સરકારવિરોધી ચૂકાદાને પગલે બંગલાદેશમાં વડા ન્યાયધીશ ને અપાઈ છે ફરજિયાત રજા?

જસ્ટિસ સુરેન્દ્ર કુમાર સિન્હા

ઇમેજ સ્રોત, FOCUS BANGLA

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ સુરેન્દ્ર કુમાર સિન્હા

બાંગ્લાદેશના પહેલા હિન્દુ વડા ન્યાયધીશ સુરેન્દ્રકુમાર સિન્હા મીડિયાની હેડલાઇન્સમાં ચમકી રહ્યા છે અને તેનું કારણ છે તેમની એક મહિનાની રજા.

સરકાર વિરોધી ઐતિહાસિક ચૂકાદો આપવા બદલ તેમને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા મુજબ, બંગલાદેશના કાયદા પ્રધાન અનિસુલ હકે એ મીડિયા અહેવાલોને ફગાવી દીધા છે.

તેમણે જણાવ્યું હતું કે બંધારણમાં સોળમા સુધારા સંબંધી સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે જસ્ટિસ સિન્હાની ગેરહાજરીને કોઈ સંબંધ નથી. તેઓ બિમાર હોવાને કારણે રજા પર છે.

તમને આ વાંચવું પણ ગમશે

અલબત, બંગલાદેશ સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના પ્રમુખ જોયનુલ આબેદિને મીડિયામાં ચાલી રહેલી અટકળોને નકારી હતી. તેમણે કહ્યું કે જસ્ટિસ સિન્હાને રજા પર ઉતરી જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

line

કોણ છે જસ્ટિસ સિન્હા?

ચીફ જસ્ટિસ સિન્હાને ફરજિયાત રજા પર ઉતારવામાં આવ્યા હોવાનો બંગલાદેશના કાયદા પ્રધાન અનિસુલ હકે ઈનકાર કર્યો છે

જસ્ટિસ સુરેન્દ્ર કુમાર સિન્હા બંગલાદેશના પહેલા હિન્દુ વડા ન્યાયધીશ છે. તેમણે બંગલાદેશના ચીફ જસ્ટિસ તરીકેનો પદભાર 2015ની 17 જાન્યુઆરીએ સંભાળ્યો હતો.

1951ની પહેલી ફેબ્રુઆરીએ જન્મેલા એસ. કે. સિન્હાએ કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ 1974માં જિલ્લા કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી.

1977ના અંત સુધી તેઓ સેશન્શ કોર્ટ્સમાં સ્વતંત્ર વકીલ તરીકે પ્રેકટિસ કરતા રહ્યા હતા. 1978માં તેમણે હાઇકોર્ટમાં અને 1990માં બંગલાદેશની સુપ્રીમ કોર્ટના અપીલ ડિવિઝનમાં વકીલાત શરૂ કરી હતી.

એ દરમ્યાન તેમણે જાણીતા વકીલ એસ. આર. પાલના જુનિયર તરીકે 1999 સુધી કામ કર્યું હતું.

તેમની નિમણૂંક 1999ની 24 ઓક્ટોબરે હાઇકોર્ટના જજ તરીકે અને 2009ની 16 જુલાઈએ સુપ્રીમ કોર્ટની અપીલ ડિવિઝનમાં જજ તરીકે કરવામાં આવી હતી.

line

શું છે બંધારણનો સોળમો સુધારો?

બંગલાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, બંગલાદેશનાં વડાંપ્રધાન શેખ હસીના

બંગલાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ બંધારણમાં સોળમા સુધારા મારફતે સુપ્રીમ કોર્ટના જજોને તેમના પદ પરથી હટાવવાનો અધિકાર સંસદને આપ્યો છે.

શેખ હસીનાનો અવામી લીગ પક્ષ બંગલાદેશની સંસદમાં બહુમતી ધરાવે છે અને વકીલો માને છે કે બંધારણમાં ઉપરોક્ત સુધારાથી સુપ્રીમ કોર્ટના જજો સરકાર સામે 'કમજોર' થઈ જશે.

જસ્ટિસ સિન્હાના વડપણ હેઠળની બંગલાદેશની સુપ્રીમ કોર્ટે બંધારણના સોળમા સુધારાને આ વર્ષના ઓગસ્ટમાં ગેરબંધારણીય ગણાવ્યો હતો.

ન્યાયિક આચારસંહિતાનો ભંગ કરતા કોઇ પણ જજને તેમના પદ પરથી ચીફ જસ્ટિસના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની જ્યુડિશ્યલ કાઉન્સિલ જ હટાવી શકે એ જોગવાઈને પણ સુપ્રીમ કોર્ટે ફરી અમલી બનાવી હતી.

અદાલતના સ્વાતંત્ર્યને મજબૂત બનાવતા આ ચૂકાદા માટે જસ્ટિસ સિન્હાના બહુ વખાણ થયાં હતાં.

એ ચૂકાદાને મુસ્લીમોની બહુમતીવાળા દેશમાં ઘર્મનિરપેક્ષ અદાલતની સલામતી માટે લેવામાં આવેલું પગલું ગણાવવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો