'મોદી કલાકો સુધી પોતાનાં ગુણગાન કરે છે, અંતમાં પોતાને ફકીર ગણાવે છે'

ઇમેજ સ્રોત, TWITTER/BJP4DELHI
- લેેખક, પરવેઝ આલમ
- પદ, વરિષ્ઠ પત્રકાર, લંડનથી બીબીસી ગુજરાતી માટે
વડાપ્રધાન મોદી કમાલના શો મેન છે. બ્રિટનની રાજધાની લંડનમાં વેસ્ટમિનિસ્ટરના સેન્ટ્રલ હૉલમાં 'ભારત કી બાત, સબકે સાથ' કાર્યક્રમમાં બે કલાક વીસ મિનિટ સુધી તેમણે કમાલનાં લેખાં-જોખાં રજૂ કર્યાં.
એવું લાગી રહ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ સ્ક્રિપ્ટેડ હતો.
શોમાં દરેક બાબત, ક્યાં શું આવશે, કયો સવાલ થશે, તેઓ શું જવાબ આપશે એ પહેલાંથી જ નક્કી હોય તેવું લાગી રહ્યું હતું.
કોઈપણ સમજદાર વ્યક્તિ તેનો અંદાજ લગાવી શકતી હતી.
શોમાં તેમનું ઇન્ટરવ્યૂ ગીતકાર પ્રસૂન જોશી લઈ રહ્યા હતા. તેમણે પણ કમાલની ભૂમિકા નિભાવી. એવા સવાલો પૂછયા કે વડાપ્રધાન મોદી ગદગદ થઈ ગયા.
શોમાં વડાપ્રધાન મોદીએ પોતાનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું. તેમાં અનેક વાતોનો ઉલ્લેખ કર્યો હતો.
ખાસ કરીને તેમણે પાકિસ્તાન વિશે એવી વાતો કહી જે પહેલીવાર આપણે સાંભળવા મળી હતી.

ઇમેજ સ્રોત, TWITTER/BJP4DELHI
તેમની વાતોમાં ચૂંટણીની તૈયારીની ઝલક મળી રહી હતી. તેમણે કર્ણાટકના લિંગાયત દાર્શનિક બસવેશ્વરજીનો પણ ઉલ્લેખ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ મૂર્તિની પાસે પણ ગયા. આવતા થોડા સમયમાં જ કર્ણાટકમાં ચૂંટણીઓ યોજાવાની છે.
વડાપ્રધાન મોદી માચો મેનની જેમ વાત કરે છે. જેવી રીતે ફિલ્મોમાં સલમાન ખાન દબંગની જેમ વાત કરે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
શો દરમિયાન તેમણે એવી ઘણી વાતો કરી જેનાથી લાગ્યું કે તેમણે શું કમાલનું કામ કર્યું છે.
એક તરફ ટીકાકારો કહે છે કે પાકિસ્તાન સામે ભારત હાલ જેટલું કમજોર થયું છે એટલું પહેલાં ક્યારેય ન હતું.
દેશમાં આતંકવાદ વધી રહ્યો છે, કશ્મીરમાં હિંસા વધી રહી છે. કથિત સર્જિકલ સ્ટ્રાઇક પહેલાં અને બાદમાં ઘણી એવી ઘટનાઓ બની હતી. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાની વાતો એવી રીતે રજૂ કરી જાણે પાકિસ્તાન ભારત આગળ ઘૂંટણીયે પડી ગયું હોય.

પોતાના દરેક કામને અનોખું બતાવનારા વડાપ્રધાન

ઇમેજ સ્રોત, TWITTER/BJP4DELHI
દેશમાં બળાત્કારની ઘટનાઓ બાદ તેમણે પોતાનું મૌન તોડ્યું પરંતુ કેટલાક સમય બાદ.
વડાપ્રધાન મોદી નાની બાબતો પર તુરંત ટ્વીટ કરે છે પરંતુ દેશમાં ખળભળાટ મચાવી દેનારી બળાત્કારની ઘટનાઓ પર ઘણા દિવસો સુધી તેમણે કંઈ ના કહ્યું.
એ ખૂબ જ રસપ્રદ બાબત છે કે મોદી દરેક કામને પહેલીવાર કરવામાં આવ્યું હોય તેવી રીતે રજૂ કરે છે. અરબ અને ઇઝરાયલ યાત્રાનો તેમણે ખૂબ પ્રચાર કર્યો હતો.
તેઓ વાતોને ખૂબ જ ઉતાર-ચઢાવ સાથે પ્રભાવશાળી ઢંગથી કહે છે. તેમના મોટા ટીકાકારો પણ તેમની વાતોને જરૂર સાંભળે છે.
આટલી બેફિકરાઈથી ભાગ્યે જ કોઈ વડાપ્રધાને પોતાનાં વખાણ અને દરેક કામને અનોખું બતાવ્યું હશે. લંડનના શોમાં બધા સવાલો તેમની પ્રશંસાના હતા.
જે લોકો સવાલ કરી રહ્યા હતા તેઓ પણ પહેલાંથી જ નક્કી હોય તેવું લાગતું હતું. દરેક લોકો તેમનાં વખાણ કરી રહ્યા હતા, જ્યારે બહાર તેમની વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં હતાં.

'પોતાનું નામ સૈંકડો વખત લે છે'

ઇમેજ સ્રોત, REUTERS
સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેમની છબી બનાવવામાં આવી. એ આશ્ચર્યની વાત છે કે તે કલાકો સુધી પોતાના વિશે વાત કરે છે.
એ પણ ચોંકાવનારી વાત છે કે પોતાને થર્ડ પર્સન તરીકે રાખીને વાત કરે છે.
પોતાનું નામ સૈંકડો વખત લે છે. પોતાનાં જ ગુણગાન ગાય છે અને અંતમાં કહે છે કે તેઓ એક સામાન્ય માણસ છે, ચાવાળા છે અને તેમના વિચાર ફકીરી છે.
સવાલ ઉઠે છે કે જો તેઓ સામાન્ય માણસ છે તો પોતાના ગુણગાન કલાકો સુધી કેવી રીતે કરે છે?
જેટલા તેમના સમર્થકો કાર્યક્રમ દરમિયાન હાજર હતા, તેનાથી ઘણા વધારે તેમના વિરોધમાં પણ હતા. વિરોધમાં મહિલાઓ પણ સામેલ હતી. તેમણે બળાત્કારની ઘટનાઓ સામે શાંતિપૂર્ણ પ્રદર્શન પણ કર્યાં.
દેશમાં થયેલી બળાત્કાર જેવી જઘન્ય ઘટનાઓ પર બોલવા માટે તેઓ લંડનની જમીન પસંદ કરે છે. તેઓ એમ પણ કહે છે કે જે પણ કર્યું તેમણે જ કર્યું છે, આ પહેલાં કંઈ થયું જ ન હતું.
તેઓ વિદેશમાં દેશની છબી નિર્માણ કરવાનો દાવો કરે છે પરંતુ સત્ય એ છે કે આ પ્રકારની વાતોથી દેશની છબી બગડી રહી છે.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















