You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંખો દેખી: ‘ટીવી પર દેખાતા તેનાથી માલ્યા મને કંઈક અલગ જ લાગ્યા’
- લેેખક, ગગન સભરવાલ
- પદ, બીબીસી સંવાદદાતા, વેસ્ટમિન્સ્ટર કોર્ટ (લંડન)થી
લંડનના વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં બુધવારે વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એક બ્રિટિશ ન્યાયાધીશ આ મામલે વિચાર કરી રહ્યા છે કે આર્થિક મામલેના અપરાધો મુદ્દે વિજય માલ્યા સામે મુંબઈમાં ખટલો ચલાવવા તેમને ભારતનો સોંપવા કે નહીં.
વર્ષ 2016થી બ્રિટનમાં સ્થાયી થયેલા 60 વર્ષીય માલ્યા પર આરોપ છે કે તેમણે તેમની કિંગફિશર ઍરલઆઇન કંપની માટે છેતરપિંડી કરીને 10 હજાર કરોડની લોન લીધી. આ કંપનીએ નાદારી નોંધાવી છે.
ગત વર્ષે ડિસેમ્બરમાં પ્રત્યાર્પણની આ સુનાવણી શરૂ થઈ હતી. બુધવારે ભારત સરકારે પોતાની રજૂઆતમાં કહ્યું કે માલ્યાએ લોન લેવા માટે કંપની પ્રૉફિટના ખોટા આંકડા બતાવ્યા હતા.
ઉપરાંત કંપની દેવમાં ડૂબી ગયા બાદ તેમનો લોન પરત કરવાનો ઇરાદો પણ નહોતો.
પરંતુ બચાવપક્ષના વકીલ ક્લેયર મોંટગોમરીએ કહ્યું કે લોન માટે કરવામાં આવેલી અરજી સંપૂર્ણ રીતે સાચી હતી. ભારત સરકારે સ્પષ્ટપણે ખોટા આરોપો લગાવ્યા છે.
જજ એમ્મા અર્બુથનોટે કહ્યું કે તેઓ ડિસેમ્બરમાં નિર્ણય કરશે કે વિજય માલ્યાને ભારતને સોંપવાનો મામલો બને છે કે નહીં.
તમે આ વાંચ્યું કે નહીં?
વળી તેઓ એ બાબતે પણ વિચારણા કરી રહ્યા છે કે માલ્યાને સુનાવણી પૂરી થાય ત્યાં સુધી ભારતીય જેલમાં રાખવા તેમના માનવઅધિકારોનું ઉલ્લંઘન બને છે કે નહીં. તેમના અનુસાર અહીં કેદીઓએ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક અલગ કેસમાં માલ્યાની સંપત્તિને પહેલાંથી જ સીલ કરી દેવામાં આવી છે. બીજી તરફ 13 બૅન્કોનો સમૂહ માલ્યા પાસેથી બે બિલિયન ડૉલર વસૂલવાની કોશિશ કરી રહ્યો છે.
શાંત, પરેશાન અને તણાવગ્રસ્ત હાવભાવ
માલ્યાનું કહેવું છે કે તેમણે કંઈ ખોટું નથી કર્યું અને દાવો કર્યો છે કે તેઓ લોન ભરપાઈ કરવા માંગે છે.
આ કેસ બ્રિટનની કોર્ટમાં સ્થાનિક સમય અનુસાર 10 વાગ્યે શરૂ થવાનો હતો અને માલ્યા 9:30 કલાકની થોડીક મિનિટો પહેલાં જ પહોંચી ગયા.
બીબીસીના પત્રકાર ગગન સભરવાલ ત્યાં હાજર હતા અને તેમણે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો:
પહેલી વખત હું 'કિંગ ઑફ ગુડ ટાઇમ્સ'ને પ્રત્યક્ષ રીતે જોઈ રહ્યો હતો, કેમ કે અગાઉ મેં તેમના પર કેસ મામલે કોઈ રિપોર્ટ નહોતો કર્યો.
પરંતુ મને આશ્રર્ય થયું કેમ કે મેં તેમના વિશે મીડિયામાં જે કંઈ સાંભળ્યું હતું કે જોયું હતું તેના કરતાં આ વિજય માલ્યા મને અલગ લાગ્યા.
જે વ્યક્તિને તેના શાનદાર વ્યક્તિત્વને કારણે 'ભારતના રિચર્ડ બ્રેનસન' કહેવામાં આવતા હતા, તે અસામાન્ય રીતે શાંત, પરેશાન અને તણાવગ્રસ્ત નજરે પડ્યા.
હંમેશાંની જેમ માલ્યા આવતા જ તેમની મુલાકાત પત્રકારો અને કૅમેરા સાથે થઈ. તેમની સામે ઘણા સવાલો કરવામાં આવ્યા.
તેઓ આ પ્રકારની મીડિયા દરમ્યાનગીરી અને રિપોર્ટિંગથી વાકેફ છે. તેઓ જાણે છે કે મીડિયાના સાવાલો સામે કઈ રીતે વર્તવું.
આજે તેમનો અવાજ અને વર્તન ઘણું જ અલગ હતું. પરંતુ તેઓ હંમેશાં વિનમ્ર હતા અને દરેક સાથે સન્માનપૂર્ણ વર્તન કરી રહ્યા હતા.
બુધવારે ભલે તેમનો અવાજ શાંત અને ધીમો હતો પણ તેમનું વર્તન ઘણું અલગ હતું.
સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેઓ મૂડમાં નથી અને તેમના ચહેરા પર ચિંતા અને અનિશ્ચિતતા સ્પષ્ટપણે ઝળકી રહી હતી.
જોકે, તેમના એક નિવેદનથી ભારતમાં વિવાદ સર્જાયો છે. જ્યારે તેમણે સંવાદદાતાઓને કહ્યું કે ભારત છોડતાં પૂર્વે તેમણે નાણાં મંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી.
જેટલીના રાજીનામાની માંગણી
સમગ્ર બાબતને પગલે વિપક્ષને ટીકા કરવાની તક મળી ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જેટલીના રાજીનામાની માંગણી કરી છે.
કોર્ટરૂમમાં પણ માલ્યા એકદમ શાંત, પરેશાન અને ગહન વિચારમાં જોવા મળ્યા. તેમણે વધુમાં કંઈ નહીં કહ્યું અને તેઓ પોતાના વકીલ ક્લેયર મોંટગોમેરી અને ભારત સરકારના વકીલ માર્ક સમર્સના તર્કોને ધ્યાનથી સાંભળતા રહ્યા.
તેઓ બન્ને વકીલોને એ બાબતો સ્પષ્ટ કરવા માટે કહેતા રહ્યા જે વિશે તેમને જરાય માહિતી નહોતી.
તેમણે ખાત્રી કરી કે આ કેસના તમામ તથ્યો અને આંકડા તેમની સમક્ષ ઉપલબ્ધ હોય.
સુનાવણી દરમિયાન વિજય માલ્યા મિનરલ વૉટર પીતા રહ્યા અને ફોનમાં મૅસેજ ચેક કરી રહ્યા હતા.
વળી મેં તેમને વારંવાર પબ્લિક ગૅલરીમાં નજર કરતા પણ જોયા. હું અહીં અન્ય પત્રકારો સાથે બેઠો હતો. અહીં માલ્યાનાં મિત્ર પિંકી લાલવાની અને તેમનાં પર્સનલ સેક્રેટરી પણ બેઠાં હતાં.
પરેશાન અને ચિંતિત
કદાચ આ કારણે જ તેઓ ગૅલરી તરફ વારંવાર જોયા કરતા હતા. હું તેમના શુભચિંતકોની પાછળ બેઠો હતો. મને લાગતું હતું કે તેઓ આ કઠિન સમયમાં તેમના નિકટના લોકો અને સમર્થકો તરફથી કોઈ પ્રકારના આશ્વાસન અને સમર્થનની આશા રાખી રહ્યા હતા.
બન્ને મહિલાઓની મનોદશા અને વર્તન પણ માલ્યા જેવું જ હતું. તેમણે એકબીજા સાથે ઓછી વાતચીત કરી અને સતત મૅસેજ કરતા રહ્યા.
કદાચ પરિવાર અને મિત્રોને કોર્ટની કાર્યવાહી વિશે જણાવી રહ્યા હતા. તેઓ બન્ને પણ પરેશાન અને ચિંતિત દેખાઈ રહ્યાં હતાં.
એક વાર પિંકી લાલવાનીની મહિલા પત્રકાર સાથે દલીલબાજી પણ થઈ ગઈ. પત્રકાર મારી બાજુમાં જ બેઠાં હતાં.
મને લાગ્યું કે તેમને પણ તમામ બાબતનું દબાણ અનુભવાઈ રહ્યું હતું.
જસ્ટિસ એમ્મા અર્બુથનોટે કહ્યું કે, તેઓ 10 ડિસેમ્બરે તેમનો નિર્ણય સંભળાવશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો