You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Omegle : 'હું માત્ર 11 વર્ષની હતી પણ તે ઇચ્છતો કે હું વધુ યુવાન લાગું', એ વેબસાઇટ જ્યાં રોજ સેંકડો બાળકોનું જાતીય શોષણ થાય છે
- લેેખક, જો ટાઇડી
- પદ, સાયબર સંવાદદાતા
ચેતવણી : અહેવાલના અંશો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.
એક યુવતી તરીકે ઍલિસે લોકપ્રિય લાઇવ વીડિયો ચૅટ વેબસાઇટ ઓમેગલ પર લૉગઈન કર્યું અને વિચિત્ર રીતે એક પીડોફીલ સાથે મૅચ કરાઈ. જેણે ઍલિસને ડિજિટલ સેક્સ સ્લેવ બનવા મજબૂર કરી. લગભગ 10 વર્ષ બાદ આ યુવતીએ ઓમેગલ સામે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ ઐતિહાસિક છે કારણ કે જો તેને લઈને યોગ્ય ચુકાદો આવે તો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ વિરુદ્ધ પણ આ પ્રકારના કેસોની લહેર આવી શકે છે.
(ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુવતીનું નામ બદલવામાં આવ્યું છે.)
10 વર્ષ બાદ પણ ઍલિસને નાની-નાની બાબતો તેમની સાથે થયેલાં દુર્વ્યવહારની યાદ અપાવે છે.
તેમનું શોષણ કરનાર એ બાબતનું ઘણું ધ્યાન રાખતો હતો કે તેઓ વીડિયોમાં કેવા દેખાય છે. તે ઍલિસને માથામાં ડાબી બાજુએ પૉનીટેલ રાખવાનું કહેતો અને તેમની પાસેથી ફોટોઝ અને વીડિયો મંગાવતો.
તેઓ કહે છે, "એ સમયે હું માત્ર 11 વર્ષની હતી, પણ તે ઇચ્છતો કે હું વધુમાં વધુ યુવાન લાગું."
અત્યારે પણ જ્યારે ઍલિસના વાળ ડાબી બાજુ ખેંચાય ત્યારે તે 10 વર્ષ જૂની યાદોના આઘાતમાં સરી પડે છે અને ધ્રૂજી ઊઠે છે.
ઍલિસ હાલ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને એક રિલેશનશીપમાં પણ છે. પરંતુ તેઓ કહે છે કે તેમની સાથે જે દુર્વ્યવહાર થયો છે, તેનાં નિશાન જિંદગીભર રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવી રીતે શરૂ થયું શોષણ?
ઍલિસે જ્યારે પહેલી વખત ઓમેગલનો ઉપયોગ કર્યો ત્યારે તે પહેલેથી જ ઇન્ટરનેટ પર કુખ્યાત હતું.
તેઓ કહે છે, "હું અને મારા મિત્રો એક પાર્ટીમાં હતા. જ્યાં અમે પહેલી વખત તેનો (ઓમેગલ)નો ઉપયોગ કર્યો. અમારી સ્કૂલમાં બધા જ તેના વિશે જાણતા હતા પણ કોઈને અંદાજ નહોતો કે એ કેટલું ખતરનાક છે."
વેબસાઇટ પર નજર રાખનાર 'સેમરશ'ના વિશ્લેષકો અનુસાર, હાલ ઓમેગલ પર દર મહિને લગભગ 73 મિલિયન લોકો આવે છે. જેમાંથી મોટા ભાગના ભારત, અમેરિકા, બ્રિટન, મૅક્સિકો અને ઑસ્ટ્રેલિયાથી હોય છે. કેટલાક કિશોરો માટે આ લાઇવ વીડિયો ચૅટનું એક એવું માધ્યમ છે, જ્યાં અજાણ્યા લોકો વચ્ચે કંઈ પણ થઈ શકે છે.
પાર્ટી બાદ ઍલિસે એકાંતમાં ઓમેગલ પર લૉગઇન કર્યું. જ્યાં તેમની મુલાકાત કૅનેડિયન પીડોફીલ રાયન ફૉર્ડીસ સાથે થઈ.
ઍલિસ તે સમયે કિશોરાવસ્થાની પ્રારંભિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં હતાં અને ફૉર્ડીસ તેમને સાંત્વના આપતો હતો. બંને વચ્ચે જ્યારે પહેલી વખત વાત થઈ ત્યારે જ ફૉર્ડીસે ઍલિસને પોતાનો નંબર આપવા સમજાવ્યાં.
ઍલિસ કહે છે, "તેણે તરત જ મારી સાથે ચાલાકી કરવાની શરૂ કરી અને ખૂબ ઝડપથી એવી વસ્તુઓ કરવાની ફરજ પાડી, જે એક બાળકે ન કરવાની હોય."
એકવાર ફૉર્ડીસે ઍલિસને અંતરંગ તસવીરો મોકલવા દબાણ કર્યું. તેણે ઍલિસ સમક્ષ એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે તે બાળ જાતીય શોષણની સામગ્રીઓ બનાવવા અને તેને શૅર કરવામાં સંડોવાયેલી છે. ધરપકડના ડરથી તેણીએ પરિવાર અને મિત્રોથી આ વાત છુપાવી રાખી હતી.
ઍલિસ જણાવે છે, "મેં મારા બાળપણનો મોટો હિસ્સો એવો હતો જે મેં બાળકો માટે ખરાબ ઇરાદા ધરાવતા લોકોના ઇશારે વિતાવ્યો."
આ બધું ત્રણ વર્ષ સુધી ચાલુ રહ્યું, જ્યાં સુધી આખરે ફૉર્ડીસે રસ ગુમાવ્યો અને ઍલિસ સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી.
કેવી રીતે ઘટના આવી પ્રકાશમાં?
ઍલિસે આ રહસ્ય મરતાં દમ સુધી સાચવી રાખવાનું નક્કી કર્યું હતું પણ કૅનેડિયન પોલીસને ખબર પડી કે કોઈ વ્યક્તિ બાળ જાતીય શોષણની સામગ્રી ઑનલાઇન શૅર કરી રહી છે.
કૅનેડાના વિનીપેગથી લગભગ 200 કિલોમિટર પશ્ચિમે આવેલા નાનકડા શહેર બ્રાન્ડનમાં પોલીસ વિભાગનાં ફૉરેન્સિક નિષ્ણાત કૉન્સ્ટેબલ પૅમ ક્લાસેને ઑનલાઇન સામગ્રી શૅર કરી રહેલી વ્યક્તિનું આઈપી ઍડ્રેસ શોધીને સર્ચ વૉરન્ટ મેળવ્યું.
પૅમ ક્લાસેન જ્યારે 12 જાન્યુઆરી 2018ના રોજ ફૉર્ડીસના ઘરે પહોંચ્યાં ત્યારે તે ઘરમાં હાજર ન હતો, પરંતુ તેઓ તેના કૉમ્પ્યુટરમાં લૉગઇન કરવામાં સફળ રહ્યાં અને અંદર જે હતું તે જોઈને તેઓ ચોંકી ઊઠ્યાં.
ફૉર્ડીસના કૉમ્યુટરમાંથી બાળકોની વિચલિત કરી દે તેવી તસવીરો અને વીડિયોઝનો ભંડાર મળી આવ્યો હતો. બપોરે જ્યારે તે જમવા માટે ઘરે આવ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.
ક્લાસેન કહે છે, "તે અમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તેની પત્નીને પણ લાગ્યું કે કોઈ ભૂલ થઈ હશે."
પોલીસને ફૉર્ડીસના કૉમ્પ્યુટરમાંથી સાત ફોલ્ડર મળ્યાં હતાં. દરેક ફોલ્ડરમાં અલગ-અલગ છોકરીઓનાં નામ હતાં. તે પૈકીના એક ફોલ્ડરમાં 11થી 14 વર્ષીય ઍલિસની 220 તસવીરો અને વીડિયો હતા. જેમાંથી કેટલાકમાં તેણીને હસ્તમૈથુન અથવા તો પેશાબ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
પૅમ ક્લાસેને આ ફોટોઝ ઝીણવટતાપૂર્વક જોયા અને તેમાંથી કેટલાકમાં ઍલિસે પહેરેલા સ્કૂલના ગણવેશના આધારે તેણીને ટ્રૅક કરી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ઍલિસ સાથે વાતચીત બંધ કર્યા બાદ બે બાળકોના પિતા ફૉર્ડીસે ઓમેગલ દ્વારા અન્ય બે બાળકીઓનું પણ જાતીય શોષણ કર્યું હતું.
ડિસેમ્બર 2021માં ફૉર્ડીસને આઠ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
એએમ બનામ ઓમેગલ
ફૉર્ડીસ સળિયા પાછળ ગયા બાદ હાલમાં ઍલિસે ઓમેગલ પર કેસ કર્યો છે. આ કેસ પર વિશ્વભરમાંથી નજરો ટકેલી છે.
'પ્રોડક્ટ લાયાબિલિટી લૉ-સ્યુટ' એટલે કે ઉત્પાદન જવાબદારી અંગેના આ કેસમાં કદાચ પહેલી વખત કોઈ ટેકનૉલૉજી પ્લેટફૉર્મને તેની બનાવટના કારણે કોર્ટમાં આવવું પડ્યું છે.
પાછલાં વર્ષોમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નૅપચેટ સામે પણ આવા ડઝનેક કેસ થયા હતા. પરંતુ ઍલિસનો કેસ 'એએમ બનામ ઓમેગલ' આ તમામ કેસો માટે માર્ગ દોરી શકે છે.
ઍલિસના વકીલ કૅરી ગોલ્ડબર્ગ સમજાવે છે, "અમેરિકામાં કૉમ્યુનિકેશન ડિસન્સી ઍક્ટની કલમ 230ના કારણે ઑનલાઇન પ્લેટફૉર્મ પર દાવો કરવો અવિશ્વસનીય રીતે મુશ્કેલ છે."
"પરંતુ થોડાં વર્ષો પહેલાં અમે વિચારવાનું શરૂ કર્યું કે ચાલો, આને માત્ર મૂળભૂત ઉત્પાદનો તરીકે ગણવાનું શરૂ કરીએ અને જોઈએ કે તેની ડિઝાઇનમાં કોઈ ખામી છે કે કેમ જેના કારણે નુક્સાન થઈ રહ્યું છે?"
તેમની દલીલ છે કે ઓમેગલ પર અજાણ્યા લોકો સાથે જોડાવાનું અને ઉંમર ચકાસણીના અભાવના કારણે તે "શિકારીઓ માટે શિકાર કરવાનું મેદાન" બની ગયું હતું.
તેમની આશા છે કે આ કેસથી ઍલિસને લાખો ડૉલર્સનું વળતર મળે અને ઓમેગલની ડિઝાઇનમાં ફેરફાર કરવા દબાણ ઊભું થાય.
કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આ કેસ ઘણો મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
મેટા સામે યુકેમાં ખરડો દાખલ કરવાની તૈયારી ડૉ લિઝા લોવડાલ ગોર્મસેન કહે છે કે, જો એ.એમ વિરુદ્ધ ઓમેગલનો કેસ અદાલતમાં ચાલશે અને સફળ થશે તો આવા કેસમાં અનેક પીડિતો સામે આવી શકે છે."
આવા ખરડામાંખી અમેરિકા અથવા અન્ય દેશમાં આવેલા ચુકાદામાંથી સમગ્ર વિશ્વમાં વેબસાઇટના યૂઝર્સને લાભ થશે.
યુકેની સરકાર જો ઑનલાઇન સેફ્ટી બિલ પસાર કરાવી શકે તો ઓમેગલને યુકેમાં પણ સજા મળી શકે છે. આ બિલમાં બાળકોને નુકસાનથી બચાવવામાં નિષ્ફળ રહેનારી કંપનીઓને દંડ ફટકારી શકે છે.
ઓમેગલના સ્થાપકની શોધ
ઓમેગલની લીગલ ટીમે કોર્ટમાં દલીલો કરી હતી કે ઍલિસ સાથે જે કંઈ પણ થયું તે માટે તેમની વેબસાઇટ જવાબદાર નથી અને ઓમેગલ "શિકારીઓ માટે શિકારનું મેદાન" નથી. પણ છેલ્લા બે વર્ષમાં પીડોફીલ્સ સામે નોંધાયેલા પચાસેક કેસોમાં ઓમેગલનું નામ સામે આવ્યું છે. તે પૈકી 20 તો અમેરિકામાં જ નોંધાયા છે. બાકીના યુકે, ઑસ્ટ્રેલિયા, સ્પેન અને સીપ્રસમાં નોંધાયા છે.
વેબસાઇટના સ્થાપક લેઇફ બ્રૂક્સ ઍલિસના કેસ વિશે ઇમેઈલના માધ્યમથી વાત કરવા તૈયાર નહોતા એટલે અમે ફ્લોરિડાસ્થિત તેમના નિવાસસ્થાને ગયા. ત્યાં પણ તેઓ વાત કરવા તૈયાર થયા ન હતા.
જોકે, બાદમાં તેમણે પોતાનું નિવેદન મોકલાવ્યું હતું. જે મુજબ "ઓમેગલના વપરાશકર્તા તેમના વર્તન માટે ખુદ જવાબદાર છે. ઓમેગલ વપરાશકર્તાઓની સુરક્ષાને અત્યંત ગંભીરતાથી લે છે. ઓમેગલ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન મૉડરેટર્સ સતત નજર રાખે છે અને બાળકોનું શોષણ કરનારા લોકોને પકડવામાં પોલીસની મદદ પણ કરે છે."
એ વાત સાચી છે કે લેઇફ બ્રૂક્સે પોતાની વેબસાઇટમાં થોડો ઘણો સુધારો પણ કર્યો છે. ઍલિસ દ્વારા કરાયેલા કેસના થોડાક સમય બાદ ઓમેગલ પર યુઝર્સ 18 વર્ષના છે કે નહીં તે ચકાસવા માટે એક ટિક બૉક્સ પર ક્લિક કરવું પડે છે.
પરંતુ ઍલિસના વકીલો કહે છે કે એ પૂરતું નથી.
ઍલિસનું ખુદનું કહેવું છે કે તેઓ ઓમેગલને બંધ થતું જોવા માગે છે.
જો તમે આ કહાણીના કોઈ પણ ભાગથી પ્રભાવિત થયા હો તો તમે બીબીસી ઍક્શનઑનલાઇન પર મદદ મેળવી શકો છો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો