અમેરિકા: તું જા અને હું આવું જેવી સ્થિતિ, ટ્રમ્પે વધુ એક હોદ્દેદારની હકાલપટ્ટી કરી!

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાંથી એક બાદ એક હોદ્દેદારો પોતાનું પદ છોડી રહ્યા છે અથવા તેમને કાઢવામાં આવી રહ્યા છે.
હવે ટ્રમ્પની ટીમમાંથી વિદાય લેનારામાં વધુ એક નામ જોડાઈ ગયું છે અને તે છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચ આર મેકમાસ્ટર.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમની જગ્યાએ જ્હોન બોલ્ટનની નિમણુક કરી છે. જ્હોન જ્યોર્જ ડબલ્યુ બુશના સમયમાં સરંક્ષણ નિષ્ણાંત તરીકે કામ કરી ચૂક્યા છે.
ત્યારે આવો નજર કરીએ કે અત્યાર સુધી ટ્રમ્પની ટીમમાંથી કયા કયા લોકો છોડી ગયા છે અથવા તો તેમને કાઢી મૂકવામાં આવ્યા છે.

એચઆર મેકમાસ્ટટર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

ઇમેજ સ્રોત, Reuters
યૂએસ આર્મીના લેફ્ટનન્ટ જનરલ મેકમાસ્ટર ટ્રમ્પની ટીમ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જોડાયા હતા.
આ પહેલાં તેમણે ઇરાક અને અફઘાનિસ્તાનમાં પોતાની સેવાઓ આપી હતી. ત્યાં તેમણે સરકારના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનમાં પણ પોતાની સેવાઓ આપી હતી.
ટાઇમ મેગેઝિને તેમને વિશ્વના 100 પ્રભાવક લોકોમાં સ્થાન આપ્યું હતું.
કથિત રીતે ટ્રમ્પને તેમનો કઠોર અને મોટાઈવાળો સ્વભાવ પસંદ ન હોવાને લીધે તેમને વ્હાઇટ હાઉસમાંથી વિદાય લેવી પડી હોવાનું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના પોતાના 13 મહિનાના કાર્યકાળ દરમિયાન જ તેમને 22 માર્ચ 2018ના રોજ વિદાય લેવાનો વારો આવ્યો છે.

રેક્સ ટિલરસન, સેક્રેટરી ઓફ સ્ટેટ

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિદેશમંત્રી રેક્સ ટિલરસનને જ 13 માર્ચ 2018ના રોજ બરતરફ કરી દીધા હતા.
ટ્રમ્પે ટ્વીટ દ્વારા જાહેરાત કરતાં કહ્યું કે રેક્સ ટિલરસનની જગ્યા હવે સીઆઈએના ડિરેક્ટર માઇક પૉમ્પિયો લેશે.
ટ્રમ્પે રેક્સ ટિલરસનનો તેમની સેવા આપવા બદલ આભાર પણ માન્યો હતો.
માનવામાં આવે છે કે ટિલરસન ટ્રમ્પની અનેક નીતિઓની વિરુદ્ધમાં હતા. તેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લગાવવામાં આવેલા ટેક્સનો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પ પ્રશાસન સાથે માત્ર 14 મહિનાના કાર્યકાળ દરમિયાન તેમને વ્હાઇટ હાઉસનો બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો.

ગેરી કોહન- મુખ્ય આર્થિક સલાહકાર

ઇમેજ સ્રોત, Getty Images
ગેરી કોહન વ્હાઇટ હાઉસના મંત્રી બન્યા પહેલાં ગોલ્ડમેન સેક્સના અધ્યક્ષની ભૂમિકા ભજવી ચૂક્યા છે. જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ટ્રમ્પે તેમને મુખ્ય આર્થિક સલાહકારનું પદ સોંપ્યું હતું.
પરંતુ હાલ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેક્સ વધારવાની જાહેરાત કરી. જેના કારણે ગેરી કોહને ટ્રમ્પ સરકાર છોડવાનો નિર્ણય કર્યો છે એવું જાણવા મળ્યું છે.
ગેરી કોહને 6 માર્ચ 2018ના રોજ રાજીનામું આપી દીધું હતું. ટ્રમ્પ સરકારમાં તેમણે 14 મહિના સુધી કામ કર્યું છે.

હોપ હિક્સ- કમ્યુનિકેશન ડાયરેક્ટર, વ્હાઇટ હાઉસ

ઇમેજ સ્રોત, Reuters
ઘણાં વર્ષથી ટ્રમ્પ સાથે કામ કરતાં હોપ હિક્સે 28 ફેબ્રુઆરી 2018ના રોજ પોતાનું રાજીનામું આપી દીધું હતું.
હોપ હિક્સ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી વિશ્વાસપાત્ર અને વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન ડાયરેક્ટર હતાં.
હાલ જ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટીવની ઇન્ટેલિજન્સ કમિટીએ હોપ હિક્સની પૂછપરછ કરી હતી. વ્હાઇટ હાઉસે આ પૂછપરછના આગામી દિવસે જ હોપ હિક્સનાં રાજીનામાં અંગે માહિતી આપી હતી.
હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટીવની ઇન્ટેલિજન્સ કમિટી વર્ષ 2016માં અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રશિયાની દખલગીરી અંગે તપાસ કરી રહી છે.
હોપ હિક્સે ટ્રમ્પની કંપની સાથે છ વર્ષથી જોડાયેલાં હતાં. સાથે જ ટ્રમ્પના ચૂંટણી અભિયાનથી માંડીને તેમના કાર્યકાળ દરમિયાન ત્રણ વર્ષ સુધી હોપ હિક્સે તેમની સાથે કામ કર્યું છે.

રોબ પોર્ટર, વ્હાઇટ હાઉસ સ્ટાફ સેક્રેટરી

ઇમેજ સ્રોત, Reuters
રોબ પોર્ટરને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 'રાઇટ હેન્ડ' માનવામાં આવતા હતા. તેમણે 8 ફેબ્રુઆરી 2018ના રોજ પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
પોર્ટર પર તેમની બે પૂર્વ પત્નીઓએ શારીરિક અને માનસિક શોષણના આરોપ લગાવ્યા બાદ તેમણે પોતાનું રાજીનામું આપ્યું હતું.
તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સાથે તેમણે એક વર્ષ સુધી કામ કર્યું હતું.

એન્ડ્ર્યુ મૅકકેબ, FBI ડેપ્યુટી ડાયરેક્ટર

ઇમેજ સ્રોત, Reuters
FBIના ડેપ્યૂટી ડાયરેક્ટરના પદ પરથી એન્ડ્રયૂ મૅકકેબે 29 જાન્યુઆરી 2018ના રોજ રાજીનામું આપ્યું હતું.
માર્ચ મહિનામાં તેમની નિવૃત્તિ પહેલા ટ્રમ્પ સરકારે તેમને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા હતા.
સમાચાર હતા કે ટ્રમ્પ તેમને તેમના પદ પરથી હટાવવા માગે છે. આ સમાચારના એક અઠવાડિયા બાદ જ એન્ડ્ર્યૂ મૅકકેબે રાજીનામું આપી દીધું હતું.
તેમણે FBIના ડેપ્યુટી ડાયરેક્ટરનું પદ બે વર્ષ સુધી સંભાળ્યું હતું. જેમાં એક વર્ષ સુધી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર સાથે કામ કર્યું હતું.

ટોમ પ્રાઇસ, હેલ્થ સેક્રેટરી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી ટોમ પ્રાઇસે પોતાના પદ પરથી 29 સપ્ટેમ્બર 2017ના રોજ રાજીનામું આપ્યું હતું.
ટોમ પ્રાઇસ પર ઔપચારિક યાત્રાઓ પર મોંઘા ખાનગી વિમાનનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો.
તેમણે મે મહિનાથી સપ્ટેમ્બર વચ્ચે માત્ર ફ્લાઇટ પર 1 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ ન હતા.
સ્વાસ્થ્ય મંત્રી બન્યા પહેલા ટોમ પ્રાઇસ જ્યોર્જિયાના રિપબ્લિકન સાંસદ હતા.
સ્વાસ્થ્ય મંત્રી તરીકે પ્રાઇસ ટ્રમ્પના 'ઓબામાકેર' ને રદ્દ કરવાના લક્ષ્યને પણ પાર પાડવામાં નિષ્ફળ સાબિત થયા હતા.

સ્ટીવ બેનન, મુખ્ય રણનીતિકાર

ઇમેજ સ્રોત, AFP
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય રણનીતિકાર સ્ટીવ બેનને પોતાની ખુરસી 18 ઑગસ્ટ 2017ના રોજ છોડી હતી.
બેનન વિશે કહેવામાં આવ્યું હતું કે તેઓ એક દક્ષિણપંથી રાષ્ટ્રવાદી છે પરંતુ અમેરિકી મીડિયાના આધારે તેઓ પોતાના પ્રતિદ્વંદ્વી સલાહકારો અને ટ્રમ્પ પરિવારને પ્રભાવિત કરી શક્યા ન હતા.
બેનન વિશે કહેવામાં આવે છે કે ટ્રમ્પ માટે ચૂંટણી પ્રચારની રણનીતિ બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.

એન્થની સ્કૈમુચ્ચી, કમ્યુનિકેશન ડાયરેક્ટર

ઇમેજ સ્રોત, Getty Images
એન્થની સ્કૈમુચ્ચીને માત્ર 10 દિવસના કાર્યકાળ બાદ 31 જુલાઈ 2017ના રોજ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
સ્કૈમુચ્ચીએ પૂર્વ વ્હાઇટ હાઉસ સલાહકારો વિરુદ્ધ તીખી ટિપ્પણી કરી હતી જ્યારબાદ તેમણે પોતાની ખુરશી ગુમાવવી પડી હતી.

રીન્સ પ્રીબસ, ચીફ ઑફ સ્ટાફ

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રીન્સ પ્રીબસને 28 જુલાઇ 2017ના રોજ તેમના પદ પરથી હટાવ્યા હતા.
માનવામાં આવે છે કે પ્રીબસની વિદાઈ વ્હાઇટ હાઉસના કમ્યુનિકેશન ડાયરેક્ટર એન્થની સ્કૈમુચ્ચી સાથે તેમના સંબંધ ખરાબ થવાના કારણે થઈ હતી.
સ્કૈમુચ્ચીએ કથિત રૂપે પ્રીબસને તેમના પદ પરથી હટાવવા સોગંધ લીધા હતા જ્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું.
પ્રીબસે ટ્રમ્પ સરકારમાં 6 મહિના કામ કર્યું હતું.

સીન સ્પાઇસર, પ્રેસ સેક્રેટરી

ઇમેજ સ્રોત, AFP
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સીન સ્પાઇસરે 21 જુલાઇ 2017ના રોજ રાજીનામું આપ્યું હતું.
સ્પાઇસરે એન્થની સ્કેમુચ્ચીને કમ્યુનિકેશન ડાયરેક્ટર પર નિયુક્ત કર્યા બાદ રાજીનામું આપ્યું હતું કેમ કે તેઓ ટ્રમ્પના આ નિર્ણયથી અસહમત હતા.
તેઓ ટ્રમ્પના આ નિર્ણયને મોટી ભૂલ તરીકે જોઈ રહ્યા હતા.
સીન સ્પાઇસરે ટ્રમ્પ સરકારમાં છ મહિના સુધી કામ કર્યું હતું.

જેમ્સ કોમી, FBI ડાયરેક્ટર

ઇમેજ સ્રોત, Getty Images
FBI ડાયરેક્ટરનું પદ સંભાળી ચૂકેલા જેમ્સ કોમીએ 9 મે 2017ના રોજ પોતાનું પદ છોડવું પડ્યું હતું.
વ્હાઇટ હાઉસે કહ્યું હકું કે જેમ્સ કોમીને એટર્ની જનરલ ઝેફ સેશન્સની અરજી પર પદ પરથી હટાવવામાં આવ્યા છે.
જેમ્સ કોમી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પના ચૂંટણી પ્રચારના રશિયા સાથે કથિત સંબંધ અંગે તપાસમાં આગેવાની કરી રહ્યા હતા.
ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો હતો જ્યારે જેમ્સ કોમીએ અમેરિકી કોંગ્રેસને હિલેરી ક્લિન્ટનના ઈ-મેઇલ વિશે ખોટી જાણકારી આપી હતી.
આમ તો જેમ્સ કોમીએ FBI ડાયરેક્ટર તરીકે 3 વર્ષ અને 8 મહિના સુધી કામ કર્યું હતું. પણ ટ્રમ્પ સરકારમાં તેમણે ચાર મહિના કરતા પણ ઓછું કામ કર્યું હતું.

માઇકલ ફ્લિન, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર

ઇમેજ સ્રોત, Reuters
નેશનલ સિક્યોરિટી એડવાઇઝર રહી ચૂકેલા માઇકલ ફ્લિને માત્ર 23 દિવસના કાર્યકાળ બાદ ટ્રમ્પ સરકારમાંથી 14 ફેબ્રુઆરી 2017ના રોજ રાજીનામું આપી દીધું હતું.
ટ્રમ્પ સરકારે ફ્લિન પર ઉપ રાષ્ટ્રપતિ તેમજ વ્હાઇટ હાઉસના બીજા ઉચ્ચ અધિકારીઓને જણાવ્યા વગર રશિયાના રાજદૂત સાથે વાત કરવાનો આરોપ લગાવ્યો હતો.
ત્યારબાદ વિવાદ વધતા ફ્લિને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
માઇકલ ફ્લિને એ વાતનો સ્વીકાર કર્યો હતો કે રશિયાના રાજદૂત સાથે તેમની ફોન પર વાતચીત થઈ હતી જેના વિશે તેમણે ઉપ રાષ્ટ્રપતિ માઇક પેન્સ અને અન્ય મોટા અધિકારીઓને અધૂરી જાણકારી આપી હતી.

સેલી યેટ્સ, કાર્યકારી એટોર્ની જનરલ

ઇમેજ સ્રોત, Reuters
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કાર્યકારી આદેશોની નિંદા કરનારા કાર્યકારી અટોર્ની જનરલ સેલી યેટ્સને 31 જાન્યુઆરી 2017ના રોજ બરતરફ કર્યા હતા.
યેટ્સે કહ્યું હતું કે તેમને પ્રવાસીઓ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકારી આદેશને જોઈને લાગતું નથી કે તે નિયમો અંતર્ગત છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે મુસ્લિમ આબાદી ધરાવતા સાત દેશોના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવ્યો હતો.
સેલી યેટ્સે માત્ર 10 દિવસ ટ્રમ્પ સરકારમાં કામ કર્યું હતું.

પ્રીત ભરારા, ન્યૂયોર્ક ફેડરલ પ્રોસિક્યૂટર

ઇમેજ સ્રોત, EPA
ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ માટે જાણીતા અને ભારતમાં જન્મેલા શીર્ષ અમેરિકી પ્રોસિક્યૂટર પ્રીત ભરારાને ટ્રમ્પ સરકારે 11 માર્ચ 2017ના રોજ બરતરફ કર્યા હતા.
ભરારાએ બરાક ઓબામા પ્રશાસન દરમિયાન નિયૂક્ત 46 વકીલોનાં રાજીનામાના ટ્રમ્પ સરકારના આદેશને માનવાથી ઇનકાર કરી દીધો હતો, જ્યારબાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું.
પ્રીત ભરારાએ અમેરિકામાં ન્યૂયોર્ક ફેડરલ પ્રોસિક્યૂટર તરીકે સાત વર્ષ, સાત મહિના સુધી કામ કર્યું હતું. પણ ટ્રમ્પ સરકાર સાથે તેઓ કુલ બે મહિના પણ કામ કરી શક્યા ન હતા.

પૉલ મેનફોર્ટ, ટ્રમ્પ કેમ્પેઇન મેનેજર

ઇમેજ સ્રોત, Getty Images
પૉલ મેનફોર્ટને 19 ઓગસ્ટ 2016ના રોજ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પણ બન્યા ન હતા.
તેઓ ટ્રમ્પના ચૂંટણી અભિયાન સાથે 3 મહિનાથી જોડાયેલા હતા.
પૉલ મેનફોર્ટને બરતરફ કરવાનું ટ્રમ્પની ચૂંટણી અભિયાન ટીમ તરફથી કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














