યુકેમાં પોલીસે કેમ બહાર પાડ્યો ગુજરાતીમાં વીડિયો?

લૅસ્ટરના રમણિકલાલ જોગિયાના અપહરણ અને હત્યા કરવામાં આવી હતી. જ્વેલેરી શોપના માલિક રમણિકલાલ જોગિયા 74 વર્ષના હતા.

રમણિકલાલના હત્યાના મામલે તપાસ હાથ ધરી પોલીસે ગુજરાતીમાં અપીલ કરતો એક વીડિયો જાહેર કર્યો હતો.

લેસ્ટર પોલીસમાં પોલીસ કોમ્યુનિટી સપોર્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા મૂળ પોરબંદરના રણજીત સોનેગરાએ ગુજરાતીમાં અપીલ કરી હતી.

આ અપીલમાં સોનેગરાએ લોકોને આ અપહરણ કે હત્યા મામલે કંઈ જોયું હોય કે જાણકારી હોય તો તે વિષે પોલીસને માહિતી આપવા કહ્યું હતું.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રણજીત સોનીગરાએ કહ્યું કે, કોમ્યુનીટિમાં પોલીસ પાસે આવીને વાત કરવાની લોકોને બીક હોય છે.

લૅસ્ટરમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. તેમના સુધી આ વાત પહોંચાડવી જરૂરી હતી, આથી એક ઓફિસરે મને તેમની ભાષામાં સંદેશ આપવા કહ્યું.

આ મામલે ત્રણ લોકોની ધરપકડ થઈ છે અને તપાસ ચાલુ છે.

પોલીસના જણાવ્યા મુજબ રમણિકલાલ જોગિયા 24 જાન્યુઆરીએ સાંજે બેલગ્રેવ રોડ પરની તેમની દુકાનમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમને એક ગાડીમાં બળજબરીથી બેસાડવામાં આવ્યા હતા.

25 જાન્યુઆરીના રોજ તેમનો મૃતદેહ ગૌલબી લેનમાં લૅસ્ટર એરફિલ્ડની બાજુમાં મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ મામલે લૅસ્ટર પોલીસે 22 વર્ષ, 20 અને 18 વર્ષના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

પોલીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, જોગિયાના શરીર પર ઈજાઓ હતી અને તેમનો મૃતદેહ જોઈને લાગતું હતું કે ક્રૂરતાથી તેમની હત્યા કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો