ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત કેમ મોડી કરાઈ? ચૂંટણીપંચે શું કહ્યું?

ગુજરાત ચૂંટણીપંચ

ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુરુવારે પત્રકારપરિષદ યોજીને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી.

1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાનની પ્રક્રિયા અને 8 ડિસેમ્બરે પરિણામની જાહેરાત કરાઈ હતી.

પત્રકારપરિષદમાં ગુજરાતની વિધાનસભા ચૂંટણીની મોડી જાહેરાત સંદર્ભે થઈ રહેલા આરોપ અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું હતું કે :

"ગુજરાતની વિધાનસભાની મુદ્દત આ જાહેરાત કરાઈ રહી છે ત્યારથી 110 દિવસે પૂરી થવાની છે. ચૂંટણીપંચે વિધાનસભાની મુદ્દતની અંતિમ તારીખ ધ્યાને રાખવાની હોય છે. ના કે કોઈ અન્ય રાજ્યમાં ચૂંટણીની જાહેરાત."

તેમણે પોતાના જવાબને વધુ વિસ્તૃત રીતે રજૂ કરતાં કહ્યું હતું કે, "મતગણતરીની તારીખ બાદ પણ ગુજરાત વિધાનસભાની મુદ્દત પૂરી થવાને 72 દિવસનો સમય બાકી રહેશે."

હિમાચલ પ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતની ચૂંટણી જાહેર ન કરવા અંગે પ્રશ્ન પૂછાતાં મુખ્ય ચૂંટણી કમિનશર રાજીવકુમારે જવાબ આપ્યો હતો કે, "આ એક ખૂબ જ જટિલ પ્રક્રિયા હોય છે, જે-તે રાજ્ય-પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત હવામાન, સ્ટાફની ઉપલબ્ધતા અને અન્ય ઘણાં પરિબળોને આધારે નક્કી થતી હોય છે.

"આમ તો માર્ચ પહેલાં પણ અન્ય ત્રણ ચૂંટણીઓ થવાની છે, તો એમની જાહેરાત પણ અત્યારે કરવાથી સરળતા રહે એમ છે, પરંતુ આવું ઉપર જણાવ્યા એ કારણોને લીધે ન કરી શકાય."

line

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચની વ્યવસ્થા

ગુજરાત ચૂંટણીપંચ

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે ચૂંટણીપંચે કરેલ તૈયારીઓ અંગે વિગતો આપતાં કહ્યું હતું કે આ ચૂંટણી પારદર્શી અને સમાવેશી પ્રકારે કરાવાય તેવા પંચે પ્રામાણિક પ્રયત્નો કર્યા છે.

ચૂંટણીપંચ ગુજરાતની ચૂંટણી માટે 51,752 મતદાનકેન્દ્રો ઊભાં કરવાનું છે.

તેમણે જણાવ્યું હતું કે, "તમામ મતદાનકેન્દ્રો ભોંયતળિયે જ હશે અને ત્યાં પાણી, વેઇટિંગ એરિયા અને ટૉઇલેટ સહિતની પ્રાથમિક સુવિધાઓથી સજ્જ હશે."

"મહિલા, ટ્રાન્સજેન્ડર, વયોવૃદ્ધ, નવા મતદારો અને વિકલાંગ મતદારોને ધ્યાને લઈને કેન્દ્રોમાં વિશેષ સુવિધાઓ અપાશે. જે મતદારો પોતાના ઘરેથી મતદાન કરવા માગશે તેમના માટે કમિશન ઘરેથી મત આપવાની સુવિધા આપશે."

રાજીવકુમારે આગળ કહ્યું હતું કે, "ગુજરાતના આફ્રિકન મૂળના સિદ્દી સમાજના લોકો માટે અલાયદાં ત્રણ મતદાનકેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય કેટલાંક એવાં પણ સ્થળો છે જ્યાં ખૂબ ઓછા મતદારો માટે વિશિષ્ટ વ્યવસ્થાઓ કરીને મતદારો મત આપવાતી વંચિત ન રહે તેવું સુનિશ્ચિત કરાશે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન