ફ્રાંસ : ‘હુમલાખોર અલ્લાહ હૂ અકબર બોલી રહ્યો હતો’

ઇમેજ સ્રોત, AFP
ફ્રાંસની પોલીસના જણાવ્યા પ્રમાણે રાજધાની પેરિસમાં ચાકુધારી હુમલાખોરે એક વ્યક્તિ પર હુમલો કરતા તેનું મૃત્યુ થયું હતું. હુમલાખોરે અન્ય ચાર લોકોને ઘાયલ કર્યા હતા.
ઘાયલ લોકો પૈકી બે ની હાલત ગંભીર છે. પેરિસના ઓપેરા વિસ્તારમાં થયેલા આ હુમલા પછી પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં હુમલાખોરનું મોત થયું છે.
ઘટના બાદ કથિત ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંએ ટ્વીટ કર્યું છે કે, "ફ્રાંસમાં આજ ફરી એક વખત લોહી વહ્યું છે પણ અમે આઝાદીના દુશ્મનોને એક ઇંચ પણ આપીશું નહીં."
ઘટનાને નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે હુમલાખોર 'અલ્લાહ હૂ અકબર'ના સૂત્રો પોકારતો હતો.
પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે ફ્રાંસ 24એ કહ્યું છે કે, પોલીસે હુમલાખોરને બે ગોળીઓ મારી હતી.
આ ઘટના મધ્ય પેરિસના ઓપેરા વિસ્તારની છે. પેરિસનો આ ભાગ તેની નાઇટ લાઇફ માટે પ્રવાસીઓમાં જાણીતો છે.

ઇમેજ સ્રોત, AFP
પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે હુમલા બાદ અફરાતફરીની સ્થિતિ સર્જાઇ હતી અને રસ્તાઓ પર ફરતા લોકો રેસ્ટોરાં અને કાફેમાં આશરો લઈ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રાંસના ગૃહમંત્રી ઝેરા કોલોંએ પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને વધુમાં કહ્યું કે, 'આ ભયાનક ઘટનાના પીડિતો માટે હું સંવેદનશીલ છું.’
ફ્રાંસ પોલીસે સામાન્ય લોકોને અફવા ન ફેલાવવા માટે કહ્યું છે.
પોલીસ દ્વારા ટ્વીટ કરાયું છે કે, "મહેરબાની કરીને વિશ્વાસુ સૂત્રો દ્વારા અપાતી સૂચનાઓ પર જ ધ્યાન આપવું."
છેલ્લા ત્રણ વર્ષોમાં સતત થયેલા હુમલાઓ પછી ફ્રાંસમાં હાઈ એલર્ટની સ્થિતિ છે. જેમાંથી કેટલાક હુમલાઓની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














