ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે જ જાતિઆધારિત વસ્તીગણતરીનો મુદ્દો કેમ ઊછળી રહ્યો છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગૂ કરવાની માગ ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી છે
  • બિહારના રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી ચૂક્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ આ મુદ્દે સમર્થન આપી ચૂક્યા છે
  • ઉત્તર પ્રદેશમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવા મુદ્દે પણ રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે
  • હાલમાં જ મધ્યપ્રદેશમાં ઓબીસી માટે કમિશન નીમી રિપોર્ટ તૈયાર કરાવવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 35% સીટો ઓબીસી માટે અનામત રાખવાની ભલામણ કરવામાં આવી હતી
  • જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામતનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો છે
  • ગુજરાતમાં ઓબીસી કેટેગરીમાં આવતી અંદાજે 146 જેટલી જ્ઞાતિઓની વસ્તી કેટલી છે તેનો કોઇ સ્પષ્ટ આંકડો નથી.
  • છેલ્લે 1931માં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી જે પ્રમાણે ગુજરાતમાં ઓબીસી શ્રેણીમાં આવતી જ્ઞાતિઓની કૂલ વસ્તી 52 ટકા જેટલી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું ગમે ત્યારે બહાર પડે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં જાતિઆધારીત વસ્તીગણતરી કરવાની ચર્ચા શરૂ થઈ છે.

દરમિયાન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીએ ગુજરાતની ચૂંટણીમાં જાતિઆધારિત વસ્તી ગણતરીનો અને ત્યારબાદ ઓબીસીને તેમની વસ્તી પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27 ટકા પ્રતિનિધિત્વ મળે તેવી માગ પણ કરી છે.

ગુજરાત પહેલાં દેશના અન્ય રાજ્યોમાં પણ જાતિઆધારિત વસ્તીગણતરીનો મુદ્દો છવાયેલો રહ્યો છે. બિહારના રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ જાતિ આધારિત વસ્તીગણતરી કરાવવાની માગ કરી ચૂક્યા છે.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ આ મુદ્દે સમર્થન આપી ચૂક્યા છે.

ઉત્તર પ્રદેશમાં પણ જાતિઆધારિત વસ્તીગણતરી કરાવવા મુદ્દે પણ રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે એ સમજવું રહ્યું કે જાતિઆધારિત વસ્તીગણતરીનો મુખ્ય આશય અને તેની પાછળની રાજનીતિ શું છે?

રાજકીય વિશ્લેષકો માને છે કે દેશમાં જાતિઆધારિત વસ્તીગણતરી થાય તો મંડલ કમિશન બાદનું સૌથી મોટું પરિબળ બની શકે છે.

દેશમાં જાતિઆધારિત વસ્તીગણતરી થાય તો જે જાતિની જેટલી વસ્તી હોય એટલા પ્રતિનિધિત્વ માગ થશે.

હાલના સંજોગોમાં સૌથી વધુ અસર ઓબીસી સમાજની વિવિધ જ્ઞાતિઓને લઇને થઇ શકે તેમ છે.

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતી ઓબીસી જ્ઞાતિઓમાં ઠાકોર, કોળી, આહિર અને વિશ્વકર્મા સમાજનો સમાવેશ થાય છે.

ઓબીસી શ્રેણીમાં 146 જ્ઞાતિ

ગુજરાતમાં ઓબીસી કૅટેગરીમાં આવતી અંદાજે 146 જેટલી જ્ઞાતિઓની વસ્તી કેટલી છે તેનો કોઇ સ્પષ્ટ આંકડો નથી.

છેલ્લે વર્ષ 1931માં જાતિઆધારિત વસ્તીગણતરી થઈ હતી ત્યારબાદ ક્યારેય જાતિઆધારિત વસ્તીગણતરી થઈ નથી તેથી તેના કોઇ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.

1931ની વસ્તીગણતરીના આધારે જોઈએ તો ગુજરાતમાં ઓબીસી શ્રેણીમાં આવતી જ્ઞાતિઓની કૂલ વસ્તી 52 ટકા જેટલી હતી.

જોકે, તેની સામે તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ઓછું છે તેવા સંજોગોમાં જાતિઆધારિત વસ્તીગણતરી અંગેનો મુદ્દો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહત્ત્વનો બની રહેશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10 ટકા બેઠકો ઓબીસી માટે અનામત હતી પણ તાજેતરમાં તે રદ કરી દેવાઈ છે જેને લઈને વિવાદ થયો હતો.

હાલમાં રાજ્ય સરકાર દ્વારા પંચ નીમીને ઓબીસી અનામતને લાગુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે પણ કૉંગ્રેસ દ્વારા ત્રણ મહિનામાં જ્ઞાતિઆધારિત વસ્તીગણતરી કરાવીને સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ તાજેતરમાં એક પત્રકારપરિષદને સંબોધતાં જણાવ્યું હતુ કે, "ગુજરાતની સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં 10% ઓબીસી અનામતની જોગવાઈ હતી તેને કાઢી નાંખવામાં આવી છે. કૉંગ્રેસ પાર્ટીની મહત્ત્વની માગણી છે કે જાતિઆધારિત વસ્તીગણતરી થવી જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ સૈદ્ધાંતિક રીતે આ વાતને સ્વીકારવામાં આવી છે પરંતુ યેનકેન પ્રકારે આ કામ કરવામાં આવતું નથી."

ભરતસિંહે કહ્યુ હતું, "ભાજપ એવું માને છે કે અનામતની જોગવાઈ ન હોવી જોઈએ. વર્ષ 1972માં બક્ષીપંચની રચના કરવામાં આવી હતી. જે પંચ દ્વારા 27 ફેબ્રુઆરી 1976ના રોજ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે 10 જાન્યુઆરી 1985ના રોજ 27% ઓબીસી અનામત જાહેર કરવામાં આવી હતી."

"જોકે, ભાજપની વર્તમાન સરકારે અનામત નાબૂદ કરવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ નવા સરવેમાં ઓબીસી જેની તરફ વળશે તેની સરકાર આવશે તે સ્પષ્ટ છે."

મધ્યપ્રદેશમાં 27 ટકા ઓબીસી અનામતનો પ્રસ્તાવ સ્વીકારાયો

રાજકીય વિશ્લેષક ડૉ. હરિ દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "દેશમાં વર્ષ 1931માં જાતિઆધારિત વસ્તીગણતરી થઈ એ બાદ વર્ષ 2011માં કૉંગ્રેસની મનમોહન સિંહની સરકારે જાતિઆધારિત વસ્તીગણતરીનો પ્રસ્તાવ મૂક્યો હતો. "

"જે વિપક્ષમાં રહેલા ભાજપ દ્વારા પણ સપોર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ આરએસએસ દ્વારા જાતિઆધારિત વસ્તીગણતરીનો વિરોધ કરવામાં આવે છે."

"આરએસએસ એવું માને છે કે, જાતિઆધારિત વસ્તીગણતરી કરવાથી હિન્દુ સમાજ વિભાજિત થઈ થશે. જાતિઆધારિત વસ્તીગણતરીના આંકડાઓ બહાર આવે તો દરેક સમાજ પોતાની વસ્તીના આધારે પ્રતિનિધિત્વ માગી શકે છે. ગુજરાત રાજ્યમાં 1931માં ઓબીસીની વસ્તી 52 ટકા હતી જેને હાલ પણ એટલી જ ગણવામાં આવે છે."

"હાલ અલગ-અલગ રાજકીય પક્ષો દ્વારા સર્વે કરાવવામાં આવ્યા હતા. જેમાં એવું સ્પષ્ટ બહાર આવ્યું છે કે, જે બાજુ ઓબીસીના મત પડશે તે પાર્ટી જીતશે. જેથી ઓબીસીને ખુશ કરવા માટે દરેક પાર્ટીઓ દોડી રહી છે."

"હાલમાં જ મધ્ય પ્રદેશમાં ઓબીસી માટે પંચ રચીને રિપોર્ટ તૈયાર કરાવવામાં આવ્યો. રિપોર્ટ મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 35% બેઠકો ઓબીસી માટે અનામત રાખવાની ભલામણ કરવામાં આવી."

"એમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામતનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો. જોકે મધ્ય પ્રદેશ સામે ગુજરાતમાં 54% કરતાં વધુ ઓબીસી વસ્તી હોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામપંચાયત, તાલુકાપંચાયત તેમજ જિલ્લાપંચાયત વગેરેમાં માત્ર 10% જ સીટો ઓબીસી અનામત આપવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થઆઓમાં ઓછામાં ઓછી 27 ટકા સીટો ઓબીસીને મળવી જોઈએ."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " હાલમાં સરકાર દ્વારા સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત માટે સમર્પિત આયોગની રચના કરવામાં આવી છે. જોકે તેમાં પણ અધિકારીઓ દ્વારા ઓબીસીની જાતિના આંકડા ઓછા બતવતા હોવાના પણ આક્ષેપ થયા છે."

ગુજરાત આરએસએસના પ્રચારપ્રમુખ વિજય ઠાકર સાથે બીબીસીએ આ અંગે વાત કરી.

તેઓ જાતિઆધારીત વસ્તીગણતરીને અપ્રસ્તૃત ગણાવીને એનાથી સમાજમાં ભેદભાવ સર્જાય એવો મત વ્યક્ત કરે છે.

તેઓ કહે છે, "જ્યારે સમગ્ર સમાજમાં સમાનતાની વાત થતી હોય, જાતિઆધારીત ભેદભાવને સમાપ્ત કરવાની વાત થતી હોય, ત્યારે જાતિઆધારીત વસ્તીગણતરી અપ્રસ્તુત બની જાય છે. જાતિઆધારીત વસ્તીગણતરી સમાજમાં ભેદનું નિર્માણ કરશે."

ડેટા હશે તો જ્ઞાતિના પ્રશ્નોને વાચા આપી શકાશે

આ અંગે સમાજશાસ્ત્રી વિદ્યુત જોષી બીબીસી સાથે વાત કરતાં કહે છે, "દરેક રાજકીય પક્ષો જ્ઞાતિના સમીકરણો નક્કી કરે છે અને તે મુજબ પોતાની વ્યૂહરચના બનાવે છે. "

"અનામતના લાભ આપવા માટે જાતિઆધારિત વસ્તીગણતરી કરવી જરૂરી છે. જેમ કે અનામત 50 ટકાથી વધુ હોવી જોઇએ નહીં એટલે 49.50 ટકા બેઠકો અનામત કૅટેગરી માટે રાખવામાં આવે છે."

" ઓબીસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં કેટલી અનામત આપવી જેવા કાનૂની સવાલો પણ ઊભા થશે. જેમાં જાતિઆધારિત વસ્તીગણતરી હશે તો જ તેને પુરાવા તરીકે મૂકી શકાશે."

જાતિઆધારિત વસ્તીગણતરીથી જ્ઞાતિવાદ વકરશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "જાતિઆધારિત વસ્તીગણતરી કરવાથી જ્ઞાતિવાદ વધશે નહીં. નવી નીતિઓ બનાવવામાં પણ જાતિઆધારિત વસ્તીગણતરી મદદરૂપ સાબિત થશે. જેમ કે, ધાર્મિક લઘુમતી, ભાષા લઘુમતી વગેરેના સચોટ આંકડા પણ મળશે જે તેમના વિકાસ માટેની નીતિઓ બનાવવામાં મદદરૂપ થશે."

બીબીસીએ જાતિ આધારિત વસ્તીને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાનો પણ સંપર્ક કર્યો હતો.

તેઓ કહે છે, "જાતિઆધારિત વસ્તીગણતરી અંગે હાલ દેશમાં ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અમારી પાર્ટી પણ જાતિઆધારિત વસ્તીગણતરીના સમર્થનમાં છે. દેશમાં અલગ-અલગ જાતિઓના અલગ-અલગ પ્રશ્નો પણ છે. જો સરકાર પાસે આ ડેટા હોય તો તેમના વિકાસ માટે તે મુજબ કામ કરી શકાય છે. તેમજ દરેક જ્ઞાતિના પ્રશ્નોને વાચા આપી શકાય."

આ અંગે બીબીસીએ ભાજપનો મત જાણવા પ્રયાસ કર્યો હતો. જોકે, ભાજપમાંથી કોઈનો સંપ્રક સાધી શકાયો નહોતો. તેમનો મત મળતાં જ અહીં ઉમેરી દેવાશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો