You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યમન : બસ પર હવાઈ હુમલો, 29 બાળકોનાં મોત
રેડ ક્રોસના જણાવ્યા પ્રમાણે યમનમાં થયેલા એક કથિત હવાઈ હુમલામાં 29 બાળકો માર્યાં ગયાં છે. જ્યારે 30 લોકો ઘાયલ થયાં છે.
માનવામાં આવે છે કે સાઉદી અરેબિયાના નેતૃત્વમાં થઈ રહેલા હવાઈ હુમલાનો જ આ એક ભાગ હતો.
આ હુમલો યમનના ઉત્તરમાં આવેલા સાડાની દાહ્યાન માર્કેટ પાસે થયો હતો.
બાળકો જ્યારે બસમાં મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે જ બસને નિશાને લેવામાં આવી હતી.
અહીં યમન સરકાર સાઉદી અરેબિયાની સાથે રહીને હૂતી બળવાખોરો સામે લડી રહી છે.
કેવી રીતે થયો હુમલો?
યમનના એક વ્યક્તિએ ઍસોસિયેટ પ્રેસને જણાવ્યા પ્રમાણે જ્યારે બસ દાહ્યાન માર્કેટમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.
જેમાં કેટલાક સ્થાનિકો અને બાળકો મુસાફરી કરી રહ્યાં હતાં.
ધ ચૅરિટી સેવ ધ ચિલ્ડ્રન સંગઠનના જણાવ્યા પ્રમાણે બાળકો પિકનિકમાંથી સ્કૂલે પરત ફરી રહ્યાં હતાં. એ સમયે ડ્રાઇવર પાણી પીવા માટે બસ ઊભી રાખી નીચે ઊતર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
આ સમયે બસને નિશાને લેવામાં આવી હતી. મૃતકોમાં બધાની ઉંમર 15 વર્ષથી નાની છે.
ઘાયલ થયેલા લોકોને હાલ હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
હૂતી બળવાખોરો દ્વારા સંચાલિત અલ મસિરાહ ટીવીમાં હુમલાનાં ભયાનક દૃશ્યો દર્શાવવામાં આવ્યાં હતાં.
જેમાં અનેક બાળકો સ્કૂલ ડ્રેસમાં છે અને કેટલાક મૃતદેહો પડેલા છે.
ટીવીનો દાવો છે કે કુલ 47 લોકોનાં મોત થયાં છે જ્યારે 77 લોકો ઘાયલ થયા છે.
શું છે હુમલાની પ્રતિક્રિયાઓ?
હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ખરેખર હવાઈ હુમલાનું નિશાન આ બસ જ હતી કે નહીં.
જોકે, સાઉદીના નેતૃત્વમાં હોથી બળવાખોરો સામે લડી રહેલા આ સંગઠનના કર્નલ તુર્કી-અલ-મલ્કીએ કહ્યું છે કે આ એક કાયદેસરની સૈન્ય કાર્યવાહી હતી.
તેમના કહેવા પ્રમાણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાના પાલનની સાથે જ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે.
હૂતી બળવાખોરોએ આ હુમલાને વખોડી કાઢ્યો છે અને નાગરિકો અને બાળકોને નિશાને લેવા પર સાઉદીના નેતૃત્વમાં થઈ રહેલા હુમલાની ટીકા કરી છે.
સેવ ધ ચિલ્ડ્રનના જણાવ્યા પ્રમાણે હુમલો ભયાનક હતો અને તેણે માગણી કરી છે કે નાગરિકો પર થઈ રહેલા હુમલાની સંપૂર્ણ, સ્વતંત્ર અને તાત્કાલિક તપાસ થવી જોઈએ.
યમનમાં યુદ્ધ કેમ ચાલી રહ્યું છે?
યમનમાં ચાલી રહેલા હાલના ભયાનક સંઘર્ષની શરૂઆત 2015માં થઈ હતી.
આ વર્ષે હૂતીઓએ પશ્ચિમ યમનના મોટા વિસ્તાર પર કબ્જો કરી લીધો હતો અને યમનના રાષ્ટ્રપતિ અબ્દ્રાબ્બુહ મંસૂર હાદીએ વિદેશ ભાગી જવું પડ્યું હતું.
કથિત રીતે એવું માનવામાં આવે છે કે હૂતી બળવાખોરોને ઈરાનનો સાથ છે.
જે બાદ યુએઈ, સાઉદી અરેબિયા અને અન્ય સાત દેશોએ ત્યારબાદ ફરીથી હૂતીના કબ્જાવાળા યમનમાં સરકારનું શાસન લાવવા માટે પ્રયત્નો આદર્યા.
જે બાદ યમનની સરકારને સમર્થન આપતા આ રાષ્ટ્રોએ હૂતીઓના કબ્જાવાળા પ્રદેશમાં હવાઈ હુમલા શરૂ કર્યા હતા.
યુનાઇટેડ નેશન્સના જણાવ્યા પ્રમાણે અત્યારસુધીમાં કુલ 10,000 લોકો માર્યાં ગયાં છે. જેમાં બે તૃતિયાંશ નાગરિકોનો સમાવેશ થાય છે. જ્યારે 55,000 લોકો આ યુદ્ધમાં ઘાયલ થયાં છે.
આ યુદ્ધથી કુલ 2.2 કરોડ લોકો પ્રભાવિત થયા છે અને લાખો લોકોને હાલ સહાયની જરૂરિયાત છે.
જેના કારણે વિશ્વની સૌથી મોટી ફૂટ કટોકટી ઊભી થઈ છે, લાખો લોકોને ખાવાનું મળી શકતું નથી.
હાલમાં જ થયેલા કોલેરાના રોગચાળાના કારણે લાખો લોકો તેનાથી અસરગ્રસ્ત થયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો