‘યુગાન્ડાના સૈનિકો ઘરમાં ઘૂસી મહિલાઓને ઉપાડી જતા’

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
- લેેખક, રવિ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
આજે યુગાન્ડાના ભૂતપૂર્વ તાનાશાહ ઈદી અમીને વર્ષ 1971માં આજના દિવસે રાષ્ટ્રપતિ મિલ્ટન ઑબ્ટેને હટાવીને સત્તાના સૂત્ર સંભાળ્યા હતા. અમીન વિશે અત્યારસુધીમાં એવી ઘણી બાબતો બહાર આવી છે જે તેમને નિષ્ઠુર અને ક્રૂર શાસક હોવાની સાબિતી આપે છે.
જ્યારે યુગાન્ડા અને ગુજરાતના સંબંધોની વાત કરવામાં આવે ત્યારે ઇતિહાસના પેટાળમાં દટાયેલી એ ઘટના ઊપસી આવે, જ્યારે ઈદી અમીનના કારણે ગુજરાતીઓ સહિત ઘણા ભારતીયોએ યુગાન્ડા છોડી ભાગવું પડ્યું હતું.
ગુજરાત અને આફ્રિકાનો સંબંધ ખૂબ જ જૂનો છે. હાલમાં જોઈએ તો મોટાભાગના આફ્રિકન દેશોમાં ગુજરાતીઓ મોટાપાયે વસવાટ કરે છે.
એટલું જ નહીં ગુજરાતના અમદાવાદમાં તો યુગાન્ડા નામે એક સોસાયટી પણ છે જ્યાં એ ગુજરાતી શરણાર્થીઓ રહે છે. જેમણે યુગાન્ડા છોડી હિજરત કરવાનો વારો આવ્યો હતો.
આ હિજરત બાદ અમૂક લોકો ગુજરાત આવ્યા તો અમુક યુરોપ, સહિત અન્ય દેશો તરફ વળ્યા હતા.

ગુજરાતની યુગાન્ડા સોસાયટી

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદની યુગાન્ડા કૉલોનીમાં રહેતા 72 વર્ષના ચીનુભાઈ ગજ્જરે બીબીસી સાથેની વાતચીતમાં સંઘર્ષની એ કથા સંભળાવી જ્યારે યુગાન્ડામાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી.
તેઓ કહે છે, "હું વર્ષ 1967 ટેક્સટાઇલ કંપનીમાં નોકરી કરવા માટે યુગાન્ડા ગયો હતો. ત્યારે પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી અને ત્યાંના સ્થાનિક લોકો પણ ખૂબ મિલનસાર હતા. અમારી સાથે ગુજરાતીઓ સહિત ઘણા એશિયનો કામ કરતા હતા."
"ત્યારે યુગાન્ડામાં મિલ્ટન ઑબોટેની સરકાર હતી, પરંતુ 1971ની શરૂઆતમાં ઈદી અમીને તેમની સરકાર ઉથલાવી સૈન્ય શાસન લાગુ કરી દીધું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ઈદી અમીન ખૂબ ક્રૂર હતો. તેણે એક વટહુકમ બહાર પાડ્યો જેમાં ફરમાન કરવામાં આવ્યું કે 3 મહિનાની અંદર યુગાન્ડામાંથી તમામ એશિયનોને ખદેડી દેવામાં આવે."
"ત્યારબાદ પરિસ્થિતિ વણસવાની શરૂ થઈ."

તમે આ વાંચ્યું કે નહીં?

'સફેદ ચામડીના લોકોને બહાર કાઢો'

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
અમદાવાદની યુગાન્ડા કૉલોનીમાં રહેતા 75 વર્ષના પ્રદ્યુમનભાઈ ભટ્ટે બીબીસીને જણાવ્યું:
"મારા પિતા વર્ષ 1964માં યુગાન્ડામાં ગયા હતા. ત્યાં તેઓ સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મારી ઉંમર દસ વર્ષની હતી, ત્યારે હું ત્યાં ગયો હતો."
"ઈદી અમીને સત્તા સંભાળ્યા બાદ એવું ફરમાન કર્યું કે યુગાન્ડામાંથી દરેક સફેદ ચામડીના લોકોને બહાર કાઢી મૂકવામાં આવે."
"ત્યારબાદ ચારેતરફ ડર અને હિંસાનું વાતાવરણ ઊભું થયું."
"ત્યાંના સૈનિકો લોકોના ઘરમાં ઘૂસી જતા અને તેમને જે પસંદ હોય તે લઈને જતા રહેતા હતા."
"એટલે સુધી કે તેઓ મહિલાઓને પણ ઉઠાવી જતા હતા. આ પરિસ્થિતિ જોઈને બીજા લોકોની જેમ અમે પણ સ્વદેશ પરત ફરવાનું વિચાર્યું."


'લોકો હજુ લાપતા છે'

ઇમેજ સ્રોત, Kaplit Bhachech
પ્રદ્યુમનભાઈએ કહ્યું હતું કે યુગાન્ડામાં સૈનિકો લોકોનાં ઘરોમાં ઘૂસી જતા હતા અને સોનું અને પૈસા લૂંટી લેતા હતા. એટલે સુધી કે તે અમુક લોકોને પણ ઉઠાવી જતા જેમનો પત્તો હજુ સુધી નથી લાગ્યો.
તેમણે ઉમેર્યું, "તાત્કાલિક ધોરણે યુગાન્ડા છોડવાના નિર્ણય બાદ અમે કેન્યા થઈને ભારત આવવાનો નિર્ણય કર્યો."
"જ્યારે અમે કેન્યા જતા હતા ત્યારે રસ્તામાં થોડાથોડા અંતરે અમને ચેક કરવામાં આવતા અને લૂંટી પણ લેવામાં આવતા હતા."
"આખરે અમે કેન્યાના મોમ્બાસા બંદર પહોંચ્યા જ્યાં એક ભારતીય જહાજ મારફતે સ્વદેશ આવવા મળ્યું."
પ્રદ્યુમનભાઈની વાત સાથે સહમત થતા ચિનુભાઈએ કહ્યું કે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી.
ચિનુભાઈ કહે છે, "અમે ટ્રેનમાં બાલીથી મોમ્બાસા ગયા. આખી ટ્રેનમાં નજર કરીએ ત્યાં માત્ર એશિયનો જ દેખાતા હતા જે હિજરત કરી રહ્યા હતા."
"જોકે, ટ્રેનમાં પણ લોકો સુરક્ષિત નહોતા કારણ કે સૈનિકો દ્વારા તેમને લૂંટી લેવામાં આવતા હતા."
"માંડમાંડ કરીને અમે મોમ્બાસા પહોંચ્યા જ્યાં સ્ટેટ ઑફ હરિયાણાના જહાજ મારફતે અમારી ભારત ફરવાની વ્યવસ્થા કરવામાં આવી."
"અમે જહાજમાં લગભગ 800 લોકો સવાર હતા અને થોડા દિવસો બાદ મુંબઈ બંદર પર પહોંચ્યા."


શા માટે બગડી હતી પરિસ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
સત્તાના સૂત્રો સંભાળતા જ અમીને આદેશ આપી દીધા કે દેશમાં જેટલા પણ એશિયન સમુદાયના લોકો રહે છે તેમણે વસ્તી ગણતરીમાં ફરજિયાત નામ નોંધાવવું પડશે.
એશિયોનોમાં સૌથી વધુ ભારતીયો અને ભારતીયોમાં પણ સૌથી વધુ ગુજરાતીઓનો સમાવેશ થતો હતો.
અમીને એવો આરોપ લગાવ્યો કે એશિયન સમુદાય લાંચ, ભ્રષ્ટાચાર, હવાલા કૌભાંડ, કરચોરી, દાણચોરી, દગાખોરીમાં લિપ્ત છે.
એશિયન સમુદાય અમીનના આ પગલા પાછળનું કારણ સમજે એ પહેલાં જ તેમણે યુગાન્ડાનું નાગરિકત્વ મેળવવા માટે કરાયેલી 12 હજાર અરજીઓ ફગાવી દીધી.
ઑબોટે બ્રિટિશ સરકાર સાથે કરેલી સમજૂતી અનુસાર આ 12 હજાર એશિયન સમુદાયના લોકોને બ્રિટન અને યુગાન્ડાનું બેવડું નાગરિકત્વ મળવાનું હતું.


અમદાવાદમાં યુગાન્ડા કૉલોનીની સ્થાપના

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
યુગાન્ડાથી ભાગેલા ગુજરાતીઓ મુંબઈ બંદર પર પહોંચ્યા ત્યારે તેમની પાસે આશરો નહોતો. આ દરેક નિરાશ્રિતોને સરકારે શરણાર્થી સ્વરૂપે સ્વીકાર્યા હતા.
આ અંગે પ્રદ્યુમનભાઈ કહે છે, "ગુજરાત આવ્યા બાદ અમારી પાસે રહેવા માટે કોઈ ઠેકાણું નહોતું."
"ત્યારે વિશ્વ ગુર્જરી સંસ્થાના કાર્યકર વિનોદ ચંદ્ર શાહે બધા નિરાશ્રિતોને રહેઠાણ માટે મદદ કરવાનું નક્કી કર્યું."
"એ સમયે ગુજરાતના નાણા પ્રધાન દિનેશ ચંદ્ર શાહ હતા તેમણે પણ આ અંગે રસ દાખવ્યો."
"વિનોદ શાહે એ સમયના મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશ્નર એસ. કે. ગંગોપાધ્યાયને ભલામણ કરી મણિનગરમાં સરકારી જમીન ફાળવી."
યુગાન્ડા કૉલોનીમાં રહેતા બળવંતભાઈ પટેલે કહ્યું કે વર્ષ 1973ની શરૂઆતમાં સરકારે અમદાવાદના મણિનગરમાં સોસાયટી બનાવવા માટે ફંડ જાહેર કર્યું.
ત્યારબાદ અહીં ઘર બનાવવાનું શરૂ થયું જે વર્ષ 1978માં બનીને તૈયાર થઈ ગયા.
આ સોસાયટીનું સાચું નામ દરિયાપાર વિશ્વ ગુર્જરી વસાહત કૉ-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે, પરંતુ તેને યુગાન્ડા કૉલોની અથવા યુગાન્ડા પાર્ક તરીકે જ ઓળખવામાં આવે છે.


કોણ હતા ઈદી અમીન?

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE/GETTY IMAGES
ઈદી અમીનની જન્મ તારીખ અંગે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ એવું મનાય છે કે તેમનો જન્મ વર્ષ 1925માં યુગાન્ડામાં થયો હતો.
અભ્યાસ બાદ વર્ષ 1946માં તેઓ બ્રિટિશ સરકારની કૉલોનિયલ આર્મીમાં જોડાયા. વર્ષ 1962માં યુગાન્ડા બ્રિટિશ હકૂમતમાંથી આઝાદ થયું.
ત્યારબાદ 1966ના વર્ષમાં તેઓ મિલ્ટન ઓબૉટે સરકારમાં આર્મીના વડા તરીકે નિયુક્તિ પામ્યા.
પાંચ વર્ષ બાદ તેમણે ઓબૉટેની સરકારને પાડી પોતે દેશના શાસક બની ગયા.
મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાને કારણે અમીનને પાંચ પત્નીઓ હતી. તેમણે પોતાના શાસનકાળમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા હતા.
એવું મનાય છે કે તેમના શાસનમાં લગભગ ચાર લાખ લોકોની હત્યા કરવામાં આવી હતી.
વર્ષ 1979માં તાન્ઝાનિયાના સૈન્ય દ્વારા તેમને યુગાન્ડાથી ખદેડી મૂકવામાં આવ્યા. આ બાદ અમીને લિબિયા અને સાઉદી અરેબિયામાં આશરો લીધો.
16 ઑગસ્ટ 2003ના રોજ અમીનનું સાઉદી અરેબિયાના જેદાહ ખાતે નિધન થયું હતું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













