રદેશ સિંઘ ટોની : ખૈબર પખ્તૂનખ્વાહના એકમાત્ર શીખ ઉમેદવાર

રદેશ સિંઘ ટોની
ઇમેજ કૅપ્શન, રદેશ સિંઘ ટોની
    • લેેખક, અઝીઝુલ્લાહ ખાન
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા, પેશાવર

પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતનાં પેશાવરમાં રદેશ સિંઘ ટોની એકમાત્ર શીખ ઉમેદવાર છે, જેની ગણના અહીં લઘુમતી સમુદાયમાં થાય છે.

રદેશ સિંઘ જનરલ સીટ પર અન્ય રાજકીય પક્ષોના કદાવર ઉમેદવારો સામે મેદાનમાં ટક્કર ઝીલી રહ્યા છે.

રદેશ સિંઘ ટોનીનું કહેવું છે કે આ હરીફાઈ મુશ્કેલ છે. એમને ભયની સાથે આશા પણ છે કે લોકો તેમને જરૂર મત આપશે.

તેઓ પેશાવરની ઍસેમ્બલી સીટ નંબર 75 પરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ મતદારોના ઘરે-ઘરે જઈને વોટ માગી રહ્યા છે.

વાતચીત દરમ્યાન તેમને જણાવ્યું હતું કે અત્યારે તો તેઓ તેમના દીકરા સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, પણ એમનું કહેવું છે કે આ વિસ્તારના લોકો એમનું સમર્થન કરી રહ્યા છે.

સમગ્ર પાકિસ્તાનમાં ખૈબર પખ્તૂનવાની ગણતરી હિંસક વિસ્તાર તરીકે થાય છે.

શુક્રવારે અહીં ચૂંટણી રેલીઓમાં વિસ્ફોટ થયાં હતાં, જેમાં 128 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા.

line

જનરલ સીટ પર લઘુમતી કોમના ઉમેદવાર

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

થોડાંક ગભરાયેલા રદેશ સિંઘ જણાવે છે કે થોડાક સમય પહેલાં અહીં એક શીખની હત્યા કરી દેવામાં આવી હતી.

તેમ છતાં એમનો વિશ્વાસ ઘટ્યો નથી અને તેમને ખાતરી છે કે તેઓ જીતશે.

રદેશ સિંઘનું કહેવું છે કે આ ક્ષેત્રના મુસલમાન અને બીજા ધર્મના મતદારો એમની સફળતા માટે મહેનત કરી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રદેશ શિંઘ સંબંધ લઘુમતી સમુદાયના છે, છતાં તેઓ જનરલ સીટ પરથી ચૂંટણી લડે છે.

એમનું કહેવું છે કે વર્ષ 2003 બાદ લઘુમતી કોમ માટે અલગ ચૂંટણીની વ્યવસ્થા સમાપ્ત કરી દેવાયા બાદ જનરલ સીટ પર કોઈ લઘુમતી કોમનો ઉમેદવાર ઊભો રહ્યો નહોતો.

line

રદેશ પીટીઆઈમાં હતા

રદેશ સિંઘ ટોની

રદેશ સિંહ પહેલા નગર પાલિકાની ચૂંટણીમાં લઘુમતી માટેની અનામત સીટ પર કૉર્પોરેટર તરીકે ચૂંટાયા હતા, પણ આ ચૂંટણીમાં ભાગ લેવા માટે એમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

49 વર્ષનાં રદેશ સિંઘ ત્રણ દીકરાના પિતા છે અને વર્ષ 2011 સુધી ઇમરાન ખાનના પક્ષ 'પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ' (પીટીઆઈ)ના લઘુમતી વિંગના નેતા હતા.

તેઓ જણાવે છે કે 2011 પછી પીટીઆઈમાં અમીર લોકોને પ્રાથમિકતા અપાવા લાગી અને એમના જેવા લોકોનું પક્ષમાં કોઈ સ્થાન રહ્યું નહીં.

એમણે પશ્તૂનોના આંદોલનનું સમર્થન પણ કર્યું હતું, પણ હવે તેઓ એ સંગઠનના સભ્ય નથી, કારણ કે ચૂંટણી લડવાના નિર્ણયથી તેમને પશ્તૂનોના આંદોલનમાંથી બહાર કાઢી મૂકાયા છે.

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું એમને રાજકીય પક્ષોનો કોઈ સંપર્ક કર્યો છે?

તો એમણે કહ્યું હતું કે 'મજૂર કિસાન પાર્ટી' અને બીજી એક-બે નાની મોટી કોમના લોકોએ સમર્થનની ઘોષણા કરી છે.

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, Reuters

'મજૂર કિસાન પાર્ટી'ના પ્રમુખ મોહમ્મદ નજીફે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે રદેશ સિંહે ચૂંટણીમાં ભાગ લીધો તે પેશાવરની જનતા માટે ગૌરવની વાત છે.

એમણે જણાવ્યું કે રદેશ સિંઘ ચૂંટણી જંગમાં હોવાથી દુનિયાભરમાં પેશાવરની સારી છાપ પડશે.

એમના જણાવ્યા અનુસાર, દુનિયાને ખબર પડશે કે પશ્તૂનોમાં દરેક ધર્મના લોકોને તક આપવાની પ્રથા છે.

એમણે જણાવ્યું કે જનરલ સીટ પર લઘુમતી કોમના લોકોએ પણ ચૂંટણી લડવી જોઈએ.

રદેશ સિંઘ ટોનીને અન્ય લઘુમતી કોમના લોકોએ સમર્થનની ખાતરી આપી છે, જો કે એમનો પ્રયાસ બહુમતી કોમનો વિશ્વાસ જીતવાનો પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો