હેટ્રિક ગોલ કરનાર ફૂટબૉલર રોનાલ્ડો જેલ જતા જતા બચ્યા

રોનાલ્ડો

ઇમેજ સ્રોત, Reuters

ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં સ્પેન સામે ગોલની હેટ્રિક કરનાર સ્ટાર ફૂટબૉલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેલ જતા જતા બચી ગયા છે.

રોનાલ્ડોને એક કરચોરીના મામલામાં જેલની સજા થઈ હતી. જેના બદલે તેમણે દંડ ભરીને જેલની સજામાંથી મુક્તિ મેળવી છે.

રોનાલ્ડોએ કરચોરીના કેસમાં જેલની સજા ભોગવવાના બદલે 1.49 અબજ રૂપિયાનો દંડ ભર્યો છે.

ધી રિયલ મેડ્રિડ અને પૉર્ટુગલ માટે રમતા આ 33 વર્ષીય ફૂટબૉલર પર ગયા વર્ષે 1.17 અબજ રૂપિયા જેટલો કર ન ભર્યો હોવાનો આરોપ હતો.

કરચોરીના આ મામલામાં સ્પેનની કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇલ મુન્ડો અખબારે તેમના રિપોર્ટમાં લખ્યું છે કે, રોનાલ્ડોએ 1.11 અબજ રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી પણ સરકારે તેમનો આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.

વર્લ્ડ કપમાં સ્પેન વિરુદ્ધની મેચમાં હેટ્રિક ગોલ કર્યા એ વખતે જ આ સમાચાર આવ્યા હતા.

સ્પેનની અદાલતોએ કરચોરી અંગે ફૂટબૉલરો પર કડક વલણ અપનાવ્યું છે.

રોનાલ્ડો

ઇમેજ સ્રોત, EPA

મળતા અહેવાલો પ્રમાણે રોનાલ્ડોને કરચોરી મામલે ગમે ત્યારે કેદની સજા થાય એમ હતું.

સ્પેનના કાયદા અંતર્ગત પહેલી વખત ગુનો કરવા બદલ બે વર્ષની કેદ થઈ શકે છે.

2011 થી 2014 દરમિયાનના ઇમેજ રાઇટ્સના નાણાં છુપાવવા બદલ સ્પેનની ટૅક્સ એજન્સી ફૂટબૉલરને આરોપી ગણે છે.

જોકે, રોનાલ્ડોએ આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને તેમની એજન્સીએ આ રિપોર્ટ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

ઘણા લોકોનું માનવું છે કે એવા સમયે આ સમાચાર આવ્યા છે કે જેનાથી કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે.

રશિયાના ફિશ્ટ ઑલિમ્પિક સ્ટેડિયમ ખાતે સ્પેન સામેની વર્લ્ડ કપ મેચમાં રોનાલ્ડો પોર્ટુગલ તરફથી રમવાના હતા તેના થોડાક કલાકો પહેલાં જ આ સમાચાર આવ્યા હતા.

પણ તેની રોનાલ્ડોની રમત પર કોઈ અસર થઈ નહોતી, તેમને મેચમાં ત્રણ ગોલ કર્યા અને મેચનું પરિણામ 3-3 આવ્યું હતું.

2010માં આર્થિક મંદીના કારણે સ્પેને કરમુક્તિ હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો.

જે 'બૅકહમ લૉ' તરીકે પ્રચલિત હતો. જેની અસર ફૂટબૉલરોના ટૅક્સ પર પણ થઈ હતી.

2017માં બાર્સેલોનાના લિયોનલ મેસ્સીને પણ રોનાલ્ડોની જેમ જ કરચોરીના આરોપ હેઠળ 21 મહિનાની કેદની સજા કરાઈ હતી.

મેસ્સીને પણ સ્પેનના કાયદા પ્રમાણે કેદની સજા બદલે દંડ ભરવાની છૂટ મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો