બિલ ન ભર્યું તો હૉસ્પિટલે બાળકીને બંધક બનાવી, રાષ્ટ્રપતિએ પૈસા ભરવા પડ્યા

આફ્રિકાના દેશ ગબોનમાં એક માતાએ પોતાની બાળકીના જન્મના પાંચ મહિના બાદ રાહતનો શ્વાસ લીધો છે.

તેમણે પોતાની ફૂલ જેવી બાળકીને એક ખાનગી હૉસ્પિટલમાંથી આઝાદ કરાવી છે.

ગબોનની એક ખાનગી હૉસ્પિટલમાં બિલની ચૂકવણી સમયસર ન કરાતાં બેબી એન્જલને તેની માતાથી દૂર રાખવામાં આવી હતી.

આ મામલો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં આ પરિવાર માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

તેના અંતર્ગત 3630 ડોલરની રકમ એટલે કે આશરે 2,32,773 રૂપિયાની ચૂકવણી હૉસ્પિટલને કરવામાં આવી હતી.

ખાસ વાત એ છે કે ગબોનના રાષ્ટ્રપતિ અલી બોંગોએ પણ આ અભિયાન માટે થોડી રકમ જમા કરાવી હતી.

ગબોનની રાજધાની લિબરવિલેમાં હાજર બીબીસી સંવાદદાતા ચાર્લ્સ સ્ટીફન મવોનગોઉ જણાવે છે, "ગત સોમવારે આ મામલા સાથે જોડાયેલા ખાનગી હૉસ્પિટલના ડાયરેક્ટર વિરુદ્ધ બાળકીના અપહરણનો મામલો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ એક દિવસ બાદ આ આરોપ પરત ખેંચી લેવામાં આવ્યા હતા."

બેબી એન્જલને હવે પાંચ મહિના બાદ ક્લિનિકમાંથી ઘરે જવા દેવામાં આવી છે.

બાળકીનાં માતા સોનિયા ઓકોમે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "મને મારી દીકરી મળી જતાં હું ખૂબ ખુશ છું. પરંતુ મને ખેદ છે કે હું તેને મારું દૂધ પીવડાવી શકતી નથી. કેમ કે છેલ્લા પાંચ મહિનામાં મારું ધાવણ જતું રહ્યું છે."

ગબોનના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ બાળકી પ્રિમેચ્યોર જન્મી હોવાને કારણે તેને 35 દિવસ સુધી ઇનક્યૂબેટરમાં રાખવામાં આવી હતી અને બિલ પણ તેનું જ હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો