ઈરાનનો સીરિયા પર મિસાઇલ હુમલો, કહ્યું અહવાઝનો બદલો લીધો

ઇમેજ સ્રોત, AFP
ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડના કહેવા પ્રમાણે, અહવાઝમાં મિલિટરી પરેડ પર થયેલા હુમલાની વળતી કાર્યવાહીના ભાગરૂપે પૂર્વ સીરિયામાં મિસાઇલ હુમલા કર્યા છે.
ઈરાનની સરકારી ટીવી ચેનલના જણાવ્યા અનુસાર, કથિત રીતે ઇસ્લામિક સ્ટેટ (આઈએસ)ના પ્રભાવવાળા અલ્બુ કમાલ શહેર પર બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો.
તા. 22મી સપ્ટેમ્બરે અહવાઝમાં પરેડ દરમિયાન થયેલા હુમલામાં 25 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આઈએસ તથા આરબ ભાગલાવાદીઓએ આ હુમલાની જવાબદારી લીધી હતી.

ઇમેજ સ્રોત, AFP
ઈરાનની સરકારે આરોપ મૂક્યો હતો કે આ હુમલાખોરોને અમેરિકા તથા ખાડી દેશોનું સમર્થન હાંસલ હતું. અમેરિકાએ આ આરોપોને નકાર્યા હતા.
રેવોલ્યુશનરી ગાર્ડ્સે સોમવારે જાહેરાત કરી હતી કે હવાઈ સેનાના મિસાઇલ યુનિટે સીરિયામાં અવાહઝ હુમલા માટે જવાબદાર પ્રમુખ નેતાઓને ટાર્ગેટ બનાવ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
બપોરે બે કલાકે જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.
કહેવાય છે કે ઉગ્રપંથીઓને વધુ નુકસાન પહોંચાડવા માટે હથિયારોના ભંડાર પર સતત હુમલા કરવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ ઈરાનના કયા વિસ્તારમાંથી મિસાઇલ્સ છોડવામાં આવી હતી, તે નથી જણાવાયું, પરંતુ એવું જણાવાયું છે કે મિસાઇલ્સે 570 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.
ઈરાનની સમાચાર સંસ્થાના રિપોર્ટ મુજબ,જોલ્ફગર તથા કિયામ મિસાઇલ્સ છોડવામાં આવી હતી.
મિસાઇલ્સ પર 'ડેથ ટૂ અમેરિકા', 'ડેથ ટૂ ઇઝરાયલ', 'ડેથ ટૂ અલ સઉદ' તથા અંતિમ સંદેશમાં સાઉદીના રાજવી પરિવારનો ઉલ્લેખ હતો.

ઇમેજ સ્રોત, AFP
સીરિયાના ગૃહ યુદ્ધમાં ત્યાંની સરકારનું સમર્થન કરવા માટે ઈરાને તેની સૈન્ય ટૂકડીઓ મોકલી હતી.
બ્રિટન સ્થિત હ્યુમન રાઇટ્સ મોનિટરિંગ ગ્રૂપના રિપોર્ટ મુજબ, હાજિન સ્થિત ઇસ્લામિક સ્ટેટના મુખ્યમથક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલું નુકસાન થયું, તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.
અમેરિકાની સેનાના અંદાજ મુજબ, આ વિસ્તારમાં 1500થી બે હજાર ઉગ્રપંથીઓ છે. આ હુમલાની પાછળ કોનો હાથ હતો, તે હજુ સુધી બહાર નથી આવ્યું.
ઈરાનના ખુજેસ્તાન વિસ્તારમાં અલગ થવાની માગ કરતા આરબ ભાગલાવાદીઓના સંગઠન અલ-અહવાઝ નેશનલ રસિસ્ટન્ટ્સે આ હુમલાની જવાબદારી લીધી હતી.
તેણે એક વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં પરેડ પર હુમલો કરનારા ત્રણ શખ્સો એક કાર મારફત ત્યાં પહોંચતા જોવા મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















