં.

એક દિવસ લૉરેન્સે પોતાના ઘરમાં જણાવ્યું હતું કે તેમના ક્લાસમાં ભણતા ઇમેન્યુઅલ ખૂબ જ હોશિયાર છે, તેમને બધું જ આવડે છે.

તે વખતે બ્રિજેટની ઉંમર 39-40 વર્ષ જેટલી હતી. બ્રિજેટ ત્યારે લૉરેન્સની શાળામાં જ શિક્ષિકા હતાં.

બ્રિજેટનાં લગ્ન 20 વર્ષની ઉંમરે એક બૅન્કર સાથે થયું હતું અને તેમના થકી ત્રણ સંતાનોનાં માતા બન્યાં હતાં.

પોતાની દીકરીની વાતો સાંભળીને બ્રિજેટે ઇમેન્યુઅલને મળવાનું નક્કી કર્યું હતું.

line

મેક્રોન-બ્રિજેટ નાટકના બહાને મળતાં

બ્રિજેટ અને મૈક્રૉંની પ્રેમ કહાણી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

મેક્રોન સ્કૂલમાં નાટક મંડળીના સભ્ય હતા. એક વખત મિલાન કુંદરાના પુસ્તક પર આધારિત નાટક 'જૅક એન્ડ હિઝ માસ્ટર'નું મુખ્ય પાત્ર ભજવવા માટે મેક્રોન મંચ પર આવ્યા, ત્યારે તેમની નજર બ્રિજેટ સાથે મળી હતી.

સીએનએનના એક અહેવાલ મુજબ, બ્રિજેટ અને મેક્રોને એક ફ્રેંચ ડૉક્યુમૅન્ટરીમાં કહ્યું હતું :

"તેઓ બીજા જેવા નોહતા. તેઓ ટીનએજર પણ ન હતા. અન્ય વયસ્કો સાથે તેમનો સંબંધ સરખો હતો."

એક વખત નાટક લખવા માટે મેક્રોન બ્રિજેટ પાસે ગયા અને કહ્યું કે 'આ નાટક આપણે સાથે મળીને લખીએ.'

બ્રિજેટની સહમતી બાદ બંને દર શુક્રવારે મળતાં હતાં.

બ્રિજેટે એ દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું, "મારા મનમાં એવું હતું કે આ બધું લાંબા સમય સુધી નહીં ટકે. મને એવું હતું કે તે કંટાળી જશે."

"પરંતુ અમે લખવાની શરૂઆત કરી. ધીમે-ધીમે હું ઇમેન્યુઅલના બુદ્ધિ કૌશલ્યથી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ ગઈ હતી."

line

સાવકી દીકરી સાથે સંબંધની આશંકા

બ્રિજેટ અને મૈક્રૉંની પ્રેમ કહાણી

ઇમેજ સ્રોત, Getty Images

પૅરિસ મૅચને આપેલી એક મુલાકાતમાં બ્રિજેટે કહ્યું હતું, "ધીમે-ધીમે હું આ સંબંધમાં પ્રેમના તાતણે બંધાઈ રહી હતી અને તેઓ પણ."

"ટૂંક સમયમાં ઇમેન્યુઅલના ઘર સુધી આ વાત પહોંચી ગઈ."

"મેક્રોનનાં માતાપિતાને એવી શંકા હતી કે બ્રિજેટનાં (અને હવે તેમની સાવકી) દીકરી લૉરેન્સ સાથે તેમનો સંબંધ છે"

તે સમયે મેક્રોનનાં માતાપિતાએ તેમને વતન એમયાંથી દૂર પેરિસ મોકલવાનો નિર્ણય કર્યો હતો.

મેક્રોનની જીવનકથા 'ઇમેન્યુઅલ મેક્રોન - અ પરફેક્ટ યંગ મૅન'નાં લેખિકા એની ફુલ્દાએ મેક્રોનનાં માતાપિતા સાથે આ પુસ્તકના સંદર્ભમાં વાતચીત કરી હતી.

ફુલ્દા સાથેની વાતચીતમાં મેક્રોનનાં માતાએ જણાવ્યું, "અમને તો વિશ્વાસ જ નોહતો આવ્યો, આમ પણ ઇમેન્યુઅલ અને બ્રિજેટ વચ્ચેનો રોમાન્સ મહાન ગણી ન શકાય."

દીકરાની ચિંતામાં મેક્રોનનાં માતાપિતાએ બ્રિજેટ સાથે મુલાકાત કરી અને તેમને મેક્રોનથી દૂર રહેવાની સલાહ આપી હતી.

જોકે, બ્રિજેટે સ્પષ્ટપણે કહી દીધું હતું કે "હું તમને કોઈ પણ પ્રકારનું વચન આપી શકીશ નહીં."

line

જ્યારે મેક્રોને સ્કૂલ છોડી પેરિસમાં અભ્યાસ શરૂ કર્યો

બ્રિજેટ અને મૈક્રૉંની પ્રેમ કહાણી

ઇમેજ સ્રોત, GETTY IMAGES

મેક્રોનનાં માતાપિતાના વિરોધનું કારણ રજૂ કરતા મેક્રોનના પ્રવક્તાએ એક નિવેદન પણ જાહેર કર્યુ હતું.

તેમણે આ નિવેદનમાં જણાવ્યું, "બ્રિજેટ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ થાય તેવી મેક્રોનનાં માતાપિતાની ઇચ્છા નહોતી"

"કારણ કે ફ્રાંસના કાયદા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સાથેનો સંબંધ બાળશોષણ તરીકે ગણાય છે."

મેક્રોને 16 વર્ષની ઉંમરે એમયાંની સ્કૂલ છોડી અને પેરિસની સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો.

બ્રિજેટે એ દિવસો વિશે માહિતી આપતા જણાવ્યું, "અમે બંને ફોન પર કલાકો સુધી વાતો કરતા હતા. ધીમે-ધીમે અમે દરેક અડચણોને પાર કરી દીધી."

line

17 વર્ષની ઉંમરે નિર્ણય

ઇમેન્યુઅલે 17 વર્ષની ઉંમરે નિર્ણય કરી લીધો હતો કે તેઓ બ્રિજેટ સાથે લગ્ન કરશે.

બ્રિજેટે આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ વાત જણાવી હતી.

જોકે, એક વખતે બ્રિજેટે જણાવ્યું હતું, "અમારાં બંનેમાંથી કોઈને ખબર નહતી કે ક્યારે અમારી વચ્ચે પ્રેમ પાંગર્યો."

"એ ક્ષણો અમારી પોતાની ક્ષણો છે, અમે તેને એક ખાનગી વાત તરીકે સાચવી રાખી છે."

આશરે 26 વર્ષ પહેલાં શરૂ થયેલી આ પ્રેમકહાણી 12 વર્ષ પહેલાં જ પ્રેમના મુકામે પહોંચી હતી.

ડેઇલી મેલના એક સમાચાર મુજબ, બ્રિજેટના પ્રથમ પતિ આંદ્રે લુઈસ એક બૅન્કર હતા, જેના કારણે આંદ્રે સાથે બ્રિજેટનો સંબંધ લાંબો ટકી શક્યો નહોતો.

બંનેના છૂટાછેડા વર્ષ 2006માં થયા હતા અને વર્ષ 2007માં મેક્રોન અને બ્રિજેટનાં લગ્ન થયાં હતાં.

line

બ્રિજેટના પુત્ર મેક્રોનથી બે વર્ષ મોટા

બ્રિજેટ અને મૈક્રૉંની પ્રેમ કહાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેન્યુઅલ અને બ્રિજેટનું કોઈ સંતાન નથી. જોકે, ઇમેન્યુઅલ બ્રિજેટનાં ત્રણ બાળકોના પિતા અને સાત બાળકોના 'દાદા' છે.

બ્રિજેટના દીકરાની ઉંમર ઇમેન્યુઅલથી બે વર્ષ વધારે છે.

બ્રિજેટ અને ઇમેન્યુઅલ વચ્ચે ઉંમરમાં 25 વર્ષના ગાળાનું અંતર તેમના સંબંધોમાં જોવા મળ્યું નથી.

પેરિસ મૅચને આપેલા ઇન્ટરવ્યૂમાં બ્રિજેટે ઇમેન્યુઅલ વિશે કહ્યું હતું:

"તેઓ જાણે કે પરગ્રહવાસી છે. તેમનામાં વિશિષ્ટ બુદ્ધિમતા સાથે-સાથે અસાધારણ માનવતાના ગુણ છે."

મેક્રોન ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે. તેમણે એક દર્શકથી બૅન્કર અને બૅન્કરથી રાષ્ટ્રપતિ સુધીની સફર ખેડી છે.

મેક્રોન જ્યારે ફ્રાંસના નાણામંત્રી હતા, ત્યારે પણ તમામ મહત્ત્વપૂર્ણ બેઠકોમાં બ્રિજેટ ઉપસ્થિત રહેતાં હતાં.

મેક્રોન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલાં કહ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશે તો બ્રિજેટ કોઈને કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

જોકે, હજુ સુધી તેમને કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી નથી સોંપાઈ.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો