મિહેલા નોરોકઃ વિવિધતામાં સુંદરતા દેખાડતાં ફોટોગ્રાફર

    • લેેખક, સ્ટીવન મૅકઇન્ટોશ
    • પદ, બીબીસી ન્યૂઝ

જ્યારે પણ તમે ગુગલ ઇમેજીસ પર જઇને 'બ્યૂટીફુલ વુમેન' સર્ચ કરો છો તો શું જોવા મળે છે?

સામાન્યપણે આકર્ષક દેખાતી મહિલાઓની તસવીર જ સામે આવશે.

સૌથી ઉત્તમ તસવીરોમાં મોટાભાગે તમને એવી જ તસવીરો જોવા મળશે કે જેમાં મહિલાઓ ઊંચી હીલ્સના સેન્ડલ પહેરીને પોઝ આપતી હોય, જેણે શોર્ટ ડ્રેસ પહેર્યો હોય.

તે યુવાન હોય, એકદમ પાતળી હોય, તેનો રંગ પણ શ્વેત હોય અને તેની ત્વચા પણ સુંદર હોય.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ દુનિયાભરમાં પ્રખ્યાત ફોટોગ્રાફર મિહેલા નોરોક માટે મહિલાની સુંદરતા માત્ર એટલે સુધી જ સીમિત નથી. તેનું ઉદાહરણ તેમણે તેમના નવા પુસ્તકના માધ્યમથી રજૂ કર્યું છે.

આજના જમાનામાં લોકો મહિલાને એક સુંદર વસ્તુ તરીકે જોવે છે તેને પણ મિહેલા દુઃખદ ગણાવે છે.

મિહેલા નોરોક કહે છે, "મહિલાઓ માટે લોકો જે વિચારે છે હંમેશા તેવું નથી હોતું. દરેક મહિલાની પોતાની અલગ કહાણી હોય છે. આપણે રોજ બરોજ ભારે મુશ્કેલીઓ ઉઠાવીએ છીએ, આપણી અલગ શક્તિ છે."

તેઓ ઉમેરે છે, "મહિલાઓને માત્ર યોગ્ય રીતે દર્શાવવાની જરૂર છે. છોકરીઓની અંદર એ આત્મવિશ્વાસની જરૂર છે કે જેવી તેઓ દેખાય છે તેવી જ તેઓ ખૂબ સુંદર છે."

મિહેલા નોરોકે તેમના પહેલા પુસ્તકને રજૂ કર્યું છે. આ પુસ્તક ફોટોગ્રાફી પર આધારિત છે.

આ પુસ્તકને 'એટલાસ ઑફ બ્યૂટી' નામ આપ્યું છે અને તેમાં ઇથોપિયાથી લઇને અમેરિકા અને ઉત્તર કોરિયાથી માંડીને ભારત સુધીની 500 મહિલાઓની સુંદર તસવીરોને સ્થાન આપ્યું છે.

રોમાનિયાના આ ફોટોગ્રાફર માને છે કે સુંદરતાની કોઈ પરિભાષા નથી હોતી.

મિહેલા કહે છે, "લોકોને મારી લીધેલી તસવીરો રસપ્રદ લાગે છે કેમ કે આ તસવીરો આપણી સોસાયટીની છે, એ મહિલાઓની છે જેઓ આપણી આસપાસ હોય છે, રોજ ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પર જતી જોવા મળે છે."

"મારી તસવીરો ખૂબ જ નેચરલ અને સાથે સિમ્પલ પણ છે. તે એક ચોંકવાનારી વસ્તુ છે. કેમ કે, સામાન્યપણે આપણે સુંદર મહિલાઓની તસવીર સિમ્પલ નથી જોતા."

મિહેલાના પુસ્તકમાં હાજર તમામ 500 તસવીરોમાં એ તસવીર અંગે પૂરતી માહિતી છે કે તેને ક્યાં લેવામાં આવી હતી. કેટલીક તસવીરોમાં વિષયનો પણ ઉલ્લેખ છે.

તસવીરોમાં જગ્યાઓ પણ જુદીજુદી છે. તેમાં નેપાળ, તિબેટ, ઇટાલી, મ્યાનમાર, ઉત્તર કોરિયા, જર્મની, મેક્સિકો, ભારત, અફઘાનિસ્તાન, યુકે અને અમેરિકા સહિત એમેઝોનના જંગલનો પણ સમાવેશ થાય છે.

કેટલીક જગ્યાએ તસવીરોને કૅમેરામાં કેદ કરવામાં ઘણી મુશ્કેલીઓ સામે આવી.

મિહેલા કહે છે, "હું એક મહિલા પાસે જઉં છું. મારા પ્રોજેક્ટ વિશે તેને માહિતી આપું છું. ક્યારેક મને જવાબ 'હાં'માં મળે છે તો ક્યારેક 'ના'માં. મહિલાઓના જવાબ તેના પર નિર્ભર કરે છે કે દેશ ક્યો છે."

"તમે કોઈ રૂઢિચુસ્ત દેશમાં જાઓ છો, તો ત્યાં મહિલા પર ખૂબ દબાણ હોય છે. તેના રોજંદા જીવન પર સતત કોઈ નજર રાખીને બેઠું હોય છે."

"આવી પરિસ્થિતિમાં તે મહિલાની તસવીર લેવી સહેલી નથી હોતી. તેને તેના પરિવારના કોઈ પુરુષ સભ્યની પરવાનગીની પણ જરૂર પડે છે."

દુનિયાના કેટલાક ભાગ એવા પણ છે કે જ્યાં ખૂબ સાવચેતી જાળવવી પડે છે.

કોલમ્બિયા જેવી જગ્યાએ સુરક્ષા મામલે સતર્ક રહેવું પડે છે. કેમ કે ત્યાં માફિયાઓનું રાજ ચાલે છે.

મિહેલા કહે છે, "કોઈ તસવીર લેવા માટે રાજી થઈ જાય છે અને તમે તેની તસવીર લઈ પણ લો છો. પણ પછી તમારૂં અપહરણ પણ થઈ શકે છે કેમ કે હવે તમે એક માફિયાનો ભાગ છો."

તેઓ ઉમેરે છે, "જો કોઈ આ પ્રકારના પ્રોજેક્ટને પુરુષ સાથે કરવા માગે તો તે ખૂબ જ સરળ વસ્તુ સાબિત થઈ શકે છે. કેમ કે તેમણે તેમના પત્ની, મમ્મી કે બહેનની પરવાનગી લેવાની જરૂર નથી હોતી"

મિહેલા કહે છે કે તેઓ ઘણી વખત તસવીરોને ફોટોશોપમાં તૈયાર કરે છે. પણ તમે જે વિચારી રહ્યા છો તેવા કારણ માટે નહીં.

તેઓ કહે છે, "તમે જ્યારે એક તસવીર લો છો ત્યારે તે ખૂબ જ અધૂરી અને કાચી લાગે છે. તેનો મતલબ છે કે તેમાં કંઈક ખૂટે છે. પેઇન્ટિંગની જેમ તમારી પાસે એ રંગ નથી હોતા જે તમે ખરેખર જોયા હોય છે."

"તો હું તેમને વધારે પ્રભાવશાળી બનાવું છું અને તેમાં રંગો ઉમેરવા પ્રયાસ કરૂં છુ જેવા રંગો મેં તસવીર લેતા સમયે જોયા હતા. ફોટોશોપના માધ્યમથી હું કોઈને પાતળી નથી બનાવતી કે તેની સુંદરતા બગાડવા પ્રયાસ નથી કરતી."

તો એ કહેવું જરા પણ ખોટું નથી કે મિહેલાની તસવીરો વર્ષ 2015માં આવેલી કિમ કાર્દિશ્યનની તસવીરોથી એકદમ અલગ છે. વર્ષ 2015માં કિમે પણ બુક્સ ઑફ સેલ્ફીઝ રજૂ કરી હતી.

મિહેલા કહે છે, "હાલ ઘણા એવા સેલેબ્રિટી લોકો છે કે જેમણે નકલી સુંદરતાને એક અલગ જગ્યા આપી દીધી છે."

"કિમ કાર્દિશ્યનના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફૉલોઅર્સ છે અને મારા બે લાખ ફૉલોઅર્સ છે. એટલે તમે તફાવત જોઈ શકો છો. પણ મને લાગે છે કે નેચુરલ અને સિમ્પલ બ્યુટીનો સંદેશ ધીરેધીરે આખી દુનિયામાં ફેલાશે."

તો ફોટોગ્રાફર બનવા માટે મિહેલા લોકોને શું સલાહ આપી શકે છે? એક સારો કૅમેરા ખરીદવો? કે પછી લેન્સ અને કૅમેરાના એન્ગલને નજીકથી સમજવા?

આવું કંઈ જ નહીં.

મિહેલા હસતાંહસતાં સલાહ આપે છે કે "સારા જૂતા લો. કેમ કે તમારે ખૂબ ચાલવાની અને દુનિયાને નિહાળવાની જરૂર પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો