ટ્રમ્પ : ચૂંટણીઓમાં દખલના આરોપોથી અપમાનિત અનુભવે છે પુટિન

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે એપેક સંમેલન દરમ્યાન 'સારી ચર્ચાઓ' થઈ હતી.
સાથે જ ઉમેર્યું કે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાની દખલગીરીના આક્ષેપથી પુટિને અપમાનની લાગણી અનુભવી હતી.
વિયેતનામમાં યોજાયેલા એશિયા-પ્રશાંત સંમેલનમાં હાજરી આપવા આવેલા ટ્રમ્પ અને પુટિન વચ્ચે મુલાકાત યોજાઈ હતી.
એ મુલાકાત બાદ ટ્રમ્પે પુટિન વિશે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.
ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, ''તમે ઘણીવાર પૂછી ચૂક્યા છો..તેઓ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે અમારી ચૂંટણીમાં તેમનો કોઈ હસ્તક્ષેપ ન હતો.''
પુટિને રાજકીય સંઘર્ષના આક્ષેપોને પણ નકારી કાઢ્યા હતા.

કાયદા મંત્રાલયની તપાસ

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાનું કાયદા મંત્રાલય પ્રમુખપદની ચૂંટણી દરમ્યાન રશિયન હસ્તક્ષેપના આક્ષેપોની તપાસ કરી રહ્યું છે.
રશિયાએ ડોનલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે ચૂંટણી અભિયાનમાં મદદ કરી હોવાનો આરોપ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પના ભૂતપૂર્વ સહયોગીઓનાં નામ આ તપાસમાં પહેલાં જ આવી ચૂક્યાં છે.
ટ્રમ્પના ભૂતપૂર્વ પ્રચાર સલાહકાર જોર્જ પાપાડોપલસે તેમની રશિયાની મુલાકાતો બાબતે એફબીઆઈ સમક્ષ ખોટું બોલ્યાની વાત અગાઉ જ કબૂલી લીધી હતી.
ટ્રમ્પના ભૂતપૂર્વ પ્રચાર મેનેજર પોલ મેનફોર્ટ અને એક સહયોગીની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
એ બન્ને સામે પણ પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપ બાબતે તપાસ ચાલી રહી છે.

પુટિન સાથે બે-ત્રણ મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે પુટિન સાથે તેમની બે-ત્રણ મુલાકાત એશિયા-પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશન સંમેલન દરમ્યાન થઈ હતી.
ટ્રમ્પે કહ્યું હતું, ''અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પોતે કોઈ હસ્તક્ષેપ ન કર્યો હોવાનું પુટિને મને કહ્યું હતું.
મેં તેમને આ બાબતે ફરીવાર પણ પૂછ્યું હતું.''
હાનોઈ પહોંચ્યા બાદ એરફોર્સ વન પ્લેનમાં ડોનલ્ડ ટ્રમ્પે આ વાતો પત્રકારોને જણાવી હતી.
ટ્રમ્પે કહ્યું હતું, ''એ આરોપો વડે પોતાને અપમાનીત કરવામાં આવ્યા હોય એવું પુટિન અનુભવે છે. એ બાબત આપણા દેશ માટે સારી નથી.''

પુટિને આક્ષેપો ફગાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
પોતાના પરના આક્ષેપોને ફગાવતાં પુટિને જણાવ્યું હતું કે અમેરિકામાં ચાલી રહેલા રાજકીય સંઘર્ષને કારણે આવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
આ શિખર સંમેલનમાં ટ્રમ્પ અને પુટિન વચ્ચે દ્વિપક્ષી મુલાકાતની શક્યતા હોવાનું અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું.
પુટિને જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ સાથે લાંબો સમય વાત ન કરી શકવાનો તેમને રંજ છે.
તેમના જણાવ્યા અનુસાર, રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધમાં હવે કોઈ મુશ્કેલી નથી.

એકમેકના વખાણ
બન્ને નેતાઓએ એકમેકનાં વખાણ કર્યાં હતાં.
ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું, ''અમે એકમેક પ્રત્યે સારી ભાવના અનુભવી છે.
અમે એકમેકને સારી રીતે જાણતા નથી, પણ બન્નેને સારા સંબંધની આશા છે.''
વ્લાદિમીર પુટિને જણાવ્યું હતું કે ટ્રમ્પ સારાસારનો વિવેક ધરાવતી વ્યક્તિ છે. તેમની સાથે વાત કરવાનું મુશ્કેલ નથી.
બન્ને નેતાઓ વચ્ચે પહેલી મુલાકાત જર્મનીમાં જી-20 સંમેલન વખતે થઈ હતી.

ઇસ્લામિક સ્ટેટ સામે લડવા સહમતી

ઇમેજ સ્રોત, Getty Images
બે દિવસના શિખર સંમેલનમાં પુટિન અને ટ્રમ્પ વચ્ચે સીરિયામાં કથિત ઇસ્લામિક સ્ટેટ સામે લડવા બાબતે સહમતી સધાઈ હતી.
બન્ને નેતાઓએ સીરિયામાં રાજકીય સમાધાન માટે સંકલ્પ કર્યો હતો.
સંમેલનમાં બન્ને નેતાઓ ત્રણ વખત વાત કરતા જોવા મળ્યા હતા.
શુક્રવારે ડીનર વખતે બન્ને નેતાઓના ફોટોગ્રાફ્સ પણ લેવામાં આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












