જેલમાંથી છટકવા ગુનેગારનું 'જુડવા' કારસ્તાન

કેદી અલેકઝેન્ડર ડેલ્ગાડો

ઇમેજ સ્રોત, Peruvian interior ministry

ઇમેજ કૅપ્શન, અલેકઝેન્ડર ડેલ્ગાડો

પોતાના સ્થાને જોડિયા ભાઈને જેલમાં છોડીને નાસી ગયેલા એક કેદીને પેરુના સત્તાવાળાઓએ એક વર્ષથી વધુ સમય બાદ ફરી પકડી પાડ્યો છે.

બાળકોની જાતીય સતામણી અને લૂંટના આરોપસર અલેકઝેન્ડર ડેલ્ગાડો નામનો એ કેદી લિમાની ઉત્તરે આવેલી જેલમાં 16 વર્ષની સજા ભોગવી રહ્યો છે.

ગયા જાન્યુઆરીમાં અલેકઝેન્ડરનો જોડિયો ભાઈ ગિયાનકાર્લો તેને જેલમાં મળવા આવ્યો હતો.

એ વખતે અલેકઝેન્ડરે ગિયાનકાર્લોને નશીલો પદાર્થ ખવડાવ્યો હતો અને તેના કપડાં પહેરીને જેલમાંથી રફૂચક્કર થઈ ગયો હતો.

ગિયાનકાર્લોની ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવી પછી અલેકઝેન્ડર ભાગી છૂટ્યો હોવાની શંકાને સમર્થન મળ્યું હતું.

line

કઈ રીતે ફરી પકડાયો?

અલેકઝેન્ડરને પકડી પાડનારને ઈનામ આપવાની જાહેરાત ગૃહ મંત્રાલયે કરી હતી.

13 મહિના સુધી નાસતા ફરેલા અલેકઝેન્ડરને સોમવારે કાલ્લાઓ શહેરમાંથી સોમવારે પકડી પાડવામાં આવ્યો હતો.

હવે અલેકઝેન્ડરને મહત્તમ સલામતી ધરાવતી સધર્ન હાઈલેન્ડ્ઝની જેલમાં કેદ કરવામાં આવશે.

અલેકઝેન્ડર નાસી છૂટ્યો ત્યારે ગિયાનકાર્લોની ધરપકડ કરવામાં આવી હતી અને જોડિયા ભાઈને ભગાડવાના ષડયંત્રમાં સામેલગીરીની શંકા સંબંધે તેની સામે તપાસ કરવામાં આવી હતી.

તેના પરનો આરોપ પૂરવાર થયો ન હતો અને હવે તેને મુક્ત કરવામાં આવ્યો છે.

ફરી ધરપકડ બાદ મીડિયા સાથે વાત કરતાં અલેકઝેન્ડરે કહ્યું હતું, "મારી મમ્મીને મળવાની તિવ્ર ઈચ્છાને કારણે હું છટકું ગોઠવીને જેલમાંથી ભાગ્યો હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો