ભારત વિ. પાકિસ્તાન : કોહલી અંતિમ ઓવરમાં બોલ્ડ થયા છતાં ભારતને ત્રણ રન કેવી રીતે મળ્યા?

ઇમેજ સ્રોત, Getty Images

- રવિવારે ટી-20 વર્લ્ડકપની સુપર 12 મૅચમાં ભારતની પાકિસ્તાન સામે ચાર વિકેટથી જીત થઈ હતી
- આ જીતના હીરો વિરાટ કોહલી રહ્યા હતા તેમણે માત્ર 53 બૉલમાં 82 રન બનાવ્યા હતા
- મૅચની અંતિમ ઓવર અત્યંત રસપ્રદ રહી હતી જેમાં નો બૉલ અને ફ્રી હિટના નિર્ણય મામલે વિવાદ થયા હતા
- ઘણા સોશિયલ મીડિયા યુઝરો ફ્રી હિટ પર લેવાયેલા ત્રણ રનને અમાન્ય ઠેરવી અને આ બૉલને ડેડ બૉલ જાહેર કરવાની દલીલ કરી રહ્યા હતા

વર્લ્ડ ટી-20 વર્લ્ડકપની સુપર 12ની રવિવારે યોજાયેલ પાકિસ્તાન અને ભારત વચ્ચેની મૅચમાં અંતિમ ઓવરનો ચોથો બૉલ ફેંકાવાનો હતો. ભારત હજુ ટાર્ગેટથી 12 રન દૂર હતું.
પાકિસ્તાન તરફથી અંતિમ ઓવર નાખવાની જવાબદારી સ્પિનર મોહમ્મદ નવાઝ પર હતી, તેમની ઓવરની શરૂઆત પણ ખૂબ સરસ રહી. અંતિમ ઓવરના પ્રથમ બૉલે જ હાર્દિક પંડ્યાને 40 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કરવામાં તેઓ સફળ રહ્યા હતા.
આ ઓવરના ચોથા બૉલનો સામનો વિરાટ કોહલી કરી રહ્યા હતા. આ બૉલ એક ફુલટૉસ હતો. કોહલીએ ફુલટૉસનો લાભ ઊઠાવતાં ડીપ સ્ક્વેર લેગ પર છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો. બાઉન્ડ્રીએ ઊભેલા પાકિસ્તાની ફિલ્ડરે છગ્ગો રોકવાનો પ્રયાસ કરવા મારેલી છલાંગ કામ ન લાગી અને ભારતના ખાતામાં છ રન ઉમેરાઈ ગયા. પરંતુ આટલું જાણે મૅચને રોમાંચક બનાવવા પૂરતું ન હોય તેમ અમ્પાયરે આ બૉલ નો બૉલ હોવાનું ઠરાવ્યું.
જેને લઈને નારાજ પાકિસ્તાની કૅપ્ટન બાબર આઝમ અમ્પાયર સાથે દલીલ કરવા ગયા પરંતુ તેનો લાભ ન થયો. અને ક્રિકેટના નિયમો અનુસાર ભારતને હવે ફ્રી હિટ મળી.
ટાર્ગેટ પૂરો કરવા માટે પ્રયત્નરત ભારત માટે આ વાત વરદાનથી કમ ન હતી.
મૅચની શરૂઆતમાં આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતા મોહમ્મદ નવાઝ હવે દબાણ હેઠળ આવી ગયા હોવાનું અનુભવાઈ રહ્યું હતું. ફ્રી હિટ હોય અને સામે વિશ્વના શ્રેષ્ઠ બૅટ્સમૅનો પૈકી એક કોહલી હોય તો ગમે તે બૉલરને દબાણ અનુભવાય એ સ્વાભાવિક પણ છે. આ જ દબાણના કારણે કદાચ ફ્રી હિટની આ ડિલિવરી વાઇડમાં પરિણમી.
તે બાદ માન્ય બૉલ નાખવામાં મોહમ્મદ નવાઝને સફળતા મળી અને તેના પર કોહલી બોલ્ડ થઈ ગયા. પરંતુ ફ્રી હિટ હતી અને સ્ટમ્પને લાગીને બાઉન્ડ્રી ભણી દોડી રહેલા બૉલના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો લાભ લેવામાં સ્ફૂર્તિલા વિરાટ અને સામે છેડે રહેલા દિનેશ કાર્તિકને વાર ન લાગી. તેમણે આનો મહત્તમ લાભ લીધો અને ભારતના ખાતામાં ત્રણ રન વધુ જોડી દીધા. આમ માત્ર ચોથા બૉલ પર જ ભારત 11 રન બનાવવામાં સફળ રહ્યું.
નો બૉલનો નિર્ણય અને પછી ફ્રી હિટ પર સ્કોર કરાયેલ રન અંગે પાકિસ્તાનના ઘણા ચાહકોએ સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી. જેમાં કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરો અને સેલિબ્રિટીઓ પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પૈકી ઘણાએ કોહલી ફ્રી હિટ પર બોલ્ડ થયા હોવાનો તર્ક આપીને તેમણે સ્કોર કરેલા ત્રણ રનને માન્ય ગણવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેઓ આ બૉલને ડેડ-બૉલ ઠેરવીને સ્કોર કરેલા રન ન ગણી શકાય તેવું જણાવી રહ્યા હતા. પરંતુ પરિણામ અંગે આપણને ખબર છે. આ રન ગણાયા અને ભારત મૅચ જીતવામાં પણ સફળ રહ્યું.
પરંતુ હવે જ્યારે આ વિવાદ અંગે વાત થઈ રહી છે ત્યારે વાત કરીએ ફ્રી હિટ પર સ્કોરિંગના નિયમો અંગેની. આ અંગે આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના નિયમો સ્પષ્ટ છે.

આઇસીસીનો નિયમ

ઇમેજ સ્રોત, Getty Images
આઇસીસીના નિયમો પ્રમાણે ફ્રી હિટ પર જો બૅટ્સમૅન આઉટ થાય તો પણ તે રન લઈ શકે છે.
જો આ દરમિયાન બૉલ બૅટને અડકે તો એ બૉલ પર આઉટ થયા છતાં બૅટ્સમૅન રન લઈ શકે છે અને તે રન બૅટ્સમૅનના ખાતામાં ગણાશે.
પરંતુ જો બૅટ્સમૅન આઉટ થાય અને બૉલ તેમના બૅટને ન અડે તો તેવી પરિસ્થિતમાં સ્કોર કરેલ રન ઍક્સ્ટ્રામાં ગણાશે.
આ જ નિયમ કોહલીના કેસમાં પણ લાગુ પડ્યો.
એ બૉલ ફેંકાયો ત્યારે ફ્રી હિટ હતી. કોહલીના પ્રયાસ છતાં બૉલ તેમના બૅટને ન અડક્યો અને તેઓ બોલ્ડ થયા. બોલ્ડ થયા બાદ બૉલ બાઉન્ડ્રી તરફ ગયો, જેનો લાભ લઈ બંને બૅટ્સમૅનોએ ત્રણ રન સ્કોર કરી લીધા.
આઇસીસીના નિયમ 20.1.1 અનુસાર જો બૉલ વિકેટકીપર કે બૉલરના હાથમાં આવી જાય અને તેની મૂવમૅન્ટ અટકી જાય તો તે બૉલ ડેડ ગણાશે.
નિયમ 20.1.1.2 અંતર્ગત જો બૉલ બાઉન્ડ્રી બહાર જાય તો પણ તે ડેડ-બૉલ ગણાય છે.
નિયમ 20.1.1.3 અંતર્ગત જો આ બૉલ પર બૅટ્સમૅન આઉટ થાય તો પણ તે ડેડ-બૉલ ગણાય છે, સાદી ભાષામાં તેના પર બીજું કંઈ ન થઈ શકે.
ઉપરની કોઈ સંભાવનાઓ કોહલીના કેસમાં લાગુ પડતી ન હતી. કોહલી આ બૉલ પર આઉટ થયા છતાં ફ્રી હિટ લાગુ હોવાથી તેમની પાસે રન લેવાની તક હતી. અને તેમણે આ બૉલ પર ત્રણ રન લીધા પણ ખરા.
હવે બે બૉલ પર બે રનની જરૂરિયાત હતી. પરંતુ દિનેશ કાર્તિક પાંચમા બૉલે સ્ટમ્પ્ડ આઉટ થયા અને મેદાન પર અંતિમ બૉલનો સામનો કરવા માટે રવિચંદ્રન અશ્વિન આવ્યા.
અશ્વિને એક બૉલમાં બે રન કરવાના હતા. તેમની સામેનો પ્રથમ બૉલ નવાઝે વાઇડ નાખ્યો જેનો લાભ ભારતને મળ્યો હવે ભારતે માત્ર એક બૉલમાં એક રન કરવાનો હતો. અંતિમ બૉલે રવિચંદ્રન અશ્વિને સરળતાથી મિડ ઑફ પર શોટ ફટકારી એક રન લઈ લીધો અને ભારતની આ રસાકસીભરી મૅચમાં જીત થઈ.
આ જીતના હીરો વિરાટ કોહલી રહ્યા હતા તેમણે માત્ર 53 બૉલમાં 82 રન બનાવ્યા હતા.
આ પહેલાં ભારતીય ઇનિંગમાં ચાર વિકેટ શરૂઆતમાં જ પડી જતાં વિજય મેળવવાનું મુશ્કેલ લાગી રહ્યું હતું. પરંતુ ભારતના સદ્ભાગ્યે અંત તેમના માટે સુખદ રહ્યો.
ભારત તરફથી ઓપનિંગ કરવા આવેલા કે. એલ. રાહુલ અને રોહિત શર્મા ચાર-ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તેમજ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ પણ અનુક્રમે 15 અને બે રનના સ્કોરે આઉટ થઈ ગયા હતા.
પાકિસ્તાન તરફથી હૅરિસ રાઉફ, મોહમ્મદ નવાજ અને નસીમ શાહે અનુક્રમે બબ્બે અને એક વિકેટ ઝડપી હતી.

ભારતની સારી શરૂઆત, પાક.ની વળતી લડત

ઇમેજ સ્રોત, Getty Images
આ પહેલાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો. બૉલિંગમાં ભારતની શરૂઆત અત્યંત સારી રહી. બીજી જ ઓવરમાં અર્શદીપે પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમની વિકેટ લીધી. આ બાદ ચોથી ઓવરમાં તેમણે રિઝવાનને પેવેલિયન પાછા મોકલ્યા.
બાબર આઝમ ખાતું ખોલાવ્યા વગર જ એલબીડબ્લ્યૂ આઉટ થયા અને રિઝવાને કુલ ચાર રન કર્યા.
પરંતુ શાન મસૂદ અને ઇફ્તિખાર અહમદે ઇનિંગ સંભાળી. ઇફ્તિખાર અહમદે 51 રન બનાવ્યા અને શાન મસૂદ 52 રન બનાવીને નોટ આઉટ રહ્યા.
ભારત તરફથી અર્શદીપ અને હાર્દિક પંડ્યાને ત્રણ-ત્રણ વિકેટ મળી.
પાકિસ્તાનની ટીમે 91 રને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ શમીએ તેમની ત્રીજી ઓવરમાં ઇનિંગ માટે તેમની પ્રથમ સફળતા હાંસલ કરી હતી.
શાદાબ ખાનના સ્વરૂપમાં પાકિસ્તાને તેમની ચોથી વિકેટ પણ 96 રનના સ્કોરે ગુમાવી હતી.
ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેમની વિકેટ લીધી હતી.
ઇફ્તિખાર અહેમદ આઉટ થતાં મેદાન પર આવેલા શાદાબ પાંચ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
એ બાદ ક્રિઝ પર નવા આવેલા હૈદર અલી પણ મેદાન પર ઝાઝું ટકી શક્યા નહોતા અને હાર્દિક પંડ્યાની ત્રીજી ઓવરમાં તેમનો બીજો શિકાર બન્યા હતા.
હૈદર અલી ચાર બૉલ પર માત્ર બે રન જ બનાવી શક્યા હતા. પાકિસ્તાનની ટીમ પાંચ વિકેટના નુકસાને 100 રન બનાવી ચૂકી છે.
હૈદરના સ્થાને આવેલા મોહમ્મદ નવાઝ પણ નવ રન બનાવીને હાર્દિકનો શિકાર બન્યા. વિકેટ કીપર દિનેશ કાર્તિકે તેમનો કૅચ ઝડપ્યો હતો.
મૅચની શરૂઆતમાં જ બે વિકેટો ખેરવી ચૂકેલા અર્શદીપ ફરીથી પાકિસ્તાનના બૅટરો પર હાવી થયા અને નવાઝના સ્થાને આવેલા આસિફ અલીને બે રનમાં જ દિનેશ કાર્તિક પાસે કૅચ કરાવીને આઉટ કરી દીધા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













