સ્થાપનાનાં 100મા વર્ષ સુધીમાં આરએસએસની આ કામ કરવાની યોજના

  • દેશના કેટલાક ભાગોમાં ધર્માતરણનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે
  • સંઘ વસતી વિસ્ફોટ અને તેમાં અસંતુલનના મુદ્દા જે રીતે ઉઠાવી રહ્યો છે તેના સંદર્ભમાં વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીએ કહ્યું હતું કે, દેશમાં વસ્તી વધારો થઈ રહ્યો છે અને મુસલમાનોની વસ્તી વધી રહી છે
  • ઉત્તર પ્રદેશમાં ધર્માંતર સંબંધે "ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રતિબંધ વટહૂકમ-2020" બહાર પાડવામાં આવ્યો છે. તેને લવજેહાદ કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પ્રયાગરાજ જઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) એટલે કે સંઘના વડા મોહન ભાગવત સાથે કરેલી મુલાકાતની ચર્ચા પણ થઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાં મોહન ભાગવતનો સૌથી લાંબો કાર્યક્રમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તેથી ચર્ચા એ વિશે પણ થઈ રહી છે કે, તેઓ ઉત્તર પ્રદેશને આટલું બધુ મહત્ત્વ શા માટે આપી રહ્યા છે? આ પ્રશ્નોથી સંઘના ભાવિ એજન્ડા બાબતે ક્યાસ કાઢવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.

લગભગ 24 કરોડની વસ્તી ધરાવતું ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય છે અને રાજકીય વર્તુળોમાં એવું કહેવાય છે કે કેન્દ્રમાં સત્તાનો માર્ગ ઉત્તર પ્રદેશ થઈને જાય છે.

તેનું કારણ એ છે કે, 80 બેઠકોવાળું આ રાજ્ય સૌથી વધુ સંસદ સભ્યોને લોકસભામાં મોકલે છે.

તેથી કેન્દ્રમાં સત્તા હાંસલ કરવા માટે ઉત્તર પ્રદેશમાં મહત્તમ બેઠકો જીતવાનું લક્ષ્ય દરેક પક્ષનું હોય છે.

સંઘ ભારતીય જનતા પાર્ટીનું માતૃ સંગઠન છે. પાછલી બે ચૂંટણીમાં બીજેપીના વિજયમાં સંઘે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એ ભૂમિકા અંતર્ગત આ કાર્યક્રમ ઉત્તર પ્રદેશમાં યોજવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સંઘે જણાવી યોજના

સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ કાર્યક્રમ બાબતે જણાવ્યું હતું કે, "2024ના અંત સુધીમાં દેશનાં તમામ મંડળોમાં શાખા સ્થાપવાની યોજના બનાવવામાં આવી છે. કેટલાક પ્રાંતોનાં પસંદગીના મંડળોમાં આ કામ 99 ટકા સુધી પૂર્ણ થઈ ગયું છે. ચિત્તોડ, વ્રજ અને કેરળ પ્રાંતમાં મંડલ સ્તર સુધી શાખાઓ શરૂ થઈ ગઈ છે."

તેમણે ઉમેર્યુ હતું કે, "દેશમાં અગાઉ સંઘની 54,382 શાખાઓ હતી, જેની સંખ્યા હવે વધીને 61,045 થઈ ગઈ છે. ગત વર્ષમાં સાપ્તાહિક મિલનમાં 4 હજાર ને માસિક મંડળીમાં 1,800નો વધારો થયો છે."

તેમણે કહ્યું કે, "સંઘની સ્થાપનાને 2025માં 100 વર્ષ પૂર્ણ થવાનાં છે. સમગ્ર દેશમાં સંઘના કામ માટે શતાબ્દી વિસ્તારક તરીકે 3 હજાર યુવક-યુવતીઓ નીકળી પડ્યાં છે. તેમાં 1000 શતાબ્દી વિસ્તારકોનો ઉમેરો થવાનો છે."

વસતીમાં અસંતુલન, ધર્માંતરથી ઘટતી હિન્દુઓની સંખ્યા

અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકમાં દત્તાત્રેય ગોસબાલેએ વિજયાદશમી પ્રસંગે સંઘપ્રમુખે આપેલા ભાષણમાં કરેલી વસતીમાં અસંતુલનની વાતનો ઉલ્લેખ કર્યો હતો અને ધર્માંતરણ વિશે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, દેશની ઝડપથી વધી રહેલી વસ્તી ચિંતાજનક છે અને સંદર્ભે બધાએ સાથે મળીને, વિચાર કરવો જોઈએ અને બધા માટે સમાન વસતી નીતિ બનાવવી જોઈએ.

દેશમાં વસ્તીવિસ્ફોટ ચિંતાજનક બાબત છે. તેથી એ વિશે સમગ્રતા તથા એકાત્મતાથી વિચાર કરીને સમાન વસતી નીતિ બનવી જોઈએ. ધર્માતરણના કારણે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે.

દેશના કેટલાક ભાગોમાં ધર્માતરણનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. વસતીમાં અસંતુલનનું કારણ બાંગ્લાદેશમાંથી થતી ઘૂષણખોરી પણ છે, તે સાથે તેમણે કહ્યું કે, "ઉત્તર બિહારના પૂર્ણિયા તથા કટિહાર અને ઈશાન ભારતીય રાજ્યોમાં બાંગ્લાદેશી ઘૂષણખોરીની અસર દેખાય છે. એ કારણે ત્યાં આંદોલન પણ થયું હતું."

વસતીમાં અસંતુલનને વિભાજન સાથે સાંકળતાં તેમણે કહ્યું કે, વસતીમાં અસંતુલનને કારણે ઘણા દેશોમાં વિભાજનની પરિસ્થિતિ સર્જાઈ છે. ભારતનું વિભાજન પણ વસતીમાં અસંતુલનના કારણે જ થયું હતું.

સંઘનો એજન્ડા

સરસંઘચાલક મોહન ભાગવત આટલા દિવસો પ્રયાગરાજમાં રહ્યા હતા તે દર્શાવે છે કે સંઘ ઉત્તર પ્રદેશને કેટલું મહત્ત્વ આપે છે. યોગી આદિત્યનાથ પોતે મોહન ભાગવતને મળવા ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીએ સંઘની બેઠક બાબતે કહ્યું હતું કે, "મોહન ભાગવતે દશેરાના દિવસે જે ભાષણ આપ્યું હતું તેની આગળની કાર્યવાહી માટેની બેઠક હતી. દશેરાએ તેમણે પોતાનો એજન્ડા રજૂ કર્યો હતો અને હવે તેઓ દરેક જગ્યાએ તેને મજબૂતી સાથે આગળ વધારી રહ્યા છે."

સંઘ વસતી વિસ્ફોટ અને તેમાં અસંતુલનના મુદ્દા જે રીતે ઉઠાવી રહ્યો છે તેના સંદર્ભમાં રામદત્ત ત્રિપાઠીએ કહ્યું હતું કે, દેશમાં વસ્તી વધારો થઈ રહ્યો છે અને મુસલમાનોની વસ્તી વધી રહી છે.

આ તર્ક વૈજ્ઞાનિક રીતે ફેલાઈ ગયો છે. ભારતની વસ્તી વૃદ્ધિ તેના 2.1 ટકાના લક્ષ્યાંક કરતાં ઓછી છે.

તેનાથી ઓછા પ્રમાણમાં વસ્તી વધશે તો ભારતને નુકસાન થશે. જે પ્રદેશોમાં ગરીબી છે, નિરક્ષરતા છે અને આરોગ્ય સુવિધાઓનો અભાવ છે, ત્યાં વસ્તી વધી રહી છે.

હકીકત એ છે કે, આ ત્રણેય બાબતો મુસલમાનોમાં વધારે છે.

વસતીવિસ્ફોટ

2019ની 15 ઑગસ્ટે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વધતી વસતીના મુદ્દે "એક ચોક્કસ વર્ગનો" ઉલ્લેખ કર્યો હતો, જે વસતીવિસ્ફોટના પડકારો બાબતે જાગૃત છે.

વડા પ્રધાને કહ્યું હતું કે, આપણા દેશમાં આજે પણ આત્મપ્રેરણાથી એક નાનકડો વર્ગ પરિવારને મર્યાદિત રાખીને પોતાના પરિવારનું ભલું કરી રહ્યો છે અને દેશનું ભલું કરવામાં યોગદાન આપી રહ્યો છે.

ઉત્તર પ્રદેશના વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર સિંહે વડા પ્રધાન મોદી અને સંઘના નેતૃત્વના નિવેદનોનો અર્થ સમજાવતાં કહ્યું હતું કે, વડા પ્રધાનના ભાષણમાં અગાઉ વસતીનો મુદ્દો આવતો જ ન હતો. હવે ભાગવત અને હોસબલેએ તે મુદ્દો ઉઠાવ્યો છે.

તેમણે એ પણ કહ્યું હતું કે, આગામી ચૂંટણી પહેલાં આ બાબતને એક મુદ્દો બનાવવાની તૈયારી ચાલી રહી હોય એવું મને લાગે છે.

સંસદમાં આ બાબતે ખરડો રજૂ કરવામાં આવે તે પણ શક્ય છે. વસતીમાં અસંતુલનનો મુદ્દો તો સંઘ લાંબા સમયથી ઉઠાવતો રહ્યો છે, પરંતુ હવે તેણે પહેલીવાર કહ્યું છે કે, આ કારણે જ દેશનું વિભાજન થયું હતું.

વસતી અસંતુલનને દેશના વિભાજન સાથે જોડવા સંદર્ભે રામદત્ત ત્રિપાઠીએ કહ્યું હતું કે, "મુસ્લિમ બહુમતીવાળાં રાજ્યો હતાં એટલે અલગ પાકિસ્તાનની માગ કરવામાં આવી હોવાનું સંઘનું કહેવું છે. તેઓ આ બધાનો ઉપયોગ કરે છે. સંઘ તેના પ્રોપેગન્ડાની બાબતમાં હોંશિયાર છે."

લવજેહાદ, ધર્માંતર, વસતી નિયંત્રણ અને વર્તમાન તથા પ્રસ્તાવિત કાયદા

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણ સંબંધે "ગેરકાયદે ધર્મ પરિવર્તન પ્રતિબંધ વટહૂકમ-2020" બહાર પાડવામાં આવ્યો છે. તેને લવજેહાદ કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પ્રકાશિત કરેલા સમાચાર મુજબ, "ધર્માંતરણ વિરોધી કાયદાની જોગવાઈ હેઠળ એક વર્ષમાં 340 વ્યક્તિઓ વિરુદ્ધ કુલ 108 એફઆઈઆર નોંધવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસના આંકડા મુજબ, 189 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 72 ઘટનાઓમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી."

સપ્ટેમ્બર-2022માં પ્રસ્તુત કાયદા હેઠળ, સૌપ્રથમવાર કોઈને પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના થોડા સમય પહેલાં જ, કાયદા પંચે રાજ્યની વધતી વસ્તી પર લગામ તાણવા માટે એક ખરડો તૈયાર કરીને સરકારને સોંપ્યો હતો.

જોકે, યોગી સરકારે અત્યાર સુધી એ ખરડા બાબતે કોઈ પગલું લીધું નથી. જનસંખ્યા નિયંત્રણ માટે એ ખરડામાં "બે બાળકોની નીતિ"ના અમલની ભલામણ કરવામાં આવી છે.

સવાલ એ થાય છે કે વર્તમાન કાયદાઓ, તેના આધારે કરવામાં આવેલી કાર્યવાહી અને વસ્તી નિયંત્રણ સંબંધી દરખાસ્તો મૂકવામાં આવી હોવા છતાં સંઘનું શીર્ષ નેતૃત્વ આ મુદ્દાને જાહેર મંચ પરથી શા માટે ઉઠાવી રહ્યું છે?

આ બાબતે રામદત્ત ત્રિપાઠીએ કહ્યું હતું કે "સંઘને મૂળભૂત રીતે એક ખલનાયકની જરૂર હોય છે. તેમણે મુસ્લિમ સમુદાયને સમાજમાં એ રીતે પ્રસ્તુત કર્યો છે અને બહુમતી સમુદાયને તેઓ ડર દેખાડી રહ્યા છે. આ સંઘની હિન્દુઓને ઉત્તેજિત રાખવાની યોજના છે અને તે સંઘના ડીએનએમાં છે."

સંઘના તાજેતરનાં નિવેદનોને વિચારપૂર્વકની વ્યૂહરચના ગણાવતાં વરિષ્ઠ પત્રકાર સુમન ગુપ્તાએ કહ્યું હતું કે "દેશનો એક મોટો હિસ્સો સંઘની શાખાઓમાં ન જતો હોવા છતાં તેના એજન્ડાને અનુસરવા લાગ્યો છે. તેમના દૃષ્ટિકોણમાં સમાનતા આવી રહી છે, અથવા સમાન થઈ ગયા છે. દેશમાં કોમી સદભાવ અને વિવિધતાની વાતો કરતા લોકોથી તેમને ઠેસ લાગે છે. આ સંઘની તાકાત છે. તેઓ આ એજન્ડાને ફગાવી દે તો તેમની તાકાત ક્યાંની ક્યાં પહોંચી જશે."

રામદત્ત ત્રિપાઠીએ કહ્યું હતું કે "આરએસએસ માત્ર અતિતમાં જોઈ રહ્યો છે. દેશના ભવિષ્ય વિશે તેની પાસે કોઈ વિઝન કે યોજના નથી. તેઓ હિન્દુઓને ડરાવીને તેમના મત મેળવવા ઈચ્છે છે અને તેમના નિવેદનોમાં દેખાય છે કે મદરેસાઓનું સર્વેક્ષણ કરાવો અથવા મુસ્લિમ માફિયાઓને નિશાન બનાવો."

રાજેન્દ્ર સિંહે કહ્યું હતું કે "બીજેપી સંઘના એજન્ડાનો ધીમે-ધીમે અમલ કરી રહી છે તેમાં કોઈ શંકા નથી. જે મુદ્દાઓની ચર્ચા અગાઉ સંઘનાં વર્તુળોમાં થતી હતી, એ મુદ્દાઓ હવે જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે. એ સંદર્ભે જરૂરી શક્તિનો ઉપયોગ સંઘ હવે ખુલ્લેઆમ કરી રહ્યો છે."

બીજેપીના સંગઠનમાં સંઘની હાજરી બાબતે રાજેન્દ્ર સિંહે કહ્યું હતું કે "ક્ષેત્રીય હોય, પ્રાદેશિક હોય કે રાષ્ટ્રીય, બીજેપીમાં દરેક સ્તરે એક-એક પદ જ હોય છે. સંગઠન મંત્રીના સ્તરે સંઘ પોતાના પ્રતિનિધિઓને ડેપ્યુટેશન પર મોકલે છે. તેઓ બીજેપીમાં સંઘની વિચારધારાનો અમલ કરાવે છે, પરંતુ સંઘ તો એક મોટા એજન્ડા માટે કામ કરી રહ્યો છે. 2024માં તેની નિશ્ચિત ભૂમિકા છે, પરંતુ તે 2024ની આગળનું પણ વિચારી રહ્યો છે. વસતીનો મુદ્દો છેલ્લાં સાત-આઠ વર્ષોથી એજન્ડામાં ન હતો, પણ હવે છે."

એજન્ડામાં મુખ્ય બાબત કઈ છે?

સુમન ગુપ્તાએ કહ્યું હતું કે "આ એજન્ડાનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે -વસતી નિયંત્રણ. તેઓ 2024ની ચૂંટણી પહેલાં જેને જોરશોરથી ઉઠાવવા ઈચ્છે છે, જેથી તે મુદ્દાનો સારી રીતે પ્રસાર થાય. તેનું અંતિમ લક્ષ્ય હિન્દુ-મુસ્લિમનું રાજકારણ રમવાનું હોય છે."

રામદત્ત ત્રિપાઠીએ કહ્યું હતું કે "સંઘ દીર્ઘકાલીન દૃષ્ટિ સાથે પોતાનું કામ કરે છે. તે વ્યૂહાત્મક અભિગમ અપનાવે છે, પણ તેનો આધાર ઊંડો હોય છે."

તેમણે ઉમેર્યું હતું કે "કૉંગ્રેસની વિશાળ રાજકીય વ્યવસ્થાને ધીમે-ધીમે ખતમ કરવાના પ્રયાસ સંઘે કર્યા છે. એ માટે તેમને પૈસા મળી રહ્યા છે. સંઘનાં તમામ કાર્યાલયો છેલ્લાં આઠ વર્ષમાં પંચતારક બની ગયાં છે.

સંઘનો પ્રયાસ કોઈને કોઈ રીતે બીજેપીને ફરી સત્તા પર લાવવાનો છે. તેમને ખબર છે કે સત્તાની શક્તિ મારફતે જ તેઓ પોતાનો એજન્ડા અમલી બનાવી શકશે. તેથી એ માટે જરૂરી હશે તે બધું સંઘ કરશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો