શું નાની ઉંમરના યુવકો સાથે ખુશ રહે છે યુવતીઓ?

    • લેેખક, નવીન નેગી
    • પદ, બીબીસી સંવાદદાતા

"ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન...

જબ પ્યાર કરે કોઈ, તો દેખે કેવલ મન..."

પ્રેમ આગળ ના તો ઉંમરની સીમા હોય છે, ના તો જન્મોના બંધન. જગજીત સિંહની આ ગઝલ વર્ષોથી ઘણી મહેફિલોને આબદ કરી રહી છે.

પ્રેમમાં ઉંમરની સીમાઓને તોડતી એક તસવીર ઘણા દિવસોથી જોવી મળી રહી છે.

આ તસવીર છે બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને તેમનાથી દસ વર્ષ નાના અમેરિકન ગાયક નિક જોનાસની. આ કપલે હાલમાં જ સગાઈ કરી હોવાની ચર્ચા છે.

જોકે, પ્રિયંકા અને નિકે હજુ સુધી તેમની સગાઈની પુષ્ટિ નથી કરી પરંતુ સગાઈની ખબરો બાદ મળતી શુભેચ્છાઓને નકારી પણ નથી.

આ શુભેચ્છા સાથેસાથે એક એવી પણ ચર્ચા જાગી છે કે કોઈ પણ સંબંધમાં ઉંમર કેટલું મહત્ત્વ ધરાવે છે.

સાથે જ લગ્ન માટે યુવતીનું યુવકથી ઉંમરમાં મોટું હોવું સામાજિક માન્યતાની વિરુદ્ધ તો નથી ને.

જ્યારે યુવતીઓ મોટી થાય છે

એક વર્ષ પહેલાં જ્યારે એમેન્યુનલ મેક્રોન ફાંસના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્તિ પામ્યા એ ખબર સાથે અન્ય એક ખબર પણ સમાચાર માધ્યમોમાં છવાયેલી હતી જે તેમના રિલેશનશિપ સ્ટેટસ અંગે હતી.

મેક્રોનનાં પત્ની અને ફ્રાંસનાં ફર્સ્ટ લેડી બ્રેજિટ મેક્રોન તેમનાથી 12 વર્ષ મોટાં છે.

જે સમયે એમેન્યુનલ સ્કૂલમાં હતા ત્યારે બ્રેજિટ તેમનાં શિક્ષક હતાં. એ જ સમયે બંને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો હતો.

સામાન્ય રીતે સમાજમાં એક એવી ધારણા છે કે લગ્ન સમયે મહિલાની ઉંમર પુરુષ કરતાં નાની હોવી જોઈએ.

ભારત સરકારના આદેશ અનુસાર લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ તો યુવતીની ઉંમર 18 વર્ષ હોવી અનિવાર્ય છે.

ત્યારે એ સવાલ પેદા થાય છે કે લગ્ન સમયે જો યુવતીની ઉંમર યુવક કરતાં વધારે હોય તો શું આ બાબત સમાજના બનાવેલા નિયમની વિપરીત છે?

તમે આ વાંચ્યું કે નહીં?

ફૉર્ટિસ અને આઈબીએસ હૉસ્પિટલમાં લગ્ન કાઉન્સિલર તરીકે કામ કરતાં મનોવિજ્ઞાનિક શિવાની મિસરી સાઢૂએ બીબીસી સાથે આ મુદ્દે વિસ્તારથી વાત કરી.

તેઓ કહે છે કે મોટી ઉંમરની મહિલાઓ પોતાના જૂના અનુભવોથી મળેલી શીખામણને ધ્યાનમાં રાખીને નાની ઉંમરના યુવકો સાથે સંબંધ અથવા લગ્ન કરે છે.

શિવાની ઉમેરે છે, "મોટી ઉંમરની મહિલાઓ તેમના જીવનમાં પોતાના અનુભવોથી ઘણું શીખી હોય છે."

"તેઓ ઉંમરના એક પડાવ પર આવીને એવું વિચારતી હોય છે કે હવે તેમના જીવન સાથે જોડાવવા જઈ રહેલી વ્યક્તિ તેમના પર પ્રભુત્વ ના જમાવે. એટલા માટે તેઓ નાની ઉંમરના યુવકોની પસંદગી કરે છે."

સમાજની દૃષ્ટિ

ફિલ્મ 'દિલ ચાહતા હૈ'માં અક્ષય ખન્નાએ જે યુવકનું પાત્ર ભજવ્યું છે તેને મોટી ઉંમરની મહિલા સાથે પ્રેમ થઈ જાય છે.

આ વાત તે તેમના જીગરી મિત્રોને જણાવે છે પરંતુ મિત્રો તેના પ્રેમની લાગણીને નથી સમજી શકતા અને મજાક કરવા લાગે છે.

ફિલ્મનું આ દૃશ્ય હકીકતમાં સંબંધની વાસ્તવિકતા વર્ણવે છે.

દિલ્હીના ઉત્તમ નગરમાં રહેતા માનસી પણ તેમના પતિથી પાંચ વર્ષ મોટાં છે. તેમનાં લગ્ન 2012માં થયાં હતાં.

પતિ-પત્ની વચ્ચે સમજણ સારી છે પરંતુ ક્યારેક માનસીની સહેલીઓ તેમને એવું કહીને ચીડવે છે કે તે બાળક સાથે લગ્ન કર્યાં છે.

માનસી ભલે આ વાત હસીને કહી રહી હોય પંરતુ આવી મજાકનું પરિણામ ક્યારેક ગંભીર આવે છે.

મેરેજ કાઉન્સિલર શિવાની આ પરિણામો અંગે કહે છે, "મારી પાસે ઘણા એવા લોકો આવે છે જેમની વચ્ચેના અણબનાવનું કારણ મિત્રોની મજાક અથવા સંબંધીઓ દ્વારા મારવામાં આવતા ટોણા હોય છે. ઉંમરમાં અંતર હોવાને કારણે આ અણબનાવ વધી પણ શકે છે."

ઉંમરમાં અંતર હોય તો શું થાય?

જો બે લોકો વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હોય તો તેના અલગઅલગ પરિણામ આવી શકે છે.

જેમકે, યુવતીની ઉંમર જો 40 વર્ષ છે અને તેનાં લગ્ન થાય તો બાળકોને લઈને સમસ્યા ઊભી થઈ શકે છે.

બીજી તરફ જો બે લોકો સરખી ઉંમરના ના હોય તો તેમની વચ્ચે તાલમેલ સાધવાની સમસ્યા ઊભી થઈ શકે છે.

બીબીસી રેડિયો મુજબ નાની ઉંમર અને મોટી ઉંમરની વ્યક્તિની વિચારસરણી ભિન્ન હોય છે. એટલા માટે ક્યારેક વિચારોમાં મતભેદ આવી જાય છે

જોકે, પરસ્પર તાલમેલની આ વાતો ઉંમરના અલગઅલગ પડાવ અનુસાર બદલે છે.

આ અંગે શિવાની કહે છે, "માનો કે એક કપલ 20 અને 30 વર્ષનું છે તો તેમની વચ્ચે પરસ્પર મતભેદો જોઈ શકાશે."

"બીજું કપલ 50 અને 60 વર્ષનું છે તો તેમની વચ્ચે આ જ મુદ્દાએ પર સહમતી જોવા મળી શકશે. જોકે, બન્ને કપલની ઉંમર વચ્ચેનો તફાવત 10 વર્ષનો છે."

શિવાની કહે છે કે જ્યારે આપણે યુવાન થઈએ ત્યારે આપણી આશાઓ, મહત્ત્વકાંક્ષા અલગ હોય છે. ત્યારે પાંચ વર્ષનો ગાળો પણ વધુ લાગે છે.

જ્યારે મોટા થઈ જઈએ ત્યારે આ જ તફાવત સામાન્ય બની જાય છે.

અમેરિકાની ઇમોરી યુનિવર્સિટીના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ઉંમરનો તફાવત વધુ હોય તો છૂટાછેડાની સંભાવના વધી જાય છે.

રૈંડલ ઑલ્સને આ અભ્યાસ પર What makes for a stable marriage? નામે બે ભાગમાં રિપોર્ટ જાહેર કર્યો હતો.

આ બન્ને ભાગમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જો ઉંમરમાં તફાવતનું અંતર વધી જાય તો તલાકની સંભાવના પણ વધી જાય છે.

જોકે, આ રિપોર્ટ અમેરિકાના કપલ્સ પર આધારિત છે.

યુવતી શું વિચારતી હોય છે?

એક સવાલ એવો છે કે ખુદથી નાની ઉંમરના યુવક સાથે સંબંધ બાંધતા પહેલાં એક યુવતી શું વિચારતી હોય છે?

આ સવાલના જવાબમાં શિવાની કહે છે, "જૂના સંબંધને ભૂલાવવું. સામાન્ય રીતે યુવાન છોકરાઓ સાથે સંબંધ બનાવવાથી છોકરીઓ ખુદને યુવાન અનુભવવા લાગે છે. તેમને લાગે છે કે તે યુવકોને આકર્ષિત કરી શકે છે."

તેની વિપરિત એક યુવક પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે સંબંધ બનાવતી સમયે શું વિચારતા હોય છે?

આ અંગે શિવાની કહે છે કે યુવકો માટે આ સંબંધ ઓછી જવાબદારી ધરાવતા હોય છે.

તે એક અનુભવી સાથીને પામીને ઘણી જવાબદારીઓથી બચી જતા હોય છે.

શિવાની કહે છે, "આ સંબંધ બન્ને માટે WIN-WIN સ્થિતિ છે. જો બન્નેની પરસ્પરની સમજ સારી હોય, તો યુવક અને યુવતી એકબીજાની જરૂરિયાતો પર સમગ્ર ધ્યાન આપે છે."

"મોટી ઉંમરની યુવતીઓ આત્મનિર્ભર હોય છે. આવી યુવતીઓ સાથે યુવકોને વધુ વિચારવાની જરૂર રહેતી નથી."

શિવાની કહે છે કે જો 20 વર્ષનો યુવક 30 વર્ષની યુવતીને ડેટ કરે તો તેઓ સંભવિત રીતે ફૅમિલિ પ્લાનિંગ ધ્યાનમાં ના રાખે.

જો, 30 વર્ષનો યુવક 40 વર્ષની યુવતીને ડેટ કરે તો તેમની વચ્ચે ફૅમિલિ પ્લાનિંગ અંગે સમહતી બની શકે છે.

ઉંમરના તફાવત વચ્ચે સધાયેલા સફળ અને અસફળ સંબંધોના ઘણાં ઉદાહરણો આપણી સામે છે.

જેમાં સૈફ અલી ખાન અને તેમનાં પહેલાં પત્ની અમૃતા સિંહ વચ્ચે ઉંમરનો મોટો તફાવત હતો અને તેમનાં લગ્ન સફળ ના રહ્યાં.

બીજી તરફ એવું પણ છે કે મોટી ઉંમરની પત્નીઓ હોવાથી લગ્નજીવન સફળ રહ્યું હોય. ઉદાહરણ તરીકે ક્રિકેટર સચિન તેંડુલકર અને અંજલી તેંડુલકર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો