You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રેસ રીવ્યૂ: ‘ચૂંટણી જીતવા પાણીનો જથ્થો વાપરી નાખ્યો’
ગુજરાત સમાચાર અને ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ખેડૂત સમાજે આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીઓ જીતવા માટે નર્મદાનું પાણી વેડફ્યું છે જેને કારણે હવે પાણીની તંગી પડશે.
અહેવાલમાં લખાયું છે કે ખેડૂત સમાજનો આક્ષેપ છે કે ડિસેમ્બરના એક જ મહિનામાં જ 967 એમસીએમ (મિલિયન ક્યુબિક મીટર્સ) પાણીનો જથ્થો જળયોજનાના ઉદઘાટનોમાં વાપરી નાખ્યો હતો.
ખેડૂત સમાજે આંકડાઓ આપીને જણાવ્યું છે કે 1 ડિસેમ્બરે નર્મદા ડેમમાં 124.02 મીટરના સ્તરે પાણી હતું. એ સમયે લાઇવ સ્ટોરેજ 1946 મિલીયન ક્યુબિક મીટર (એમસીએમ) હતો આ સ્તર 31મી ડિસેમ્બરે ઘટીને 118.33 મીટરનું થઇ ગયું એટલે કે લાઇવ સ્ટોક 979 મિલીયન ક્યુબીક મીટર થયો.
તમને આ પણ વાંચવું ગમશે
એનો સીધો અર્થ એ થાય છે કે 967 એમસીએમ પાણી એક જ મહિનામાં વાપરી નખાયું કેમકે આ દિવસો ચૂંટણીના હતા.
આજે સ્થિતિ એવી છે કે (25મી જાન્યુઆરીએ) ડેમની સપાટી 113.69 મીટર અને લાઇવ સ્ટોક 328 એમસીએમ જ બચ્યો છે.
અહેવાલો અનુસાર હવે એપ્રિલ - મે મહિનો આવતા સુધીમાં પાણીના ફાંફા પડશે એ નિશ્ચિત છે.
આ સંગઠને પ્રશ્ન કર્યો છે કે સપ્ટેમ્બર, ઓક્ટોબર દરમિયાન વરસાદના દિવસો હતો તો પછી પાણીનો થયેલો સંગ્રહ ક્યાં ગયો?
સરકાર કે સરદાર સરોવર નિગમ પાણી ક્યાં ગયું તેનો જવાબ આપવા તૈયાર નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હકીકતમાં ચૂંટણીઓ જીતવા સૌરાષ્ટ્રમાં વિવિધ યોજનાઓની જાહેરાતો, ડેમો ભરવાના કથિત ઉદઘાટનો કરવામાં એ બધું પાણી વેડફી નાખવામાં આવ્યું છે અને નિગમની ભૂમિકા પણ શંકાસ્પદ રહી હોવાના આક્ષેપો ખેડૂત સમાજે કર્યા છે.
કાસગંજ સળગ્યું, ઉત્તર પ્રદેશમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ફરી લથડી
હિંદુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશના કાસગંજ ખાતે ફરીથી હિંસાઓ ભડકી છે.
26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસે થયેલી તકરારમાં મૃત્યુ પામેલી વ્યક્તિની અંતિમક્રિયામાંથી શનિવારે પાછું ફરી રહેલું ટોળું જ્યારે વિફર્યુ ત્યારે ઉપરોક્ત પરિસ્થિતિઓ સર્જાઈ હતી.
કાસગંજ ખાતેના તાજેતરમાં થયેલા હિંસક બનાવોમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે, અન્ય દુકાનો અને વાહનોને આગ લગાડવામાં આવી હતી.
અહેવાલ મુજબ પ્રશાસને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કલમ 144 લગાવેલી હોવા છતાં હિંસાના બનાવો ત્યારે સામે આવ્યા જ્યારે શુક્રવારે મુસલમાનની આબાદી ધરાવતા વિસ્તારોમાંથી હિંદુ યુવકોએ મોટરસાઇકલ રેલી કાઢી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ આર પી સિંગના જણાવ્યા અનુસાર 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે, રાજ્યની સીમાઓ પર નાકાબંધી કરવામાં આવી છે અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
તદુપરાંત પોલીસની વધુ કુમકો કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અસરગ્રસ્ત વિસ્તારમાં ગોઠવવામાં આવી હતી.
એરફોર્સ વનમાં 153 કરોડ રૂપિયાની કિંમતના બે ફ્રિજ બદલવામાં આવશે
એનડીટીવીની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ એરફોર્સ વનમાં રેફ્રિજરેટર્સ (ફ્રિજ) બદલવાની કિંમત અંદાજિત 24 મિલિયન અમેરિકી ડોલર્સની (અંદાજિત ભારતીય ચલણ સમકક્ષ 153 કરોડ રૂપિયા) આસપાસ અંકાઈ રહી છે.
જ્યારે પણ પ્રમુખ ટ્રમ્પ અને તેનો કાફલો આ પ્લેનમાં મુસાફરી કરી રહ્યો હોય ત્યારે ખાદ્યપદાર્થો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તે હેતુથી આ બે ફ્રિજ બદલવામાં આવી રહ્યાનું અમેરિકન એરફોર્સના પ્રવકતા એન્ન સ્ટફનેકે ઈમેઇલ દ્વારા જણાવ્યાનું અહેવાલમાં લખાયું છે.
નવા સરકારી કોન્ટ્રાક્ટ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વપરાશમાં લેવામાં આવતા હવાઈ જહાજ એરફોર્સ વનમાં રહેલા પાંચમાંથી બે ફ્રિજ બદલવાનો આ કોન્ટ્રેક્ટ બોઈંગ કંપનીને આપવામાં આવ્યો છે.
એરફોર્સ વનમાં આ બંને રેફ્રિજરેટિંગ યુનિટ્સનો ઉપયોગ ખાદ્ય-પદાર્થના સંગ્રહ હેતુથી કરવામાં આવતો હતો.
વર્ષ 1990માં આ બંને ફ્રિજ પ્લેનમાં લગાવવામાં આવ્યા હતા, જ્યારે આ હવાઈ જહાજની ડિલિવરી કરવામાં આવી હતી.
નવા લગાવવામાં આવનારા બે ફ્રિજની સંગ્રહ ક્ષમતા અંદાજે 70 ક્યુબિક ફિટની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો