You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લગ્નની એવી બનાવટી કહાણી જેમાં યુવતીને છેતરીને પરણાવી દેવાઈ
હૉંગ કૉંગમાં એક યુવતીને છેતરીને તેનાં લગ્ન કરાવી દેવાની ઘટના સામે આવી છે.
21 વર્ષની યુવતીનું કહેવું છે કે તેને એક બનાવટી લગ્નમાં સામેલ કરીને સાવ અજાણ્યા પુરુષ સાથે તેનાં લગ્ન કરાવી દેવાયાં છે.
યુવતીના જણાવ્યા અનુસાર વેડિંગ પ્લાનર તરીકેની નોકરી માટે તેને કહેવામાં આવ્યું કે એક નકલી લગ્નમાં તારે દુલ્હનનો રોલ કરવાનો છે.
આ સેરેમની દરમિયાન તેણે અને એક અજાણ્યા પુરુષે લગ્નના અસલ દસ્તાવેજો પર સહી કરી દીધી હતી.
હૉંગ કૉંગ પરત ફર્યા બાદ તેને જાણ થઈ કે તેનાં ખરેખર લગ્ન થઈ ગયાં છે. જે બાદ તેણે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
આવાં બનાવટી લગ્ન યોજાયાં હોવાના કોઈ પુરાવા ન હોવાને કારણે સ્થાનિક પોલીસ તેમાં કોઈ મદદ કરી શકે એમ નથી.
જેથી તેણે હૉંગ કૉંગ ફેડરેશન ઑફ ટ્રેડ યુનિયન(એફટીયુ)નો મદદ માટે સંપર્ક કર્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એફટીયુની રાઇટ્સ અને બેનિફિટ્સ કમિટિનાં ચેરમેન ટોંગ કામગ્યુએ બીબીસીને જણાવ્યું કે આ એક નવા જ પ્રકારની લગ્નને લગતી છેતરપીંડી છે.
તેમણે કહ્યું, "મને આ સાંભળીને ખૂબ નિરાશા થઈ અને હું માની નથી શકતી કે આધુનિક હૉંગ કૉંગમાં પણ આવા પ્રકારની ઘટનાઓ બને છે."
કેવી રીતે બની સમગ્ર ઘટના?
આ વર્ષના મે મહિનામાં 21 વર્ષની આ યુવતીએ ફેસબુક પર એક મેક-અપ આર્ટિસ્ટ માટેની ઍપ્રિન્ટિસશિપની જાહેરાત જોઈ અને તેમાં તેણે અરજી કરી હતી.
જોકે, અરજી કર્યા બાદ કંપનીએ તેને વેડિંગ પ્લાનર માટેની નોકરીની ઓફર આપી અને તેણે તે સ્વીકારી લીધી.
આ યુવતીને હોંગ કોંગમાં એક સપ્તાહની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.
ત્યારબાદ તેને કહેવામાં આવ્યું કે આ કોર્સ પાસ કરવા માટે ચીનના ફુજિયાન પ્રાંતમાં એક નકલી લગ્નમાં ભાગ લેવાનો રહેશે.
જુલાઈ મહિનામાં તેણે સ્થાનિક સરકારી સેન્ટર પર લગ્નને લગતા દસ્તાવેજો પર સહી કરી હતી.
સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના અહેવાલ અનુસાર કંપનીએ તેને જણાવ્યું હતું કે બાદમાં આ લગ્ન રદબાતલ ગણાશે.
જોકે, હોંગ કોંગ આવ્યા બાદ તેના ક્લાસમેટે તેને કહ્યું કે તે એક છેતરપીંડીનો ભોગ બની છે.
હાલમાં તે કાયદાકીય રીતે પરણેલી છે અને હવે છુટાછેડા માટે અરજી કરી રહી છે.
તેણે જે પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં તે હૉંગ કૉંગમાં છે કે ક્યાં છે તે મામલે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.
દર વર્ષે હૉંગ કૉંગ પોલીસ સમક્ષ સીમાપારના 1000 જેટલાં લગ્નની છેતરપીંડીના કેસ આવે છે.
ચીનના નાગરિકો જો હૉંગ કૉંગના નાગરિક સાથે લગ્ન કરે તો તેઓ ત્યાં રહેવા માટે અરજી કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો