અમેરિકાના દરિયાકિનારે ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટક્યું

ઇમેજ સ્રોત, Getty Images
ફ્લોરેન્સ વાવાઝોડું હાલ અમેરિકાના નોર્થ કેરોલિનાના રાઈટવિલે બિચ પર ત્રાટક્યું છે.
નેશનલ હરિકેન સેન્ટરના જણાવ્યા પ્રમાણે જેના કારણે અતિભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે.
ધીમે ધીમે આગળ વધતું ફ્લોરેન્સ વાવાઝોડાની ગતિ હાલ ધીમી પડી રહી છે. જોકે, હજી પણ 90 કિલોમિટર પ્રતિકલાકે પવન ફૂંકાઈ રહ્યો છે.
નોર્થ કેરોલિનાના ન્યૂ બર્ન શહેરના કેટલાક વિસ્તારોમાં અંદાજે 9 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. જેના કારણે અનેક લોકો પ્રભાવિત થયાં છે.
ન્યૂ બર્નમાં સૈંકડો લોકો હાલ તેમને બચાવવામાં આવે તેની રાહ જોઈ રહ્યા છે.
નેશનલ વેધર સર્વિસ ફોરકાસ્ટરના બ્રાન્ડોન લોકલિયરે કહ્યું છે કે એવી શક્યતા છે કે નોર્થ કેરોલિનામાં આઠ મહિનાનો વરસાદ માત્ર ત્રણ દિવસમાં પડી જશે.
લાખો ઘરોમાં વીજળી ગુલ
નોર્થ કેરોલિનામાં ઝડપી પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે અને રસ્તા પર પાણી ભરાઈ ગયાં છે.
ફ્લોરેન્સના કારણે ફૂંકાયેલ ભારે પવનને લીધે દોઢ લાખથી વધુ ઘરોમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ લગભગ 3 લાખ લોકો હાલ વીજળી ગુલ થવાથી પ્રભાવિત થયાં છે.
નોર્થ કેરોલિના માટે અમેરિકાના પ્રતિનિધિએ ફૉક્સ ન્યૂઝને જણાવ્યું કે આ તોફાનને કારણે કેરોલિનામાં લોકોએ ઓક્ટોબર સુધી વીજળી વિના રહેવું પડી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન નેશનલ વેધર સર્વિસે નોર્થ કેરોલિનાના કિનારે વિવિધ વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી પણ આપી છે.
લોકોને સલાહ આપવામાં આવી છે કે, તે પોતાના ઘરના ભોંયરામાં અથવા અંદરના રૂમ્સમાં જતા રહેવું જોઈએ.
નુકસાનની આશંકાને જોતા નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને વર્જિનિયાના દરિયા કિનારાના વિસ્તારોમાંથી લગભગ 17 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે.
ફ્લાઇટ અવૅર ડૉટ કૉમના જણાવ્યા અનુસાર 1400થી વધુ ફ્લાઇટ્સને રદ કરી દેવાઈ છે. સમુદ્ર કિનારાના મોટાભાગના એરપોર્ટ્સને બંધ કરી દેવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















