માતાપિતા બીજાં લગ્ન કરે તો બાળકો પર શું અસર થાય?

માતિપાતનું બીજું લગ્ન
    • લેેખક, ભૂમિકા રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

"તમારાં માતાપિતા સાથે બીજી વ્યક્તિ જોડાય તો તેની અસર કેવી થાય?"

"જે બેડરૂમને નાનપણથી તમે માતાપિતાના બેડરૂમ તરીકે ઓળખતા હોવ તેમાં રહેનાર વ્યક્તિમાંથી કોઈ એક બદલી જાય તો કેટલું ખરાબ લાગે."

"ધીરે ધીરે તમે આનાથી ટેવાઈ જાવ છો. પછી કંઈ પણ નવું લાગતું નથી."

અકાંક્ષાએ કોઈ બીજા મહિલાને તેમની માતા તરીકે પસંદ કર્યાં છે, તેઓ હવે આ મહિલા સાથે ખુશ પણ છે. જોકે, આ નવા સંબંધનો સ્વીકાર તેમના માટે ખૂબ પડકારજનક હતો. "

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

માતાપિતાનું બીજું લગ્ન

ઇમેજ સ્રોત, INSTAGRAM/SARAALIKHAN95

જોકે, બધાનો અનુભવ એક સરખો ન હોઈ શકે. કૉફી વિથ કરનમાં તાજેતરમાં જ આવેલાં સૈફ અલી ખાન અને પ્રથમ પત્ની અમૃતા સિંહનાં દીકરી સારા અલી ખાનની વાતો અને યાદો અકાંક્ષાથી થોડી જુદી છે.

સૈફને અબ્બા કહીને સંબોધતી સારા, કરીનાને નાની મા કહીને સંબોધતી નથી.

તેમના મતે જે દિવસે તેઓ કરીનાને નાની મા કહીને બોલાવશે તેમની મુશ્કેલી દૂર થઈ જશે.

તેમનું સ્વપ્ન છે એક દિવસ તેઓ કરીના સાથે શૉપિંગ કરવા જાય, પરંતુ શું સાવકા સંબંધો આટલા સુમેળભર્યા હોઈ શકે?

આના વિશે સારાએ કહ્યું, "અબ્બા અને કરીનાનું લગ્ન હતું. મારા માતાએ જાતે મને તૈયાર કરી હતી અને અમે લગ્નમાં ગયાં હતાં."

તેમનાં માતાપિતાના છૂટાછેડા હોય કે પછી તેમના પિતાનું કરીના સાથે લગ્ન. સારાના મતે જે કંઈ પણ થયું તે સારું થયું છે.

"જે જ્યાં છે ત્યાં અમે સૌ ખુશ છીએ."

વાતચીતના આ કાર્યક્રમમાં સારાએ જે પ્રકારની વાતો કરી આ પ્રકારની જ વાતો ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરે પણ અગાઉ કરી હતી.

ઝોયા-ફરહાન અને શબાના આઝમીના સંબંધો પણ કંઈક આવા જ છે.

શબાના, જાવેદ અખ્તરનાં બીજા પત્ની છે. ફરહાન-ઝોયા આગલાં પત્ની હની ઈરાનીના સંતાનો છે.

ફરહાને આ કાર્યક્રમમાં કહ્યું હતું કે શરૂઆતમાં તેમને પોતાના પિતાથી ખૂબ જ ફરિયાદો હતી.

જોકે, આગળ જતા શબાના સાથે તેમના સંબંધો ખૂબ જ સુમેળભર્યા થઈ ગયા.

ફરહાન આ તમામ વાતનો વધારે શ્રેય શબાનાને આપે છે. કારણ કે તેમણે ક્યારેય અસહજ અનુભવ થવા દીધો નહોતો.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

આ પ્રકારના સંબંધોનો સ્વીકાર સરળ હોય છે?

માતાપિતાનું બીજું લગ્ન

ઇમેજ સ્રોત, INSTAGRAM

રિલેશનશિપ ઍક્સપર્ટ નિશા ખન્નાના મતે આ પ્રકારના સંબંધોનો સહેલાઈથી સ્વીકાર થઈ શકતો નથી.

કોઈ પણ બાળક માટે પોતાની જૂની યાદો અને લાગણીઓને કોરાણે મૂકીને નવા સંબંધોમાં જોડાવું મુશ્કેલ હોય છે.

દિલ્હીમાં અભ્યાસ કરી રહેલા અનુરાગ આ પ્રકારના અનુભવમાંથી પસાર થઈ ગયા છે. તેમના મતે નવા સંબંધોનો સ્વીકાર સરળ હોતો નથી.

અનુરાગ સાતમાં ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમનાં માતાનું મૃત્યુ થયું હતું.

ત્રણ ભાઈઓમાં સૌથી મોટા અનુરાગ કહે છે કે તેમનાં માતાના અવસાન થયાના બે મહિના પછી તેમના પિતાએ બીજું લગ્ન કરી લીધું હતું.

પોતાનાં નવા માતા સાથેની પ્રથમ મુલાકાતને યાદ કરતા અનુરાગે કહ્યું, "જ્યારે પપ્પા તેમની સાથે ઘરે આવ્યા ત્યારે હું મારા ભાઈ-બહેન સાથે ટીવી જોઈ રહ્યો હતો."

"પપ્પાએ કહ્યું આ તમારાં મમ્મી છે. અમે કંઈ બોલ્યાં નહોતાં પરંતુ મે વાતચીત કર્યા વગર જ તેમને દુષ્ટ સમજી લીધાં હતાં."

"મેં આવું શું કામ વિચાર્યુ હતું તેની મને સમજ નહોતી પરંતુ મારા મનમાં એવો જ વિચાર આવ્યો હતો કે આમના લીધે જ મારા માતાનું મૃત્યુ થયું છે."

જોકે, હવે અનુરાગના સંબંધો તેમનાં બીજા માતા સાથે અન્ય પરિવારમાં માતા સંતાનોના સંબંધ હોય તેવો જ છે.

તેમ છતાં અનુરાગે લાંબો સમય નફરત અને ગુસ્સામાં પસાર કર્યો હતો.

દિલ્હીનાં નિવાસી અકાંક્ષાનાં માતાપિતાએ સંમતિથી છૂટાછેડા લીધા હતા.

અકાંક્ષાએ કહ્યું, "મને એવું સમજાવાનો પ્રયાસ કરાયો હતો કે અમારી વચ્ચે કોઈ ઝઘડો નથી પરંતુ અમે સાથે રહેવા માગતા નથી."

"પરંતુ સાત મહિના પછી પપ્પાએ એક મહિલા સાથે મારી મુલાકાત કરાવી હતી."

"એ મહિલા સારા હતાં પરંતુ મને સતત એવું લાગતું હતું કે તેઓ મને પપ્પાથી દૂર કરી રહ્યાં છે."

"જ્યારે પપ્પા તે મહિલા સાથે વાતચીત કરતા તો મને સતત એવું લાગતું કે એ મહિલા મારું કશુંક ઝૂંટવી રહ્યાં છે."

અકાંક્ષાએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે આ બાબતની ચર્ચા પોતાનાં માતા સાથે કરી ત્યારે તેમનાં માતાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમ છતાં આ ઘટનાના કારણે લાંબા સમય સુધી અકાંક્ષાને એકલતામાંથી પસાર થવું પડ્યું હતું.

અકાંક્ષા એવો દાવો કરે છે કે નવા સંબંધોનો કોઈ વ્યક્તિ કેટલી જલદી સ્વીકાર કરી શકશે તેનો નિર્ધાર સમાજ ઉપર રહેલો છે.

તેમણે કહ્યું, "આપણા સમાજે અમુક બાબતોને ચોક્કસ ચોકઠામાં ગોઠવી નાખી છે."

"સાવકી માતા કે સાવકા પિતા હંમેશાં અન્યાય જ કરશે, સમાજમાં એવી માન્યતા વ્યાપી ગઈ છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા મિત્રો પિતાનાં લગ્ન પછી લાંબા સમય સુધી મને પૂછતા કે નવી મમ્મી કેવી છે?

અકાંક્ષાએ કહ્યું, "આ સવાલોનો હું કંઈ પણ જવાબ આપું તો પણ લોકો એવું જ કહેતાં કે પોતાની માતા જ પોતાની હોય છે, તારે તેમની પાસે જતું રહેવું જોઈએ."

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

શું સાવકા સંબંધો સાચવવા સહેલા છે?

માતાપિતાનું બીજું લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

જે લોકો આ પ્રકારના અનુભવોમાંથી પસાર થયા હોય તેવા સૌનાં મનમાં આ સવાલ ઉદ્ભવે કે સાવકા સંબંધો માટે આટલી કડવાશ કેમ?

મનોવૈજ્ઞાનિક પ્રવીણ ત્રિપાઠીના મતે આ પ્રકારના સંબંધોમાં સમસ્યા સર્જાય છે પરંતુ વાતચીત દ્વારા આ સમસ્યાનો હલ મળી શકે છે.

પ્રવીણ ત્રિપાઠીના મતે આ પ્રકારના સંબંધોની સૌથી મોટી સમસ્યા એ છે કે માતાપિતા દ્વારા તેના વિશે ખૂલીને બાળકો સાથે ચર્ચા કરવામાં આવતી નથી.

તેમણે જણાવ્યું, "અનેકવાર લોકો બાળકોને વાત ફેરવીને કહે છે અથવા સંપૂર્ણ સત્ય નથી કહેતાં એજ સૌથી મોટું જોખમ છે."

"માતાપિતા જેટલી સ્પષ્ટતા રાખશે તેટલી ઓછી સમસ્યા સર્જાશે."

"જો બાળકને ખબર હોય કે શું થઈ રહ્યું છે તો તે પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરી શકશે."

પ્રવીણના મતે જો બાળકોને તેમની ભૂમિકા અને તેમની ફરજની જાણકારી હોય તો આ સંબંધો સુમેળભર્યા થવામાં મદદ મળે છે.

જોકે, તેઓ સ્વીકારે છે કે મોટાભાગે આ પ્રકારના સંબંધો માટે બાળકોના મનમાં ગુસ્સો હોય છે.

બાળકો સતત એવું વિચારે છે કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.

જો બાળકને ખબર હોય કે તેમનાં માતાપિતામાંથી કોઈ વ્યક્તિનું સ્થાન નવી વ્યક્તિ લેવાની છે તો ત્યારે બાળક એ બાબત સ્વીકારવા માટે તૈયાર નથી હોતું.

ડૉક્ટર તરીકે પ્રવીણ એવી સલાહ આપે છે કે બાળકને આવી સ્થિતિમાં માત્ર એટલી સમજણ આપવી જરૂરી છે કે તેમનાં માતાપિતામાંથી કોઈનું સ્થાન બદલાવાનું નથી પરંતુ પરિવારમાં એક નવા સભ્યનો ઉમેરો થઈ રહ્યો છે.

ડૉ.ત્રિપાઠીએ વધુમાં જણાવ્યું હતું કે જો બાળક આ પ્રકારના સંબંધોમાં સમસ્યામાંથી પસાર થઈ રહ્યું હોય તો તેનો સ્વભાવ ચિડિયો થઈ શકે છે.

બાળક પોતાની જાતને છેતરાયેલું અનુભવે છે.આ સ્થિતિમાં બાળક તણાવમાં સરી પડે તેવી શક્યતા ભરપૂર હોય છે.

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

નવા સદસ્ય સામે પડકાર

માતાપિતાનું બીજું લગ્ન

ઇમેજ સ્રોત, Getty Images

મનોવૈજ્ઞાનિકોના મતે ઘરમાં પ્રવેશતાની સાથે જ નવા સભ્યો પોતાના અધિકારો સ્થાપવાનો પ્રયાસ કરે છે.

આ અભિગમ સાવ ખોટો છે જેના લીધે બાળક ગભરાઈ જાય છે.

ઘરમાં આવનારા નવા સભ્યની પ્રાથમિકતા એવી હોવી જોઈએ કે તે નવા ઘરના માહોલમાં પોતાની જાતને ઢાળે, ઘરના અન્ય વ્યક્તિ મુજબ પોતાનું કામકાજ કરે અને પોતાની આદતો બદલે.

જોકે, આ પ્રકારની સમસ્યાનો સામનો ઘરમાં દાખલ થતા નવાં વધૂને પણ કરવો પડે છે. પરંતુ સંબંધની આગળ સાવકો શબ્દ આ સંબંધોને વધારે પડકારજનક બનાવી નાખે છે.

ડૉક્ટર પ્રવીણ વધુમાં જણાવે છે કે સાવકી માતા કરતાં સાવકા પિતા બનવું વધારે પડકારજનક છે.

પ્રવીણ કહે છે, "પુરૂષ ઘરના માલિક તરીકે રહેવાનું પસંદ કરે છે. આવા સંજોગોમાં તેમના માટે બીજી બાબતો સમજવી મુશ્કેલ બની જાય છે."

"તેઓ સરળતાથી નવી ભૂમિકામાં અથવા તો નવા પરિવારમાં પોતાની જાતને ઢાળી શકતા નથી."

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

લાઇન

ઇમેજ સ્રોત, Alamy

સમાજ આ સંબંધોનો સ્વીકાર કેમ કરી શકતો નથી?

રિલેશનશિપ ઍક્સપર્ટ નિશા ખન્ના કહે છે કે સાવકા સંબંધોની શરૂઆત જૂના સંબંધોના અંતથી થાય છે. પરંતુ આપણા સમાજમાં પ્રથમ સંબંધને જ ઉત્તમ ગણવામાં આવે છે.

આપણા સમાજમાં લગ્નને પવિત્ર અને આજીવન સંબંધ તરીકે સ્થાપિત કરાયું છે.

આ સ્થિતિમાં બીજા લગ્નને ખાસ મહત્ત્તવ મળતું નથી.

હજી પણ સમાજ બીજા લગ્નને ખૂલીને સ્વીકારવા તૈયાર નથી.

આવા સંજોગોમાં બીજા લગ્ન બાદ પડકારો શરૂઆતથી જ શરૂ થઈ જાય છે.

તેમણે જણાવ્યું, "આ પ્રકારના સંબંધોની અસર નકારાત્મક હોવાની શક્યતા વધારે હોય છે."

"નવા સભ્યની સરખામણી જૂના સભ્ય સાથે થાય છે."

"આ સ્થિતિમાં પડકાર વધી જાય છે. બાળકો પણ નવા સભ્યની સરખામણી કરવા લાગે છે અને સૌથી મોટું જોખમ એ જ હોય છે."

જોકે, નિશાના મતે બાળકોને વિશ્વાસમાં લઈને નવા સંબંધની શરૂઆત કરવામાં આવે, દરેક નાના-મોટા નિર્ણયોમાં તેમને સાથે રાખવામાં આવે તો આ પ્રકારની સમસ્યા દૂર કરી શકાય છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો