તમે વિચાર્યું છે કે કીબોર્ડ પર QWERTY જ કેમ હોય છે?

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, હેફઝીબાહ એન્ડૅસન
- પદ, બીબીસી કલ્ચર
મોબાઈલ, કમ્પ્યુટર, ટેબલેટ મારફતે અબજો સંદેશા મોકલતાં લોકોને ભાગ્યે જ વિચાર આવ્યો હશે કે, તેમનાં કીબોર્ડ પર "QWERTY" (ક્વર્ટી) લેઆઉટ કેમ હોય છે?
આ લેઆઉટ ખરેખર અસરકારક છે કે પછી તેનાથી પણ વધુ સારો કીબોર્ડ લેઆઉટ છે, જે ટાઈપિંગ કરતી વખતે સમય બચાવે?
સૌથી મહત્વની બાબત એ છે કે, વિકલ્પો હોવા છતાં ક્વર્ટી લેઆઉટે 100 કરતાં વધુ વર્ષોથી અંગ્રેજી ટાઇપિંગ કરતાં લોકોના દિલો-દિમાગમાં તેનું આધિપત્ય જાળવી રાખ્યું છે.
શરૂઆતનાં ટાઇપરાઇટર્સ ભારેખમ, અગવડભર્યાં હતાં, પણ તેની કીઝ અંગ્રેજીભાષી વ્યક્તિ આસાનીથી ઉપયોગ કરી શકે એ રીતની, ભાષાના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે હતી.
તો પછી એ તર્કબદ્ધ લેઆઉટમાં ફેરફાર કેમ કરવામાં આવ્યો? એક વાત એવી પણ છે કે ટાઇપિસ્ટ્સની અનુકૂળતા માટે તેમાં ફેરફાર કરવામાં આવ્યો.
દક્ષિણ અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ લેખક પાઓલો કોએલોની એક નવલકથામાં એક પાત્રએ બીજા પાત્રને આ વિષય પર લાંબુ લેક્ચર આપ્યું છે.
તમને આ પણ વાંચવું ગમશે.

શા માટે રચાયો ક્વર્ટી લેઆઉટ?

ઇમેજ સ્રોત, Wikipedia
વાસ્તવમાં ટાઇપરાઈટરની કીઝને એકબીજાની સાથે ફસાઈ જતી રોકવા માટે ક્વર્ટી લેઆઉટ રચાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટા ભાગના નિષ્ણાતો આવું જ માને છે. ટાઈપરાઈટર પરના મોટા ભાગના શબ્દો ધાતુની એક દાંડી સાથે જોડાયેલા હોય છે અને કી દબાવવાથી તે કાગળ પર છપાય છે.
શરૂઆતના ટાઈપરાઈટર્સમાં આગલી કી તેના મૂળસ્થાને ગોઠવાય એ પહેલાં લીવર દબાવવામાં આવતું હતું ત્યારે બન્ને કી એકમેકમાં ફસાઈ જતી હતી. આથી ટાઈપીસ્ટનું કામ અટકી જતું હતું.
એ સમયે અમેરિકાના પેન્સિલ્વેનિયાના નાના ગામમાં 1819માં જન્મેલા ક્રિસ્ટોફર શોલેસ આ સમસ્યાના સમાધાન માટે આગળ આવ્યા હતા.
શોલેસ એક અખબારના તંત્રી અને વિસ્કોન્સિન સ્ટેટના સેનેટર હતા. વ્યાપારી દૃષ્ટિએ અનુકૂળ હોય તેવું વિશ્વનું સૌપ્રથમ ટાઈપરાઈટર બનાવી ચૂકેલી ટીમના તે સભ્ય હતા.
ટાઈપસેટિંગ અને નંબર પ્રિન્ટિંગ મશીનોના નિર્માણ પર હાથ અજમાવી ચૂકેલા શોલેસે ટાઈપરાઈટર માટેનું કામ 1867માં શરૂ કર્યું હતું.
જોન પ્રાટે બનાવેલા એક પ્રોટોટાઈપ ટાઈપરાઈટર વિશેનો લેખ સાયન્ટિફિક અમેરિકન મેગેઝિનમાં વાંચ્યા પછી શોલેસને એ વિચાર આવ્યો હતો.
એ લેખથી શોલેસ એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે પ્રિન્ટર સેમ્યુઅલ વિલાર્ડ સોલ સાથે જોડાણ કરીને પિયાનો જેવી કાળી-ધોળી કીઝ ધરાવતું એક મશીન બનાવવાનું નક્કી કર્યું.
બાદમાં એ પ્રોજેક્ટમાં વકીલ કાર્લોસ ગ્લિડન, ઘડિયાળ ઉત્પાદક મેથિયાસ શ્વાલબાક અને બિઝનેસમેન જેમ્સ ડેન્સમોર જોડાયા હતા.

1873માં પેટન્ટ મેળવી

ઇમેજ સ્રોત, Wikipedia
1868માં પહેલું ટાઈપરાઈટર શિકાગોની પોર્ટર્સ ટેલિગ્રાફ કોલેજને મોકલવામાં આવ્યું હતું.
મોર્સ ટેલિગ્રાફ લખવા માટે અત્યંત જરૂરી નંબર્સ તેમાં ન હતા એટલે દુર્ભાગ્યે એ ખાસ કંઈ ઉપયોગી સાબિત ન થયું. શોલેસે તેમાં નંબર્સ ઉમેર્યા હતા, પણ એકમેકની સાથે અટવાઈ જતી કીઝનું શું કરવું?
ક્વર્ટી સિસ્ટમનું સૂચન સૌથી પહેલાં ડેન્સમોરે કર્યું હતું, પણ એ માટેનું શ્રેય શોલેસને પણ અપાય છે.
ડાઈગ્રાફ એટલે કે એક ધ્વનિ માટે વપરાતા બે શબ્દોને એકમેકથી વાજબી અંતરે ગોઠવવાનું કામ મહેનત માગી લે તેવું હતું.
જો કે, 1873માં ઈ રેમિંગ્ટન એન્ડ સન્સે તેની પેટન્ટ મેળવી પછી એ કીબોર્ડને આજે પણ વપરાતું ક્વર્ટી લેઆઉટ મળ્યો.
ક્વર્ટીને કારણે ટાઈપિસ્ટ્સની ઝડપ ઘટી છે કે કેમ તેની ચર્ચા આજે પણ ચાલી રહી છે. મોટાભાગના લોકો આ મુદ્દા પર ખાસ ધ્યાન નથી આપતા.
પણ ક્વર્ટીની સૌથી મોટી પ્રતિસ્પર્ધી સિસ્ટમની સર્જક ઓગસ્ટ ડ્વોરકે આ મુદ્દે ધ્યાન આપ્યું અને નવો કીબોર્ડ લેઆઉટ પણ વિકસાવ્યો.
અમેરિકાના મિનેસોટામાં 1894માં જન્મેલા ઓગસ્ટ ડ્વોરક એજ્યુકેશનલ સાઇકોલોજિસ્ટ હતા. ક્વર્ટીમાં સુધારો થઈ શકે એની તેમને ખાતરી હતી.
તે માનતા હતા કે, ક્વર્ટી કીબોર્ડનું જે સંયોજન છે તેમાં આંગળીઓનો વિચિત્ર રીતે ઉપયોગ કરવો પડે છે.
વારંવાર વપરાતા was અને were જેવા શબ્દો ટાઈપ કરતી વખતે માત્ર ડાબા હાથ પર જ આધાર રાખવો પડે છે. તેથી 1936માં તેમણે તેમના સાળા સાથે મળીને ડ્વોરક સિમ્પ્લિફાઈડ કીબોર્ડ સિસ્ટમ પેટન્ટ કરાવી હતી.

ઇમેજ સ્રોત, Wikipedia
ડ્વોરકના જણાવ્યા મુજબ, ટાઈપિસ્ટે ક્વર્ટી કીબોર્ડ પર જે શબ્દો ટાઈપ કરવા માટે 20 માઈલ સુધીનો પ્રવાસ કરવો પડે છે, પણ આ અંતર તેમની પોતાની સિસ્ટમમાં ઘટીને માત્ર એક માઈલનું થઈ જાય છે.
તેનું કારણ હતી એ કી બોર્ડ લેઆઉટની સરળ ડીઝાઈન. તેમાં ઘણા કોમન ટાઈપોની સંખ્યા ઘટાડી નાખવામાં આવી હતી.
બીજા વિશ્વયુદ્ધના સમયનું રીસર્ચ સૂચવે છે કે ડ્વોરક સિસ્ટમનો ઉપયોગ કરતો ટાઈપિસ્ટ તેનું કામ, ક્વર્ટીનો ઉપયોગ કરતા તેના સાથીની સરખામણીએ 74 ટકા વધુ ઝડપથી પુરું કરી શકતો હતો.
ધ્યાનપૂર્વક વિચારો તો ક્વર્ટી લેઆઉટમાં ઘણી ખામીઓ છે.

વિકાસના તબક્કા
આ ક્રમિક વિકાસ પાછળની બીજી થીયરી એવી છે કે તેમાં typewriter શબ્દ ટાઈપ કરવા માટે જરૂરી તમામ અક્ષર એક જ લાઈનમાં ગોઠવવામાં આવ્યા છે.
તેથી સેલ્સમેન ઝડપથી ઈન્સ્ટ્રૂમેન્ટનું નામ ટાઈપ કરીને ગ્રાહકોને પ્રભાવિત કરી શકતો હતો.
પણ જાપાનની ક્યોટો યુનિવર્સિટીના બે સંશોધકો કોઈચી યાસુઓકા અને મોટોકો યાસુઓકાએ 2011માં નોંધ્યું હતું તેમ, શોલેસ મૂળાક્ષરોની ગોઠવણમાં ફેરફાર કરતા હતા, ત્યારે કોઈ પ્રોફેશનલ ટાઈપિસ્ટ્સ ન હતા.
તેમણે એ ખુલાસો પણ કર્યો હતો તે ટેલિગ્રાફ ઓપરેટર્સ શોલેસના પ્રથમ ગ્રાહકો હતા અને તેમની અનુકૂળ આવે એ રીતે ક્વર્ટીમાં મૂળાક્ષરોની ગોઠવણ કરવામાં આવી હતી.
તેમણે લખ્યું, “ક્વર્ટી સંબંધે ક્યારેય નિશ્ચિત નીતિ અનુસરવામાં નહોતી આવી. પહેલાં તેમાં ટેલિગ્રાફ્સ મેળવવા ફેરફાર કરવામાં આવ્યો હતો.
પછી શોધકર્તાઓ તથા ઉત્પાદકો વચ્ચેના સમાધાન માટે અને છેલ્લે જૂની પેટન્ટ્સ સામે કાયદાકીય છટકબારીના હેતુસર તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.”
હું જે લેપટોપ પર આ લખી રહ્યો છું, તેમાં અને તમારી પાસેના લેપટોપમાં ઈનબિલ્ટ, પણ અત્યંત ઓછા ઉપયોગમાં લેવાયેલાં ફંક્શન્શ હોય છે. એનાથી હું મારા કીબોર્ડના લેઆઉટને બદલીને નવી સિસ્ટમ અપનાવી શકું છું.
નવી સિસ્ટમમાં બરાબર ટાઈપિંગ કરતાં ન શિખું ત્યાં સુધી મારે કીઝને રી-લેબલ કરવી પડશે, પણ હાર્ડવેર કોઈ ફેરફાર કરવો નહીં પડે.
ડ્વોરક કીબોર્ડનો ઉપયોગ કરીને હું મારી વાત લખી શક્યો હોત, પણ કદાચ આપણામાંના બહુ ઓછા લોકો તેની દરકાર કરે છે. તેથી આપણે જે જાણીએ છીએ તેને જ વળગી રહ્યા છીએ.

ઇમેજ સ્રોત, Wikipedia
ટચ ટાઈપિંગમાં આપણે આંગળીઓને બને તેટલી ઝડપે દોડાવતા શીખ્યા છીએ.
આપણને શીખવવામાં આવ્યું હોત તો આપણે એ જાણી શક્યા હોત કે આપણે જે ભાષા બોલીએ છીએ કે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેને વધારે અનુકૂળ એવી નવી સિસ્ટમનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
શોલેસ અને તેમના સાથી સંશોધકો તેમની નવી સિસ્ટમ વિકસાવી રહ્યા હતા ત્યારે તેમને એ ખબર ન હતી કે તેઓએ કરેલી મશીનની કીઝની ગોઠવણ માનવીય કમ્યુનિકેશનમાં તેમનું યાદગાર યોગદાન હશે.
હવે આપણે હાથના અંગૂઠાઓ વડે એટલું બધું ટાઈપિંગ કરીએ છીએ કે સંખ્યાબંધ નવી સિસ્ટમ્સ વિકસી છે. તેમાં એક છે હીરો (Hero) કીબોર્ડ.
એનો દેખાવ રોટરી ફોનના ડાયલ જેવો છે અને તેમાં નવી તથા જૂની ડિઝાઈનનું મિશ્રણ છે.
સ્માર્ટવોચ માટેનું વિશ્વનું સૌપ્રથમ અલાયદું કીબોર્ડ હોવાનો દાવો ટચવન (TouchOne) કરે છે. તેમાં શબ્દોને આઠ કીઝમાં ગોઠવવામાં આવ્યા છે અને ચાર સંકેતના સંયોજનથી તેનો ઉપયોગ કરી શકાય છે.
પોપકી (PopKey) નામના કીબોર્ડમાં મૂળાક્ષરોની જગ્યાએ એનિમેટેડ જિફ્સનો ઉપયોગ થાય છે.
આ બધા નવા-તરંગી કીબોર્ડ્ઝ સ્પીડનો દાવો કરે છે, પણ એને ખરી વિશિષ્ટતા ગણાય? કમસેકમ લેખકો માટે તો નહીં જ.
અમેરિકન લેખક ટ્રુમેન કપોટે તેને લેખન નહીં, પણ ટાઈપિંગ ગણાવ્યું હતું.
લખાણ તત્કાળ પબ્લિશ કરવાની ઈનબિલ્ટ ક્ષમતા ધરાવતાં સંખ્યાબંધ કીબોર્ડ્ઝ આપણા માટે ઉપલબ્ધ છે, પણ આપણી ગતિને ઘટાડે અને ભૂલ કરતા બચાવે તેવી કોઈ પણ બાબતને આપણે આવકારવી જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












