પ્રેસ રિવ્યૂ: નીરવ મોદીની મોટાભાગની ક્રેડિટ 2017-18માં મળી

ઇમેજ સ્રોત, Getty Images
પીએનબી બેન્ક સાથે છેતરપીંડી મુદ્દે ભાગેડુ નીરવ મોદી મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપનો ક્રમ ચાલુ છે. ત્યારે સીબીઆઈએ નીરવ મોદી અને તેના પરિવારજનો સામે વધુ એક એફઆઈઆર દાખલ કરી છે, જેને ટાંકતા ઇન્ડિયન એક્સપ્રેસે આ અહેવાલ છાપ્યો છે.
એફઆઈઆરને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે કે, મોટાભાગના લેટર ઑફ અંડરસ્ટેન્ડિંગ 2017-2018માં આપવામાં આવ્યા હતા અથવા તો રિન્યૂ કરવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ, "શુક્રવારે સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્કના કર્મચારીઓની પૂછપરછ કરી હતી.
નીરવ મોદી, મેહુલ ચોકસી તથા અન્ય પરિવારજનો તથા કંપનીઓને કારણે બેન્કને રૂ. 11,400 કરોડનું નુકસાન થયું હોવાના પ્રાથમિક અહેવાલ છે."

રુહાનીએ કહ્યું: જિંદાબાદ ઇસ્લામ, જિંદાબાદ હિંદુસ્તાન

ઇમેજ સ્રોત, AFP
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ શુક્રવારે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ સ્થિત ઐતિહાસિક મક્કા મસ્જિદ ખાતે જુમાની નમાજ પઢી હતી.
રુહાનીએ મુસલમાનોને ફિરકાઓની વાડબંધીને ત્યજીને એક થવા આહ્વાન કર્યું હતું, સાથે ઉમેર્યું હતું કે જો મુસલમાનો એક તઈ જશે તો દુનિયા પેલેસ્ટાઇનમાં વસતા મુસલમાનોને પરેશાન નહીં કરી શકે.
રુહાનીએ ભારતના વિકાસ માટે જરૂરી પેટ્રોલિયમ પેદાશો પૂરા પાડવાની તૈયારી દાખવી હતી.
રુહાનીએ ઈરાનની મુલાકાત લેવા માગતા ભારતીયોને વિઝામાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. સાથે જ આશા વ્યક્ત કરી હતી કે ભારત પણ ઈરાની નાગરિકોને સમાન પ્રકારની છૂટછાટો આપશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રુહાનીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ માટે અમેરિકા 'માનવતાનું મશાલચી' ન હોય શકે.
રુહાનીએ તેમના ભાષણનું સમાપન 'જિંદાબાદ ઇસ્લામ, જિંદાબાદ હિંદુસ્તાન, જિંદાબાદ ઈરાન' સાથે કર્યું હતું.

...એટલે કર્ણાટકને વધુ પાણી મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, "શુક્રવારે સુપ્રીમ કોર્ટે 126 વર્ષ જૂના કાવેરી જળવિવાદ પર ચુકાદો આપ્યો.
જેમાં સુપ્રીમે કર્ણાટકને 284.75 tmcft (એક અબજ ક્યુબિક ફૂટ) આપવાનો ચુકાદો આપ્યો છે, જ્યારે તામિલનાડુને 404.25 tmcft પાણી આપવાનું ઠેરવ્યું છે.
અહેવાલ મુજબ, ત્રણ જજોને ખંડપીઠે કાવેરી વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલના ચુકાદામાં આંશિક ફેરફાર કરતા નોંધ્યું હતું કે, તામિલનાડુ 10 tmcft પાણી ભૂગર્ભ જળસ્ત્રોતોમાંથી મેળવી શકે તેમ છે.
ઉપરાંત બેંગ્લુરુના રહેવાસીઓની પીવાની જરૂરિયાતને ધ્યાને લેતા 4.75 tmcft પાણી ફાળવવામાં આવ્યું છે.
શુક્રવારે સુપ્રીમે આપેલા ચુકાદામાં કેરળનો 30 tmcft તથા પુડ્ડુચેરીનો સાત tmcftનો હિસ્સો યથાવત રાખ્યો હતો.
ચુકાદા મુજબ હવે 2033માં જ આ ચુકાદાનું તત્કાલીન સ્થિતિના આધારે પુનરાવલોકન કરી શકાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












