યુક્રેન-રશિયા સંકટ : યુક્રેનના નૌસૈનિકોની વીડિયો 'કબુલાત'

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાની સિક્રેટ સર્વિસ દ્વારા બાનમાં લેવાયેલા યુક્રેનના ત્રણ નાગરિકોનાં વીડિયો નિવેદન ટીવી ઉપર બહાર પાડવામાં આવ્યા હતા.
વ્લોદોયમિર લિસોવી નામના શખ્સનું કહેવું છે કે તેને યુક્રેનના 'ઉશ્કેરણીજનક કૃત્ય' અંગે જાણ હતી.
બીજી બાજુ, યુક્રેનના નૌકાદળના વડાના કહેવા પ્રમાણે, તેમના સૈનિકો પર ખોટું બોલવા માટે દબાણ કરવામાં આવ્યું છે.
દરમિયાન ક્રિમિયાની કોર્ટે બાનમાં લેવાયેલા યુક્રેન નૌકાદળના 24માંથી 12 કર્મચારીઓને 60 દિવસની અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે.
બાકીના 12 કર્મચારીઓ અંગે આજે ચુકાદો આપવામાં આવે તેવી શક્યતા છે.
બીજી બાજુ, યુક્રેનના અમુક વિસ્તારમાં 30 દિવસ માટે માર્શલ લૉ લાગુ કરી દેવાયો છે.

યુક્રેનમાં માર્શલ લૉ

ઇમેજ સ્રોત, Reuters
યુક્રેન નૌકાદળના ત્રણ જહાજો પર રશિયાના હુમલા બાદથી બંને રાષ્ટ્રો વચ્ચેનો તણાવ વધી ગયો છે.
યુક્રેનના અમુક વિસ્તારમાં માર્શલ લૉ લાગુ કરવાના પ્રસ્તાવનું સાંસદોએ સમર્થન કર્યું હતું, જેને પગલે 28મીથી સૈન્ય કાયદો લાગુ થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રપતિએ 60 દિવસ માટે માર્શલ લૉ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ સંસદે 30 દિવસ માટે માન્ય રાખ્યો હતો.
વિપક્ષને આશંકા છે કે માર્શલ લૉનો ઉપયોગ કરીને પેટ્રો આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓ ટાળવાનો પ્રયાસ કરશે, પરંતુ પેટ્રોએ આ વાતને નકારી છે. હવે આ વિસ્તારમાં અન્ય કાયદાઓનું સ્થાન માર્શલ લૉ લેશે.

આપને આ પણ વાંચવું ગમશે

કિવમાં હિંસા

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનની રાજધાનીમાં રશિયા વિરોધી દેખાવો ફાટી નીકળ્યા છે.
સમગ્ર ઘટનાક્રમ બાદ યુક્રેનમાં રશિયા વિરુદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે અને દેખાવકારોએ રશિયન ઍમ્બેસીની એક ગાડીને સળગાવી દીધી હતી.
સમગ્ર ઘટનાક્રમ બાદ રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોએ 'વૉર કૅબિનેટ'ની બેઠક બોલાવી હતી.
રશિયાએ ક્રિમિયા દ્વીપકલ્પ પાસે 23 ક્રૂ મૅમ્બર્સ સહિતના યુક્રેનનાં ત્રણ જહાજ પર હુમલો કરીને તાબામાં લઈ લીધાં હતાં, ત્યારથી બન્ને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
યુક્રેન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, રશિયાનાં વિશેષ દળોએ હથિયારોના જોરે તેનાં બે જહાજ તથા એક ટગ પર કબજો કર્યો હતો. આ ઘટનામાં ક્રૂના છ સભ્યો ઘાયલ થયા હતા.
વર્ષ 2003માં થયેલી સંધિમાં રશિયા અને યુક્રેન વચ્ચે કર્ચ જળમાર્ગ અને આઝોવ સાગર વચ્ચે જળસીમાનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું.
આઝોવ સાગર જમીનથી ઘેરાયેલો છે અને કર્ચ જળમાર્ગ તેને કાળા સાગરની સાથે જોડે છે.

યુક્રેનમાં તણાવ

ઇમેજ સ્રોત, Reuters
આ ઘટના બાદ યુક્રેનની રાજધાની કિવમાં હાલ તંગદીલી પ્રવર્તી રહી છે.
રશિયાના દૂતાવાસ સામે 150 જેટલા પ્રદર્શનકર્તાઓ એકઠા થયા હતા અને તેમણે દૂતાવાસની એક કારને સળગાવી દીધી હતી.
રૉયટર્સ ન્યૂઝ એજન્સીને એક પ્રદર્શનકર્તાએ જણાવ્યું હતું કે અમે અહીં રશિયા દ્વારા ભરવામાં આવેલા પગલાંનો વિરોધ કરવા માટે એકઠા થયા છીએ.
દરમિયાન યુરોપિયન સંઘ તથા નાટો સમૂહે યુક્રેનને સમર્થન જાહેર કર્યું છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














