લોકો એકબીજાને કિસ શા માટે કરે છે? કિસની શરૂઆત ક્યાં થઈ હતી?

    • લેેખક, મેલિસા હોગનબુમ
    • પદ, બીબીસી અર્થ

ચુંબન કરવાનું વિચિત્ર અને થોડું ચિતરી ચડે તેવું હોય છે. તમારી લાળ કોઈના મોંમાં જાય છે, કોઈની તમારા મોંમાં આવે છે. ક્યારેક ચુંબન લાંબો સમય ચાલે છે.

તમારી એક કિસમાં આઠ કરોડ બેક્ટીરિયા પાર્ટનરના મોંમાં ટ્રાન્સફર થતા હોય છે અને બધા બેક્ટીરિયા કંઈ સારા નથી હોતા.

તેમ છતાં દરેક વ્યક્તિને તેણે કરેલી પહેલી કિસ હંમેશા યાદ હોય છે અને કિસિંગ નવા રોમાન્સમાં મોટી ભૂમિકા ભજવતું રહે છે.

બધા નહીં, કમસેકમ કેટલાક સમાજમાં તો કિસિંગ મહત્ત્વની ભૂમિકા ભજવતું જ રહે છે.

પશ્ચિમી દેશોમાં એવું માનવામાં આવે છે કે પ્રેમભર્યું ચુંબન દુનિયાભરના લોકોના વર્તનનો એક હિસ્સો છે.

પણ એક નવો અભ્યાસ સૂચવે છે કે વિશ્વના કુલ પૈકીના અડધોઅડધ સમાજમાં જ કિસનું ચલણ છે.

અન્ય પ્રાણીઓની દુનિયામાં ચુંબન ભાગ્યે જ જોવા મળે છે.

સવાલ એ છે કે આ વિલક્ષણ વર્તનનું કારણ શું? જો ચુંબન ઉપયોગી હોય તો તમામ પ્રાણીઓ તથા માણસો એકમેકને શા માટે ચૂમતાં નથી?

કેટલાંક પ્રાણીઓ એકમેકને ચુંબન શા માટે કરે છે એ સમજવામાં મોટાભાગનાં પ્રાણીઓ એકમેકને કિસ શા માટે નથી કરતાં એ બાબત મદદરૂપ બની શકે તેમ છે.

ચુંબન વિશેનો અભ્યાસ

ચુંબન વિશેના એક નવા અભ્યાસમાં વિશ્વના 168 સમાજને આવરી લેવામાં આવ્યા હતા.

એ પૈકીના માત્ર 46 ટકા સમાજમાં જ પ્રેમસભર ચુંબનનું ચલણ હોવાનું આ અભ્યાસમાં બહાર આવ્યું હતું.

વિશ્વના કુલ પૈકીના 90 ટકા સમાજમાં રોમેન્ટિક ચુંબનનું ચલણ હોવાનું અગાઉનું અનુમાન હતું.

નવા અભ્યાસમાં માતા-પિતા દ્વારા તેમનાં સંતાનોને કરવામાં આવતાં ચુંબનને બાકાત રાખવામાં આવ્યાં હતાં.

તેમાં માત્ર દંપતિઓ વચ્ચેના રોમેન્ટિક ચુંબન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.

વિચરતી જાતિઓના સમાજમાં ચુંબન પ્રચલીત હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા. કેટલાક તો ચુંબનને જુગુપ્સાજનક ગણતા હતા.

બ્રાઝિલની મેહિનાકુ જાતિના લોકો તો ચુંબનને અત્યંત ખરાબ બાબત ગણે છે.

આશરે 10,000 વર્ષ પહેલાં ખેતીની શોધ થઈ એ પહેલાં સુધી માણસો પશુઓનો શિકાર કરીને, માછીમારી કરીને જીવતા લોકોના જૂથોમાં રહેતા હતા.

અત્યારના વિચરતી જાતિના લોકો પ્રેમસભર પપ્પી ન કરતા હોય તો આપણા પૂર્વજો પણ એવું કરતા હોય એ શક્ય છે.

જોકે, વિચરતી જાતિના લોકો તેમના પૂર્વજોની માફક આજે રહેતા નથી એટલે આ બાબતે કંઈ ચોક્કસ કહી શકાય નહીં. વિચરતી જાતિના લોકોનો સમાજ આજે બદલાઈ ગયો છે.

પશ્ચિમી સમાજની પેદાશ છે ચુંબન

ચુંબન વિશેના અભ્યાસના મુખ્ય લેખક વિલિયમ જાનકોવિઆક અમેરિકાના લાસ વેગાસની નેવાડા યુનિવર્સિટીમાં કાર્યરત છે.

વિલિયમ જાનકોવિઆકે જણાવ્યું હતું કે દુનિયાના તમામ લોકો પ્રેમસભર ચુંબન કરતા હોવાની માન્યતાનો અમારો અભ્યાસ છેદ ઉડાવી દે છે. પ્રેમસભર ચુંબન પશ્ચિમી સમાજોની પેદાશ હોય એવું લાગે છે.

આ વાતનું સમર્થન કરતા કેટલાક ઐતિહાસિક પુરાવા પણ છે.

બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રાફેલ વ્લોડાર્સ્કીએ જણાવ્યું હતું. આજે આપણે જે રીતે ચુંબન કરીએ છીએ એ ઘણા અંશે પાછલાં કેટલાંક વર્ષોની શોધ હોય એવું લાગે છે.

ચુંબન કરવાની રીતમાં ફેરફાર કઈ રીતે થયો હતો એ શોધવા માટે રાફેલ વ્લોડાર્સ્કીએ જૂના રેકોર્ડ્ઝ તપાસ્યા હતા.

ચુંબન સંબંધી સૌથી જૂના પુરાવા હિંદુ વેદિક સંસ્કૃતના 3,500થી વધુ વર્ષ પુરાણા સાહિત્યમાંથી મળી આવ્યા હતા.

એ સમયે ચુંબનને એકમેકના આત્મા સુગંધ પામવાની પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવતું હતું.

તેનાથી વિપરીત ઈજીપ્તની પૌરાણિક ચિત્રલિપિમાં લોકો એકમેકની નજીક જોવા મળે છે. એકમેક સાથે હોઠ ચિપકાવી ઊભેલા-બેઠેલા જોવા મળતા નથી.

ચુંબનના નામે આ બધું શું ચાલી રહ્યું છે?

ચુંબન નૈસર્ગિક બાબત છે, પણ કેટલાક સમાજમાં એ પ્રવૃત્તિને દબાયેલી રાખવામાં આવી હતી કે પછી ચુંબનની શોધ આધુનિક માણસોએ કરી છે?

પશુઓ તરફ નજર કરતાં એ સંબંધે થોડી સમજણ મળે છે.

આપણા સૌથી નજીકના સંબંધી ચિમ્પાન્ઝી અને બોનોબો વાનરો ચુંબન કરે છે.

ચિમ્પાન્ઝી વાનરો ઝઘડા પછી એકમેકને ભેટતા અને ચુંબન કરતા હોય તેવી ઘણી ઘટનાઓ જ્યોર્જિયાની એટલાન્ટા યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્રી ફ્રાન્સ દ વાલે નોંધી છે.

ચિમ્પાન્ઝીઓ માટે ચુંબન એક સમાધાનનું એક સ્વરૂપ છે. માદાની સરખામણીએ નર ચિમ્પાન્ઝીઓમાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ પ્રેમપૂર્ણ વર્તન નથી.

ચિમ્પાન્ઝીના પિતરાઈ બોનોબો પ્રકારના વાનરો વારંવાર એકમેકને ચૂમતા હોય છે અને એ વખતે જીભનો ઉપયોગ કરતા હોય છે.

એ કદાચ આશ્ચર્યજનક નથી કારણ કે બોનોબો વાનરો જાતીય પ્રવૃત્તિમાં અત્યંત સક્રીય હોય છે.

બે માણસો મળે ત્યારે એકમેકની સાથે હાથ મિલાવતા હોય છે, પણ બે બોનોબો મળે ત્યારે સેક્સ કરતા હોય છે.

બોનોબો વાનરો સેક્સનો ઉપયોગ અનેક પ્રકારના અન્ય સંબંધો માટે પણ સેક્સનો ઉપયોગ કરતા હોય છે. તેથી તેમના દ્વારા કરવામાં આવતાં ચુંબન પણ રોમેન્ટિક નથી.

આ બે પ્રકારના વાનરો અપવાદરૂપ છે. અમે જાણીએ છીએ ત્યાં સુધી અન્ય પ્રાણીઓ તો ચુંબન કરતાં જ નથી.

પ્રાણીઓ અને ચુંબન

એ પ્રાણીઓ એકમેકને સુંઘે છે અથવા એકમેકના ચહેરાને સ્પર્શે છે.

હોઠ ધરાવતા હોય તેવાં પ્રાણીઓ પણ એકમેકની સાથે પોતપોતાની લાળ શેર કરતાં નથી કે હોઠ અડાડીને ચુંબન કરતાં નથી. તેમને એવું કરવાની જરૂર જ નથી પડતી.

જંગલી ભૂંડનું ઉદાહરણ લઈએ. નર જંગલી ભૂંડ તીવ્ર ગંધનું સર્જન કરે છે, જે માદા જંગલી ભૂંડને અત્યંત આકર્ષક લાગે છે.

એ ગંધમાં એન્ડ્રોસ્ટેનોન નામનું પશુઓ દ્વારા વાતાવરણમાં છોડવામાં આવતું એક રસાયણ હોય છે, જે માદા જંગલી ભૂંડોમાં સંવનનની ઇચ્છા સર્જે છે.

માદા માટે આ સારી બાબત છે કારણ કે પ્રચૂર પ્રમાણમાં એન્ડ્રોસ્ટેનોન ધરાવતો નર જ સૌથી વધુ ફળદ્રુપ હોય છે.

માદા જંગલી ભૂંડની ધ્રાણેન્દ્રીય એટલી તિવ્ર હોય છે કે તેણે નર જંગલી ભૂંડને ચુંબન કરવા માટે તેની નજીક જવું પડતું નથી.

અન્ય સસ્તન પ્રાણીઓના કિસ્સામાં પણ આવું જ હોય છે.

દાખલા તરીકે, હેમ્સ્ટર નામના ઉંદર જેવા પ્રાણીઓમાં માદા હેમ્સ્ટર એક રસાયણનો સ્ત્રાવ કરે છે, જેનાથી નર હેમ્સ્ટર એકદમ ઉત્તેજીત થઈ જાય છે.

ઉંદરોમાં પણ આવી પ્રક્રિયા થતી હોય છે, જે ઉંદરોને યોગ્ય પાર્ટનર શોધવામાં મદદરૂપ થાય છે.

પ્રાણીઓ આવા રસાયણનો સ્ત્રાવ તેમના પેશાબમાં કરતાં હોય છે.

ગંધનો સંબંધ

રાફેલ વ્લોડાર્સ્કીએ કહ્યું હતું, "પશુઓના પેશાબની ગંધ તિવ્ર હોય છે. પશુઓ પેશાબમાંની ગંધ મારફત યોગ્ય સાથી શોધી કાઢતાં હોય છે."

સુંઘવાની શક્તિ સસ્તન પ્રાણીઓમાં જ સારી હોય છે એવું નથી. માદા કરોળિયા દ્વારા છોડવામાં આવતી ગંધને નર બ્લેક વિડો કરોળિયો સુંઘી શકતો હોય છે.

કરોળિયાઓમાં સંભોગ પછી માદા નરને ખાઈ જતી હોય છે. તેથી નર કરોળિયો ભૂખી હોય તેવી માદા સાથે જ સંભોગ કરવાનું પસંદ કરે છે.

મૂળ મુદ્દો એ છે કે સારા સંભવિત સાથેને શોધવા અન્ય પ્રાણીઓએ એકમેકને નજીક જઈને સુંઘવાની જરૂર પડતી નથી.

એકમેકની સ્વસ્થતાને જાણવા માટે આપણે માત્ર ગંધનો સહારો લેતા નથી, પણ અભ્યાસોનાં તારણ દર્શાવે છે કે પસંદગીનો સાથી શોધવામાં ગંધ મહત્વની ભૂમિકા ભજવે છે.

1995માં પ્રકાશિત એક અભ્યાસના તારણમાં જણાવવામાં આવ્યું હતું કે ઉંદરડાઓની માફક મહિલાઓ પણ તેમનાથી જનનિક રીતે અલગ હોય તેવા પુરુષની ગંધને પસંદ કરતી હોય છે.

આ બાબત તર્કસભર છે, કારણ કે અલગ જીન્સ ધરાવતા પુરુષ સાથેના સંવનનથી તંદુરસ્ત બાળકોના જન્મની શક્યતા હોય છે.

ગંધ વડે શોધો પર્ફેક્ટ પાર્ટનર

તમારા પાર્ટનરના જીન્સને પામવા માટે તેની નજીક જવા ચુંબન એક ઉત્તમ વિકલ્પ છે.

રાફેલ વ્લોડાર્સ્કીએ ચુંબન માટે પસંદગી સંબંધે 2013માં વિગતવાર અભ્યાસ કર્યો હતો.

તેમણે સંખ્યાબંધ લોકોને સવાલ કર્યો હતો કે કોઈને ચુંબન કરતી વખતે તમારા માટે સૌથી વધારે મહત્વની બાબત કઈ હોય છે?

એ સવાલના જવાબમાં ગંધની બાબત મોખરે રહી હતી અને મહિલા અત્યંત ફળદ્રુપ હોય એવા કિસ્સામાં ગંધનું મહત્વ વધારે જોવા મળ્યું હતું.

પુરુષોના પરસેવામાંના ખાસ પ્રકારના રસાયણની ગંધ આવે છે ત્યારે મહિલાઓ થોડી વધારે ઉત્તેજીત થતી હોય છે.

રાફેલ વ્લોડાર્સ્કીના જણાવ્યા અનુસાર, સસ્તન પ્રાણીઓ દ્વારા કરવામાં આવતી સાથીની પસંદગીમાં એ રસાયણ મોટો ભાગ ભજવે છે.

ચુંબન બીજી વ્યક્તિમાંનાં એ રસાયણને શોધવાના હેતુસર તેમની નજીક જવાનો સાંસ્કૃતિક રીતે સ્વીકાર્ય માર્ગ માત્ર છે.

રાફેલ વ્લોડાર્સ્કીના જણાવ્યા અનુસાર, કેટલાક સમાજમાં રસાયણની ગંધ પામવાનું આ વર્તન હોઠના સ્પર્શ સુધી પહોંચી ગયું છે.

એવું ક્યારે થયું એ કહેવાનું મુશ્કેલ છે, પણ બન્નેનો હેતુ એક જ છે.

તેથી તમે પર્ફેક્ટ પાર્ટનર શોધવા ઇચ્છતા હો તો તેને કિસ કરવાનું ટાળજો, લોકોને સુંઘવાનું શરૂ કરજો.

તમને કિટાણુંઓ નહીં, પણ સારો પાર્ટનર જરૂર મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો